Gujarati News

Gujarati News

News of Monday, 31st May 2021

સ્મોકિંગ કરનારાઓમાં મોતનો ખતરો ૫૦ ટકા વધુ : WHO

ડબલ્યુએચઓના રિપોર્ટમાં દાવો કરાયો : કોરોનાનું જોખમ ઓછુ કરવા સ્મોકિંગ છોડવામાં ભલાઈ, કેન્સર, હૃદય અને શ્વાસની બીમારીઓનું જોખમ વધે છે

નવી દિલ્હી, તા. ૩૦ : કોરોના મહામારીની શરૂઆતથી લઈને અત્યાર સુધી આશરે દોઢ વર્ષમાં અનેક ચઢાવ-ઉતાર આવ્યા છે, જેથી તે કહી શકવું મુશ્કેલ છે કે તેનો પ્રકોપ આખરે ક્યાં સુધી રહેશે. કોરોનાની બીજી લહેર અને ઓક્સિજનની કમીથી થયેલા મોતોએ ફેફસાને સ્વસ્થ રાખવાની જરૂરીયાત નવી રીતે જણાવી છે.

આ વચ્ચે વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન ના એક રિપોર્ટ પ્રમામે કોરોના કાળમાં સ્મોકિંગ કરી પોતાના ફેફસાને નુકસાન પહોંચાડનાર લોકોમાં કોવિડની ગંભીરતા અને તેનાથી મોતનું જોખમ ૫૦ ટકા વધુ રહે છે. ડબ્લ્યૂએચઓના ચીફ ડો. ટ્રેડ્રોસ અધનોમ ધેબ્રેયેસસ દ્વારા જારી એક યાદી પ્રમાણે સ્મોકિંગ કરનાર માટે આ ચેતવણી જારી કરવામાં આવી છે.

તેથી કોરોના વાયરસનું જોખમ ઓછુ કરવા માટે સ્મોકિંગ છોડી દેવામાં ભલાય છે. સ્મોકિંગને કારણે કેન્સર, હ્યદયની બીમારી અને શ્વાસની બીમારીનું જોખમ વધી જાય છે.

નારાયણા હોસ્પિટલ ગુરૂગ્રામમાં કન્સલ્ટેન્ટ હેડ સર્જન, હેડ એન્ડ નેક ઓક્નોલોજી, ડોક્ટર શિલ્પી શર્માએ કહ્યું- આજના સમયમાં જે લોકો સ્મોકિંગ કરે છે તેણે કોવિડ મહામારીને આ લત છોડવાના એક કારણના રૂપમાં જોવી જોઈએ. તેણે કોરોનાની ગંભીરતાનો સામનો કરી રહેલા અને ફેફસાની ક્ષમતાને ગુમાવી રહેલા દર્દીઓ વિશે જાણકારી મેળવી સ્વસ્થ ફેફસાના મહત્વને સમજવું જોઈએ. પોતાના ફેફસાને આ ધીમા ઝેરથી બચાવવાનું વચન લેવું જોઈએ.

દિલ્હી સ્થિત એમ્સમાં આસિટન્ટ પ્રોફેસર ડોક્ટર સોનાક્ષીનું કહેવું છે કે કોઈપણ આદત છોડવા માટે ખુદને માનસિક રીતે તૈયાર કરવા સૌથી પહેલું પગલું છે. તેઓ ખરાબ આદત છોડવા ઈચ્છુક લોકોને કેટલાક નાના-નાના ઉપાય જણાવે છે. તેમના પ્રમાણે- એક સમયમાં એક સિગરેટ ખરીદો, એકવારમાં આખી પીવાની જગ્યાએ અડધી પીને છોડવાની આદત શરૂ કરો. તેને છોડવાની કોઈ ચોક્કસ તારીખ નક્કી કરો અથવા શરૂમાં સપ્તાહમાં એક દિવસ ન પીવાનું વચન લો અને ધીમે-ધીમે બે દિવસ અને પછી ત્રણ-ચાર દિવસ પર આવો.

તો દિલ્હી ડાયાબિટીસ સંશોધન કેન્દ્રના ડાયરેક્ટર ડો. એ કે ઝીંગને કહ્યુ કે, સ્મોકિંગ કરનાર લોકો માટે કોવિડ-૧૯ વધુ ઘાતક હોવાનું મોટું કારણ છે કે તેનું શરીર વાયરસના હુમલાને જવાબ ન આપી શકે અને ફેફસા નબળા હોવાને કારણે તેને ઓક્સિજન અને વેન્ટિલેટરની જરૂરીયાત અન્ય લોકોથી વધુ રહે છે.

(12:00 am IST)