Gujarati News

Gujarati News

News of Monday, 31st May 2021

પેટ્રોલ - ડીઝલની કિંમતોમાં આગ : અનેક શહેરોમાં પેટ્રોલ ૧૦૦ને પાર

આજે પણ વધ્‍યા ઇંધણના ભાવ

નવી દિલ્‍હી તા. ૩૧ : દેશમાં પેટ્રોલ અને ડીઝલની કિંમતોમાં આગ લાગેલી છે. દર બીજા દિવસે ઈંધણના ભાવોમાં વધારો ઝીંકવામાં આવી રહ્યો છે. મે મહિનામાં કુલ ૧૬ દિવસ પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારો થયો છે. એક તો પેટ્રોલ અને ડીઝલ પોતાના ઉચ્‍ચતમ સ્‍તરે વેચાઈ રહ્યા છે. બીજી તરફ દેશના અનેક શહેરોમાં પેટ્રોલ ૧૦૦ રૂપિયા પ્રતિ લીટરથી પણ મોંઘું વેચાઈ રહ્યું છે. ડીઝલના ભાવ પણ આ શહેરોમાં રેકોર્ડ સ્‍તર પર છે. આજે પેટ્રોલ - ડીઝલના ભાવમાં ૨૨ થી ૨૯ પૈસાનો પ્રતિલીટર વધારો કરાયો છે.

સોમવારે મુંબઈમાં પેટ્રોલ ૧૦૦.૪૭ રૂપિયા પ્રતિ લીટરના ભાવથી વેચાઈ રહ્યું છે. મહારાષ્ટ્રના પરભનીમાં પણ પેટ્રોલ પહેલા જ ૧૦૦ને પાર વેચાઈ રહ્યું હતું. અહીં આજે પેટ્રોલની કિંમત ૧૦૨.૨૭ રૂપિયા પ્રતિ લીટર છે. બીજી તરફ રાજસ્‍થાનના શ્રીગંગાનગર અને મધ્‍ય પ્રદેશના અનૂપપુર અને ભોપાલમાં પણ પેટ્રોલ ૧૦૦ રૂપિયાની ઉપર છે. ભોપાલમાં પેટ્રોલની કિંમત ૧૦૨.૦૪ રૂપિયા પ્રતિ લીટર છે.

દિલ્‍હી- પેટ્રોલ ૯૪.૨૩ રૂપિયા અને ડીઝલ ૮૫.૧૫ રૂપિયા પ્રતિ લીટર છે. મુંબઈ- પેટ્રોલ ૧૦૦.૪૭ રૂપિયા અને ડીઝલ ૯૨.૪૫ રૂપિયા પ્રતિ લીટર છે. ચેન્નઈ- પેટ્રોલ ૯૫.૭૬ રૂપિયા અને ડીઝલ ૮૯.૯૦ રૂપિયા પ્રતિ લીટર છે. કોલકાતા- પેટ્રોલ ૯૪.૨૫ રૂપિયા અને ડીઝલ ૮૮ રૂપિયા પ્રતિ લીટર છે.

(10:35 am IST)