Gujarati News

Gujarati News

News of Monday, 31st May 2021

કોરોનાના દર્દીઓ માટે ખૂબ જ ખતરનાક છે હેપ્પી હાઇપોકિસયા : યુવાઓમાં મોતનું સૌથી મોટું કારણ

બીજી લહેર દરમિયાન આ હેપ્પી હાઈપોકિસયાનો સૌથી વધુ ભોગ યુવાઓ બન્યા છે, ડોકટરો પણ ચિંતિત છે

નવી દિલ્હી,તા. ૩૧: કોરોના વાયરસની બીજી લહેર દરમિયાન દર્દીઓમાં ઘાતક બીમારીના અનેક રહસ્યમય સ્વરૂપ સામે આવ્યા છે. જેમાંથી એક છે હેપ્પી હાઈપોકિસયા બીજી લહેર દરમિયાન આ હેપ્પી હાઈપોકિસયાનો સૌથી વધુ ભોગ યુવાઓ બન્યા છે, આ વાતને લઈને ડોકટરો પણ ચિંતિત છે.

બીજી લહેર દરમિયાન હોસ્પિટલોમાં દાખલ થનારા મોટાભાગના યુવાઓથી પીડિત હોવાની સંખ્યા સતત વધી રહી છે. હેપ્પી હાઈપોકિસયાને કોવિડ-૧૯ માટે સાઈલેન્ટ કિલર પણ કહેવાઈ રહ્યું છે. બીજી લહેર દરમિયાન યુવાઓના સૌથી વધુ મોતનું કારણ પણ હેપ્પી હાઈપોકિસયાને જ ગણવામાં આવ્યું છે.

હકીકતમાં હેપ્પી હાઈપોકિસયા કોરોના દર્દીને અસલ સ્થિતિથી અજાણ રાખે છે. મેડિકલ એકસપર્ટના જણાવ્યાં મુજબ હેપ્પી હાઈપોકિસયાની સ્થિતિમાં લોહીમાં ઓકિસજન લેવલ ખુબ જ ઓછું થઈ જાય છે પરંતુ આમ છતાં દર્દીને એ વાતનો અહેસાસ થતો નથી. દર્દીને લાગે છે કે બધુ સામાન્ય જ છે. આ સ્થિતિ જીવલેણ બની જાય છે.

ડોકટરોએ જાણ્યું કે હેપ્પી હાઈપોકિસયાથી પીડિત દર્દીમાં ઓકિસજન ઓછું થયા બાદ, શરીરના અનેક અંગ કામ કરવાનું બંધ કરવા લાગે છે. પરંતુ દર્દીને જોઈને એવું લાગશે કે તે એકદમ ઠીક છે. મોટાભાગના દર્દી સામાન્ય રીતે ઉઠી બેસી શકે છે. વાતચીત  કરતા રહે છે, ફોનનો ઉપયોગ પણ કરતા રહે છે. પરંતુ અંદરો અંદર મોટું નુકસાન થતું રહે છે.

આ બીમારીની સૌથી વધુ અસર  કોવિડ-૧૯ સંક્રમિત યુવાઓ પર થઈ. યુવાઓમાં સંક્રમણના ઘણા દિવસો બાદ પણ શ્વાસ ફૂલવા જેવા લક્ષણની ખબર પડતી નથી. જયારે હેપ્પી હાઈપોકિસયાથી પીડિત કોવિડ-૧૯થી સંક્રમિત દર્દીનું ઓકિસજન લેવલ ૪૦ ટકા સુધી પહોંચી જાય છે.  

ડોકટરોના જણાવ્યાં મુજબ પલ્સ ઓકિસમીટરની સાથે બ્લડ ઓકિસજન લેવલની તપાસ કરો. ભલે કોઈ પણ કોરોના દર્દીને શ્વાસ લેવામાં કોઈ મુશ્કેલી ન પડતી હોય પરંતુ માત્ર તાવ, ગળામાં ખારાશ વગેરે હોય તો સાવધ થઈ જાઓ. તજજ્ઞોનું કહેવું છે કે નિયમિત રીતે કોવિડ-૧૯ના લક્ષણો ઉપરાંત, હેપ્પી હાઈપોકિસયાવાળા દર્દીઓની સ્કિનનો રંગ રીંગણી કે લાલ થઈ જશે. હોઠનો રંગ પીળો કે વાદળી થઈ જશે અને કોઈ પણ શારીરિક શ્રમ ન કરો તો પણ ખુબ પરસેવો વળશે.

(10:00 am IST)