Gujarati News

Gujarati News

News of Monday, 31st May 2021

કોરોનાની કટોકટીથી હાલ-બેહાલ

દેશમાં ૩૮ ટકા લોકોના પગાર પર કાતર ફરી

૧૦.૯% લોકોએ કોરોનાને કારણે નોકરી જ ગુમાવવી પડી છેઃ સર્વે :૫.૬ ટકા લોકોએ કહ્યું હતું કે તેઓ ઘરેથી ઓફિસનું કામ કરે છે પરંતુ તેમનો પગાર ઘટી ગયો છે

નવી દિલ્હી,તા.૩૧: આઈએએનએસ -સીવોટર કોવિડ ટ્રેકરના સર્વે અનુસાર દેશમાં કોરોના ક્રાઈસીસને કારણે ૩૭.૬ ટકા લોકોના પગારમાં ઘટાડો થઈ ગયો છે. કોરોનાનો સેકન્ડ વેવ વધુ ઘાતક બનતા કંપનીઓએ કર્મચારીઓના પગારમાં કાપ મૂકયો હતો. છેલ્લાં એક સપ્તાહ દરમિયાન હાથ ધરવામાં આવેલા આ સર્વેમાં કુલ ૬૮૭૨ લોકોનો સંપર્ક કરીને તેમના અભિપ્રાય લેવાયા હતા. આ પૈકી કેટલાકે કહ્યું હતું કે કોરોનાના નિયમો અને ગાઈડલાઈનનું પાલન કરીને તેઓ કામ કરી રહ્યા છે.

કુલ ૨૧.૧ ટકા લોકોએ જણાવ્યું હતું કે તેમનો પગાર જેટલો હતો તેટલો જ છે, પરંતુ તેઓ નિયમનો અને સલામતીનાં પગલા હેઠળ કામ કરી રહ્યા છે. જોકે ૧૦.૯ ટકા લોકોએ કોરોનાને કારણે નોકરી જ ગુમાવવી પડી છે. ૫.૬ ટકા લોકોએ કહ્યું હતું કે તેઓ ઘરેથી ઓફિસનું કામ કરે છે પરંતુ તેમનો પગાર ઘટી ગયો છે અને એ રીતે આવક ઘટી ગઈ છે. ચાર ટકા લોકોએ કહ્યું હતું કે તેઓ અગાઉના પગાર સાથે જ વર્ક ફ્રોમ હોમ કરે છે. મતલબ કે તેમના પગાર પર કાતર ફરી નથી. ૩.૭ ટકા લોકો એવા પણ હતા જેમણે કહ્યું હતું કે તેઓ ગાઈડલાઈનનું પાલન કરીને કામ કરી રહ્યા છે, પરંતુ પગાર મળતો નથી. ૨.૯ ટકા લોકોએ કહ્યું હતું કે તેઓ ઘરેથી કામ નથી કરતા પરંતુ સંપૂર્ણ પગાર પણ મળે છે. ૧.૬ ટકા લોકો એવા હતા જેમને ઓફિસ પણ જવું પડે છે અને છતાં પગારમાં કાપ મૂકાયો છે.

કોરોનાનો સેકન્ડ વેવ ઘાતક નીવડ્યો છે અને અનેક લોકોએ નોકરી ગુમાવવી પડી છે. જોકે હવે કોરોનાના કેસ ઘટી રહ્યા છે અને સતત ત્રીજા દિવસે બે લાખથી ઓછા કેસ નોંધાયા છે. કેન્દ્રીય આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયના આંકડા અનુસાર છેલ્લાં ૨૪ કલાકમાં કોરોનાના ૧,૬૫,૫૫૩ કેસ નોંધાયા છે.

(9:56 am IST)