Gujarati News

Gujarati News

News of Monday, 31st May 2021

જૂન મહિનામાં દેશને રસીના ૧૨ કરોડ ડોઝ મળશે

કોરોના સામેની જંગમાં વેક્સિનની અછત નહીં સર્જાય : કોરોનાની વિરુદ્ધ ભારતમાં ચાલતા દુનિયાના સૌથી મોટા રસીકરણ અભિયાનની ગતિ જૂન માસમાં વધુ તેજ થશે

નવી દિલ્હી, તા. ૩૦ : કોરોના વાયરસની વિરુદ્ધ ભારતમાં ચાલી રહેલા દુનિયાના સૌથી મોટા રસીકરણ અભિયાનની ગતિ હવે વધુ તેજ થશે. આવું એટલા માટે કારણ કે આગામી જૂન મહિનામાં રાષ્ટ્રીય કોવિડ વેક્સીનેશન કાર્યક્રમ માટે ૧૨ કરોડ વેક્સીનના ડોઝ ઉપલબ્ધ હશે. સમાચાર એજન્સીએ કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયના હવાલાથી રવિવારે આ જાણકારી આપી છે.

આ પહેલા મંત્રાલયે શનિવારે જણાવ્યું હતું કે દેશમાં કોવિડ-૧૯ વેક્સીનના અત્યાર સુધી આપવામાં આવેલા કુલ ડોઝની સંખ્યા વધીને ૨૧ કરોડથી વધી ગઈ છે. મંત્રાલયે કહ્યું કે શનિવારે ૧૮-૪૪ ઉંમર વર્ગના ૧૪,૧૫,૧૯૦ લોકોને પહેલો ડોઝ આપવામાં આવ્યો અને આજ સમૂહના ૯,૦૭૫ લોકોને કોવિડ-૧૯ વેક્સીનનો બીજો ડોઝ આપવામાં આવ્યો.

કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે કહ્યું કે વેક્સીનેશન અભિયાનના ત્રીજા ચરણની શરૂઆત બાદથી દેશભરમાં કુલ મળીને ૧,૮૨,૨૫,૫૦૯ લોકોને પહેલો ડોઝ આપવામાં આવ્યો છે. તેઓએ કહ્યું કે, બિહાર, દિલ્હી, ગુજરાત, મધ્ય પ્રદેશ, રાજસ્થાન અને ઉત્તર પ્રદેશમાં ૧૮-૪૪ ઉંમર વર્ગના ૧૦ લાખથી વધુ લાભાર્થીઓને વેક્સીનનો પહેલો ડોઝ આપવામાં આવી ચૂક્યો છે.

મંત્રાલયે કહ્યું કે, સાંજે ૭ વાગ્યાના અસ્થાયી રિપોર્ટ અનુસાર, દેશમાં કુલ મળીને ૨૧,૧૮,૩૯,૭૬૮ ડોઝ આપવામાં આવ્યા છે. કુલ ૨૧,૧૮,૩૯,૭૬૮માંથી ૯૮,૬૧,૬૪૮ સ્વાસ્થ્યકર્મી (એચસીડબલ્યૂ) સામેલ છે જેઓએ પોતાનો પહેલો ડોઝ લીધો છે અને ૬૭,૭૧,૪૩૬ એચસીડબલ્યૂએ બીજો ડોઝ પણ લીધો છે. ૧,૫૫,૫૩,૩૯૫ ફ્રન્ટલાઇન વર્કર્સ (એફએલડબલ્યૂ) છે જેઓલએ પોતાનો પહેલો ડોઝ લીધો છે જ્યારે ૮૪,૮૭,૪૯૩ એફએલડબલ્યૂએ બીજો ડોઝ લીધો છે. તેમાં ૧૮-૪૪ વર્ષની ઉંમરના ૧,૮૨,૨૫,૫૦૯ અને ૯,૩૭૩ લોકો પણ છે જેમણે ક્રમશઃ પહેલો અને બીજો ડોઝ પ્રાપ્ત કર્યો છે. આ ઉપરાંત ૪૫-૬૦ ઉંમર વર્ગના ૬,૫૩,૫૧,૮૪૭ અને ૧,૦૫,૧૭,૧૨૧ લાભાર્થીઓએ ક્રમશઃ પહેલો ડોઝ અને બીજો ડોઝ લીધો છે. તથા ૬૦ વર્ષથી ઉપરના ૫,૮૪,૧૮,૨૨૬ અને ૧,૮૬,૪૩,૭૨૦ લોકોએ ક્રમશઃ પહેલો ડોઝ અને બીજો ડોઝ લીધો છે. વેક્સીનેશન અભિયાનના ૧૩૪ મા દિવસે વેક્સીનના કુલ ૨૮,૦૯,૪૩૬ ડોઝ આપવામાં આવ્યા.

નોંધનીય છે કે, કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય જાહેર કરવામાં આવેલા આંકડાઓ મુજબ, ૨૪ કલાકમાં દેશમાં ૧,૬૫,૫૫૩ નવા પોઝિટિવ કેસો નોંધાયા છે. આ ઉપરાંત કોવિડ-૧૯ના કારણે ૩,૪૬૦ દર્દીઓએ પોતાના જીવ ગુમાવ્યા છે. દેશમાં હવે કુલ સંક્રમિતોની સંખ્યા વધીને ૨,૭૮,૯૪,૮૦૦ થઈ ગઈ છે.

કોવિડ-૧૯ની મહામારી સામે લડીને ૨ કરોડ ૫૪ લાખ ૫૪ હજાર ૩૨૦ લોકો સાજા પણથઇ ચૂક્યા છે. ૨૪ કલાકમાં ૨,૭૬,૩૦૯ દર્દીઓને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. હાલમાં ૨૧,૧૪,૫૦૮ એક્ટિવ કેસ છે. બીજી તરફ, અત્યાર સુધીમાં કુલ ૩,૨૫,૯૭૨ લોકોનાં કોરોના વાયરસના કારણે મોત થયા છે.

(12:00 am IST)