Gujarati News

Gujarati News

News of Monday, 31st May 2021

દેશભરમાં કોરોનાના કેસમાં સતત ઘટાડો નોંધાઈ રહ્યો છે

દેશમાં ૨૪ કલાકમાં કોરોનાના નવા ૧.૬૫ લાખ કેસ : ભારતભરમાં કોરોના વાયરસના નવા કેસમાં અને મૃત્યુના આંકડામાં નોંધપાત્ર ઘટાડો : વેક્સિનેશન કાર્ય પુરજોશમાં

નવી દિલ્હી, તા. ૩૦ : ભારતમાં કોરોનાના નવા કેસમાં અને મૃત્યુના આંકડામાં નોંધપાત્ર ઘટાડો જોવા મળી રહ્યો છે. છેલ્લા ૨૪ કલાકમાં દેશભરમાંથી કોરોનાના નવા ૧.૬૫ લાખ નવા કેસ નોંધાયા છે જ્યારે ૩૪૦૦થી વધુ લોકોએ કોરોનાના કારણે જીવ ગુમાવ્યો છે.

કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના જણાવ્યાં મુજબ છેલ્લા ૨૪ કલાકમાં કોરોના વાયરસના નવા ૧,૬૫,૫૫૩ કેસ નોંધાયા છે. આ સાથે કુલ કેસનો આંકડો  ૨,૭૮,૯૪,૮૦૦ થયો છે. જેમાંથી ૨૧,૧૪,૫૦૮ લોકો હજુ પણ સારવાર હેઠળ છે. એક દિવસમાં ૨,૭૬,૩૦૯ લોકો કોરોનાથી રિકવર થયા છે. આ સાથે કુલ રિકવર થયેલા લોકોનો આંકડો ૨,૫૪,૫૪,૩૨૦ થયો છે. ૨૪ કલાકમાં ૩૪૬૦ દર્દીઓએ કોરોનાના કારણે જીવ ગુમાવ્યો છે. દેશમાં કોરોનાથી થયેલા કુલ મૃત્યુનો આંકડો ૩,૨૫,૯૭૨ થયો છે.

આ અગાઉ શનિવારે જાહેર કરેલા આંકડા મુજબ ૨૪ કલાકમાં દેશમાં કોરોનાના ૧.૭૩ લાખ જેટલા કોરોનાના નવા કેસ નોંધાયા હતા. જ્યારે ૩૫૧૭ લોકોના કોરોનાથી મૃત્યુ થયા.

રસીને કોરોના સામેની જંગમાં સૌથી મહત્વનું હથિયાર ગણવામાં આવી રહ્યું છે. દેશમાં ચાલી રહેલા રસીકરણ અભિયાન હેઠળ અત્યાર સુધીમાં કુલ ૨૧,૨૦,૬૬,૬૧૪ રસીના ડોઝ અપાયા છે. ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચના જણાવ્યાં મુજબ શનિવારે દેશભરમાંથી કુલ ૨૦,૬૩,૮૩૯ કોરોના ટેસ્ટ કરવામાં આવ્યા હતા. આ સાથે દેશમાં અત્યાર સુધીમાં કરવામાં આવેલા કુલ કોરોના ટેસ્ટનો આંકડો હવે ૩૪,૩૧,૮૩,૭૪૮ પર પહોંચી ગયો છે.

(12:00 am IST)