Gujarati News

Gujarati News

News of Monday, 31st May 2021

પાકિસ્તાન રમવાનું બંધ કરો અને પોતાની હરકત હવે ત્યાગો : સબીત પાત્રા પર કોંગ્રેસનો પલટવાર

ભારત સરકારે ખુદ આને ઇન્ડિયન ડબલ મ્યુટેન્ટ સ્ટ્રેન ગણાવ્યો: કૉંગ્રેસના રાષ્ટ્રીય પ્રવક્તા પવન ખેડાએ ભારત સરકારના સુપ્રીમ કૉર્ટમાં દાખલ એફિડેવિટનો ઉલ્લેખ કર્યો

નવી દિલ્હી : પાકિસ્તાનમાં કોરોના વાયરસના એક સ્ટ્રેનને ઇન્ડિયન સ્ટ્રેન ગણાવવાને લઇને ભાજપ અને કૉંગ્રેસની વચ્ચે નિવેદનબાજી ચાલી રહી છે. કૉંગ્રેસના રાષ્ટ્રીય પ્રવક્તા પવન ખેડાએ બીજેપીના હુમલા પર પ્રહાર કરતા સુપ્રીમ કૉર્ટમાં દાખલ એફિડેવિટનો ઉલ્લેખ કર્યો છે અને દાવો કર્યો છે કે ભારત સરકારે ખુદ આને ઇન્ડિયન ડબલ મ્યુટેન્ટ સ્ટ્રેન ગણાવ્યો છે.

 તેમણે સંબિત પાત્રાના ટ્વીટનો જવાબ આપતા એફિડેવિટ શેર કર્યું છે અને સાથે જ લખ્યું છે, 'પાકિસ્તાન-પાકિસ્તાન રમવાનું બંધ કરો અને પોતાની હરકતો મુકો. આ ભારત સરકારનું સુપ્રીમ કોર્ટમાં દાખલ એફિડેવિટ છે, જ્યાં ભારત સરકાર આને ખુદ ઇન્ડિયન ડબલ મ્યુટેન્ટ સ્ટ્રેન ગણાવી રહી છે.'

પાકિસ્તાની મીડિયાએ પાકિસ્તાનમાં કોરોનાનો પહેલો એવો કેસ સામે આવ્યાનો દાવો કર્યો છે જેનું વેરિયન્ટ ભારતમાં છે. પાકિસ્તાની મીડિયાએ આને ઇન્ડિયન વેરિયન્ટ ગણાવ્યું, ત્યારબાદ સંબિત પાત્રાએ કૉંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી પર કટાક્ષ કર્યો. સંબિત પાત્રાએ ટ્વિટર પર પાકિસ્તાની મીડિયાના ટ્વીટની તસવીરો શેર કરતા લખ્યું કે, 'અભિનંદન રાહુલ ગાંધી, મિશન પૂર્ણ થયું.' બીજેપીના અમિત માલવીયએ પણ ટ્વિટર પર લખ્યું છે, 'અંતે કૉંગ્રેસને ખુશ થવાનું કારણ મળી ગયું છે. ભારતને બદનામ કરવાની ટૂલકિટને પાકિસ્તાનમાં પણ સહયોગ મળી રહ્યો છે.

આ પહેલા બીજેપીએ કૉંગ્રેસ પર આરોપ લગાવ્યો હતો કે કોરોના સંકટની વચ્ચે કૉંગ્રેસ ટૂલકિટનો ઉપયોગ કરીને મોદી સરકાર અને ભારતને બદનામ કરી રહી છે. બીજેપીના આ આરોપ પર કૉંગ્રેસે વળતો પ્રહાર કર્યો હતો અને બીજેપી નેતાઓની વિરુદ્ધ એફઆઈઆર નોંધાવાની માંગ પણ કરી હતી.

(12:00 am IST)