Gujarati News

Gujarati News

News of Tuesday, 31st January 2023

આતંકની પાઠશાળા ખુદ લોહિલુહાણઃ પાકિસ્તાનમાં રોજ ૪ના જીવ જાય છે : ૨૨ વર્ષમાં ૧૬૦૦૦ ટેરર એટેક

પાકિસ્તાનમાં છેલ્લા ૨૨ વર્ષમાં ૧૫૯૯૭ આતંકી હુમલા થયા છેઃ આ હુમલાઓમાં ૨૮,૯૧૮ લોકો (નાગરિક અને જવાન) માર્યા ગયા છેઃ એકલા ૨૦૨૨ની વાત કરીએ તો ૩૬૫ હુમલા થયાઃ જેમાં ૨૨૯ નાગરિકોના મોત થયા હતા, જ્યારે ૩૭૯ જવાનો શહીદ થયા હતા

ઈસ્લામાબાદ, તા.૩૧: સોમવારે પાકિસ્તાનના પેશાવરમાં મોટો આતંકી હુમલો થયો હતો. આમાં અત્યાર સુધીમાં ૬૦ થી વધુ લોકોના મોત થયા છે. ૧૫૦ થી વધુ ઘાયલ છે. મૃતકો અને ઘાયલોમાં મોટાભાગના પોલીસકર્મીઓ છે. આ ફિદાયીન હુમલો પેશાવરમાં અત્યંત સુરક્ષિત ગણાતા પોલીસ કમ્પાઉન્ડમાં બનેલી મસ્જિદમાં થયો હતો. જો કે, હજુ સુધી એ સ્પષ્ટ નથી થયું કે હુમલાખોરે આવા સુરક્ષિત પોલીસ હેડકવાર્ટરમાં સુરક્ષા કોર્ડન કેવી રીતે તોડી નાખ્યું.

કહેવામાં આવી રહ્યું છે કે ફિદાયીન મસ્જિદમાં ઘૂસ્યા, તે સમયે મસ્જિદમાં લગભગ ૩૦૦-૪૦૦ લોકો હતા. હુમલાખોર પહેલી લાઈનમાં જઈને ઊભો રહ્યો. થોડી વાર પછી તેણે પોતાની જાતને બોમ્બથી ઉડાવી દીધી. જેના કારણે એટલો જોરદાર વિસ્ફોટ થયો કે મસ્જિદની ઇમારતની છત પડી ગઇ. બધા લોકો તેની નીચે દટાઈ ગયા. અત્યાર સુધીમાં ૬૦થી વધુ લોકોના મોત થયા છે. ૧૫૦ થી વધુ ઘાયલ છે.

શરૃઆતમાં, પાકિસ્તાની તાલિબાન (તેહરીક-એ-તાલિબાન-ટીટીપી) કમાન્ડર સરબકફ મોહમ્મદે ટ્વીટ કરીને હુમલાની જવાબદારી સ્વીકારી હતી. જોકે. બાદમાં ટીટીપીના પ્રવકતા મોહમ્મદ ખુરાસાનીથી પોતાને દૂર કરી લીધા હતા. વ્વ્ભ્ના પ્રવકતાએ કહ્યું કે મસ્જિદો, ધાર્મિક સ્થળો અને સેમિનાર પર હુમલો કરવાની અમારી નીતિ નથી.

જો તમે છેલ્લા કેટલાક દાયકાઓ પર નજર નાખો તો, તમામ આતંકવાદી સંગઠનો સમગ્ર વિશ્વમાં આતંક ફેલાવવા માટે પાકિસ્તાનની જમીનનો ઉપયોગ કરી રહ્યાં છે. અમેરિકામાં હુમલા બાદ અલ કાયદાના વડા ઓસામા બિન લાદેન પાકિસ્તાનના એબોટાબાદમાં છુપાઈ ગયો હતો. એટલું જ નહીં, પાકિસ્તાને જૈશના માસ્ટરમાઈન્ડ મસૂદ અઝહર, મુંબઈ હુમલાના માસ્ટર માઇન્ડ અને લશ્કરના વડા હાફિઝ સઈદ, ૧૯૯૩ના બોમ્બ બ્લાસ્ટના આરોપી અંડરવર્લ્ડ ડોન દાઉદ ઈબ્રાહિમ જેવા પ્રતિબંધિત આતંકવાદીઓને પણ આશ્રય આપ્યો છે. આ આતંકી સંગઠનો પાકિસ્તાનમાંથી બેસીને આખી દુનિયામાં આતંકી ઘટનાઓને અંજામ આપી રહ્યા છે. પરંતુ કેટલાક વર્ષોથી પાકિસ્તાન પોતે આતંકનો સામનો કરી રહ્યું છે. દરરોજ હુમલાઓ થઈ રહ્યા છે. આ હુમલાઓમાં સામાન્ય નાગરિકોની સાથે પોલીસ અને સેનાના જવાનો પણ મરી રહ્યા છે. એકંદરે ૧૨ વર્ષ પહેલા ઈસ્લામાબાદની મુલાકાતે ગયેલા તત્કાલીન અમેરિકી વિદેશ મંત્રી હિલેરી કિલન્ટનના શબ્દો સાચા સાબિત થઈ રહ્યા છે. ત્યારે હિલેરી કિલન્ટને કહ્યું હતું કે, 'જો તમે તમારા ઘરની પાછળ સાપ રાખો છો, તો તે માત્ર પાડોશીને જ નહીં પરંતુ તમારા ઘરના લોકોને પણ ડંખ મારશે.'વાસ્તવમાં, અમેરિકન નેતા પાકિસ્તાનમાં આતંકવાદીઓને આપવામાં આવેલા આશ્રયનો ઉલ્લેખ કરી રહ્યા હતા.

(11:41 am IST)