Gujarati News

Gujarati News

News of Monday, 31st May 2021

હિંદ મહાસાગરમાં બની રહ્યુ છે વધુ એક વાવાઝોડુ :કેરળમાં ચોમાસુ પહોચતા હજુ 2-3 દિવસ લાગશે

અરબી સમુદ્રમાં તામિલનાડુઅને કર્ણાટકના દરિયાકાંઠે સર્જાયેલ સાયક્લોનિક સરક્યુલેશનને કારણે ચોમાસુ આગળ ઘપતુ અટક્યું : વાવાઝોડુ બનશે કે નહી ? સ્પષ્ટતા આગામી 3 જુન સુધીમાં થશે

નવી દિલ્હી : ભારતીય હવામાન વિભાગે આગાહી કરી હતી કે, નૈઋત્યનુ ચોમાસુ આગામી 31 મે સુધીમાં કેરળમાં બેસી જશે. પરંતુ આ આગાહીમાં હવે હવામાન વિભાગે ફેરફાર કરીને જણાવ્યુ છે કે, નૈઋત્યના ચોમાસાને કેરળમાં પહોચતા આગામી બે કે ત્રણ દિવસ લાગશે.
દરમિયાન તાઉ તે અને યાસ વાવાઝોડુ જ્યા સર્જાયુ હતુ તે હિંદ મહાસાગરમાંવધુ એક વાવાઝોડુ આકાર પામે તેવા સંજોગો સર્જાયા છે. જો કે આ વાવાઝોડુ બનશે કે નહી તેની સ્પષ્ટતા આગામી 3 જુનની આસપાસ થઈ જશે.

ભારતીય હવામાન વિભાગે આગાહી કરી છે કે, કર્ણાટકમાં વાતાવરણીય ફેરફારને પગલે, કેરળ તરફ આગળ વધતુ નૈઋત્યનુ ચોમાસુ હાલ જ્યા છે ત્યા જ થંભી ગયુ છે. આ વર્ષે સમયસર ચોમાસુ બેસી જવા માટે સાનુકુળ વાતાવરણ સર્જાયુ હતું. પરંતુ અરબી સમુદ્રમાં તામિલનાડુ અને કર્ણાટકના દરિયાકાંઠે સર્જાયેલ સાયક્લોનિક સરક્યુલેશનને  કારણે ચોમાસુ આગળ ઘપતુ અટકી ગયુ છે.

દરમિયાન અરબી સમુદ્રમાં આકાર પામેલ વાવાઝોડુ તાઉ તે અને બંગાળની ખાડીમાં આકાર પામેલ વાવઝોડુ યાસ, પહેલા હિન્દ મહાસાગરમાં હવાના હળવા દબાણ સાથે ઉદભવ્યા હતા. આવુ જ વધુ એક હવાનું હળવુ દબાણ સર્જાય તેવુ વાતાવરણ બન્યુ છે. જો કે આ હવાનું હળવુ દબાણ વાવાઝોડામાં પરિવર્તીત થશે કે નહી તેની સ્પષ્ટતા 3 જુન સુધીમાં થવાની ગણતરી હવામાનશાસ્ત્રીઓ રાખી રહ્યાં છે.

જો કે કેરળમાં દક્ષિણ પશ્ચિમ દિશામાંથી હવા આવી રહી છે. જેના કારણે, કેરળમાં પ્રિ મોન્સુન એક્ટિવીટીના ભાગરૂપે સારો વરસાદ વરસશે. અને આગામી 3 જૂન સુધીમાં ચોમાસુ બેસી જવાની ધારણા છે. આગામી પાંચ દિવસ પૂર્વોતરના રાજ્યોમાં પણ સારો અને નોંધપાત્ર વરસાદ વરસવાની સંભાવના છે.

(12:00 am IST)