Gujarati News

Gujarati News

News of Monday, 31st May 2021

કોરોના દર્દીમાં એક સાથે ત્રણેય ફંગસ જોવા મળ્યા

ઉત્તરપ્રદેશમાં સારવાર દરમિયાન દર્દીનું મોત : દર્દીને બ્લેક, વ્હાઈટ, યલ્લો ફંગસની પણ સમસ્યા હતી

ગાઝિયાબાદ, તા. ૩૦ : ઉત્તર પ્રદેશના ગાઝિયાબાદમાં કોરોના વાયરસથી સંક્રમિત એક દર્દીનું મોત થઈ ગયું. ડોક્ટરે જણાવ્યું કે દર્દીને બ્લેક, વ્હાઈટ અને યલ્લો ફંગસની પણ સમસ્યા હતી. જેના કારણે તે રિકવર થઈ શક્યો નહીં.

ગાઝિયાબાદના રાજનગર વિસ્તારમાં હર્ષ હોસ્પિટલમાં ડો. બી પી ત્યાગી ઈએન્ડટી રોગ તજજ્ઞ તરીકે કામ કરે છે. ડો. બી પી ત્યાગીએ કહ્યું કે 'કોરોના પીડિત કુંવર સિંહ ૫૯ વર્ષના હતા. તેમની હોસ્પિટલમાં સારવાર ચાલુ હતી. આ દરમિયાન ટોક્સેમિયાના કારણે  તેમનું શુક્રવારે સાંજે સાડા સાત વાગે મોત થઈ ગયું.'

ડોક્ટરે જણાવ્યું કે કુંવર સિંહ વ્યવસાયે વકીલ હતા. કોરોના વાયરસથી સંક્રમિત થયા બાદ હાલમાં તેઓ હોસ્પિટલમાં દાખલ થયા હતા. ડો. ત્યાગીએ કહ્યું કે '૨૪મી મેના રોજ એન્ડોસ્કોપી તપાસ દરમિયાન તેમનામાં બ્લેક, વ્હાઈટ ઉપરાંત યલ્લો ફંગસનું સંક્રમણ હોવાની પણ જાણ થઈ હતી.'

તેમણે કહ્યું કે 'તેમની હોસ્પિટલમાં મુરાદનગરના ૬૯ વર્ષના એક અન્ય દર્દીની પણ સારવાર ચાલુ છે. જેનામાં યલો સંક્રમણની પુષ્ટિ થઈ છે. તેમણે કહ્યું કે મુરાદાબાદમાં રહેતા રાજેશકુમારના મગજની પાસે ફંગસ સંક્રમણની જાણ થઈ છે. તેમનું અડધું જડબુ હટાવવામાં આવ્યું છે.'

ડો. ત્યાગીએ કહ્યું કે રાજેશકુમારને પણ ટોક્સેમિયા હતું. પરંતુ સંક્રમણનું સ્તર ઓછું હતું. જો કે હાલ તેમનો જીવ બચી ગયો છે. તે દર્દીનો પણ ફંગસ વિરોધી ઉપચાર ચાલુ છે.

(12:00 am IST)