Gujarati News

Gujarati News

News of Monday, 31st May 2021

લગ્નસરા : હવે જૂન -જુલાઇના ૧૫ મુહર્ત પર મીટ

આખી સિઝનમાં સૌથી વધુ ૧૧ મુહર્ત મે મહિનામાં હતા જેને કોરોનાના નિયંત્રણો નડયા : ૨૦ જુલાઇએ લગ્નની સિઝન પુરી થશે : વર -કન્‍યા પક્ષ સાથે ઇવેન્‍ટ ઇન્‍ડસ્‍ટ્રી વિમાસણમાં

મુંબઇ,તા. ૩૧: કોરોના મહામારીના ફફડાટ વચ્‍ચે લગ્નસરામાં જૂન-જુલાઇ માસના બાકી રહેલા ૧૫ મૂહર્ત પર સૌની મીટ મંડાયેલી છે. ર૦ જુલાઇએ લગ્નસરાની સિઝન પૂરી થતી હોય વર-કન્‍યા પક્ષ સાથે ઇવેન્‍ટ ઇન્‍ડસ્‍ટ્રી પણ વિમાસણમાં મૂકાઇ ગઇ છે.

ગત નવેમ્‍બર-ડિસેમ્‍બરમાં પાંચ મૂહર્ત, જાન્‍યુઆરી, ફેબ્રુઆરી અને માર્ચ એમ ત્રણ મહિના મળીને માત્ર બે જ મુહૂર્ત મળ્‍યા હતા. એપ્રિલમાં ૬ અને મેમાં સર્વાધિક ૧૧ મૂહર્ત હોવા છતાં કોરોના નિયંત્રણો સૌને નડી ગયા હતા. જોકે, હવે ચાલુ લગ્નસરાની સિઝનમાં માત્ર ૧૪ જ મૂહર્ત બાકી રહ્યા હોય હવે સરકારી નિયંત્રણો હળવા થાય એના પર વર-કન્‍યા પક્ષ સાથે ઇવેન્‍ટ ઇન્‍ડસ્‍ટ્રીની મીટ પણ મંડાયેલી છે. જયોતિષીના જણાવ્‍યા મુજબ, હાલમાં જૂન માસમાં ૧૧ અને જુલાઇ માસમાં ૪ લગ્ન મૂહર્ત છે. જૂન માસમાં ૩, ૪, ૬, ૧૫, ૧૬, ૧૯, ૨૦, ૨૧, ૨૪, ૨૬, ૨૮મી તારીખે અને જુલાઈ માસમાં ૧, ર, ૩, ૧૩ તારીખે લગ્નમુહૂર્ત છે. ૨૦ જુલાઇએ દેવશયની એકાદશી સાથે લગ્નસરાની સિઝન પર પૂર્ણવિરામ મુકાઇ જશે.

લગ્નસરાની આખી સિઝનનો ૩૦૦ કરોડનો વેપાર ખોરવાયો

દક્ષિણ ગુજરાતમાં સાઉથ ગુજરાત ઇવેન્‍ટ મેનેજમેન્‍ટ એસોસિયેશન સાથે ૮૫ જેટલા સભ્‍યો જોડાયેલા છે.  મેનેજમેન્‍ટ એસોસિયેશન તસ્‍ફથી મળેલી માહિતી  મુજબ, લગ્નસરામાં કંકોત્રીથી માંડીને જમણવાર સુધીની બાબતે ૫૦ જેટલી એજન્‍સીઓ જોડાયેલી  હોય છે. મ્‍યુઝીકલ નાઇટ અને અન્‍ય સંગીતના કાર્યક્રમો સાથે સીંગર, ઓરકેસ્‍ટ્રાની ટીમ જોડાયેલી હોય છે. જોકે, કોરોનાના કડક નિયત્રણોને કારણે  આખી સિઝનનો ૩૦૦ કરોડનો વેપાર ખોરવાઇ ગયો  છે. કરોડોનું નુકશાન થવાની સાથે જ લગ્નસમારોહ સાથે જોડાયેલી મધ્‍યમ વર્ગની વ્‍યક્‍તિને આજીવીકાનો પ્રશ્ર ઊભો થયો છે.

સમયગાળો અને મહેમાનોની સંખ્‍યા વધારોઃ ઇવેન્‍ટ મેનેજમેન્‍ટ એસોસિયેશન

સાઉથ ગુજરાત ઇવેન્‍ટ મેનેજમેન્‍ટ એસોસિયેશનના પુર્વ પ્રમુખ ચિરાગ શાહે જણાવ્‍યુ હતુ કે. લગ્નસરાની સિઝન ઓલમોસ્‍ટ ફેલ ગઇ છે. રાત્રી કરફ્‌યુ અને ૫૦ મહેમાનોની મર્યાદાને કારણે સમારોહ મૌકૂફ થતાં હોટલ બુકીંગ-વેન્‍ડરના પૈસા રીફંડ કરવામાં મુશ્‍કેલી નડી રહી છે. આ સ્‍થિતિને જોતા સમયગાળો અને મહેમાનોની સંખ્‍યા વધારવી જોઇએ. જુલાઇ બાદ સીધી નવેમ્‍બરમાં સિઝન શરૂ થશે. ત્‍યાં સુધી લોકો સર્વાઇવ કરી શકે, પૂરતો ખર્ચ કાઢી શકે એ માટે અગાઉની માફક ૨૦૦ લોકોની પરવાનગી આપવામાં આવે અને લગ્ન સમારોહમાં જતી વ્‍યક્‍તિને ૧૦-૧૧ વાગ્‍યા સુધીની મંજરી આપવી જોઇએ. આ ઇન્‍ડસ્‍ટ્રીને રાહત માટે ખાસ પેકેજ જાહેર કરવું જોઇએ.

(10:28 am IST)