Gujarati News

Gujarati News

News of Monday, 31st May 2021

કોરોનાથી સાજા થયેલાઓને વેકસીનનો એક જ ડોઝ કાફી

બનારસ હિન્‍દુ યુનિવર્સિટીના ૫ વૈજ્ઞાનિકોનો સનસનીખેજ દાવોઃ કોરોનાથી સાજા થયેલા લોકોમાં ૧૦ દિવસની અંદર બની જાય છે એન્‍ટીબોડી : કોરોના નથી થયો તો બન્ને ડોઝના ૩ થી ૪ સપ્તાહ બાદ એન્‍ટીબોડી બની જાય છેઃ કોરોનાથી સાજા થયેલા લોકોમાં કેટલાક મહિનાઓ સુધી રહેશે એન્‍ટીબોડી

નવી દિલ્‍હી, તા. ૩૧ : બનારસ હિન્‍દુ વિશ્વ વિદ્યાલયના વૈજ્ઞાનિકોએ પોતાના અભ્‍યાસમાં એવુ શોધી કાઢયુ છે કે એક વખત કોરોનાથી સંક્રમિત થઈ ચુકેલ લોકોને વેકસીનનો એક જ ડોઝ પુરતો છે. આવા લોકોમાં વેકસીનનો પ્રથમ ડોઝ ૧૦ દિવસની અંદર પુરતી એન્‍ટીબોડી બનાવી દે છે. આ એન્‍ટીબોડી કોરોનાથી લડવામાં મહત્‍વની ભૂમિકા ભજવે છે. જ્‍યારે જે લોકો કોરોના સંક્રમિત નથી થયા તેઓમાં વેકસીન લગાડયા બાદ એન્‍ટીબોડી બનવામાં ૩ થી ૪ સપ્તાહનો સમય લાગે છે.

વૈજ્ઞાનિકોએ પીએમ મોદીને પત્ર લખી સૂચન કર્યુ છે કે કોરોનાથી સાજા થયેલા લોકો માટે વેકસીનનો એક જ ડોઝ અનિવાર્ય રાખે. અત્‍યાર સુધીમાં ૨ કરોડથી વધુ લોકો કોવીડ-૧૯થી સાજા થયા છે. જો તેઓને ફકત એક જ ડોઝ આપવામાં આવે તો વેકસીનનું સંકટ પણ ઘટી જશે અને વધુમાં વધુ લોકો સુધી વેકસીન પહોંચી શકશે.

આ યુનિ.ના વૈજ્ઞાનિક પ્રોફેસર જ્ઞાનેશ્વર ચોબેએ જણાવ્‍યુ હતુ કે હાલમાં ૨૦ લોકો પર એક પાઈલોટ અભ્‍યાસ કરવામાં આવ્‍યો હતો. આ અભ્‍યાસ કોવીડ માટે જવાબદાર સાર્સ સીઓવી-૨ વાયરસ વિરૂદ્ધ નેચરલ એન્‍ટીબોડીની ભૂમિકા અને તેના ફાયદાની માહિતી આપે છે. અભ્‍યાસમાં જણાયુ છે કે કોરોના વેકસીનનો પ્રથમ ડોઝ એવા લોકોમાં ઝડપથી એન્‍ટીબોડી બનાવે છે જેઓ કોવીડ પોઝીટીવ હતા. જ્‍યારે કોવીડથી સંક્રમિત ન થયેલા લોકોમાં વેકસીન લીધા બાદ ૨૧ થી ૨૮ દિવસમાં એન્‍ટીબોડી વિકસે છે.

પ્રો. ચોબેએ જણાવ્‍યુ હતુ કે અભ્‍યાસથી એ પણ સ્‍પષ્‍ટ થયુ છે કે સંક્રમણથી ઠીક થયા બાદ કેટલાક મહિનાઓ બાદ વ્‍યકિત પોતાની એન્‍ટીબોડી ગુમાવી દે છે. ભારત પોતાની ૭૦થી ૮૦ કરોડ વસ્‍તીને રસીકરણ માટે પ્રયાસ કરી રહેલ છે. બીજી તરફ સીરમ અને ભારત બાયોટેકની ઉત્‍પાદન ક્ષમતા સીમીત છે તેથી અભ્‍યાસમાં સામે આવેલા તારણો અંગે પીએમને પત્ર લખી જણાવાયુ છે.

આ અભ્‍યાસમાં આ યુનિ.ના ૫ વૈજ્ઞાનિકો સામેલ હતા.

આ અભ્‍યાસથી બે ફાયદા થશે પ્રથમ વેકસીન લગાવવાની પ્રાથમિકતા નક્કી થશે એટલે કે કોને પહેલા વેકસીન આપવી ? તે નક્કી થઈ શકશે. કોરોનાથી સાજા થયેલા લોકો પહેલા એવા લોકોને વેકસીન આપી શકાશે જેમને અત્‍યાર સુધી કોરોના નથી થયો. બીજો ફાયદો એ છે કે કંપનીઓ ઉત્‍પાદન ઓછું કરે આમ છતા બધાને વેકસીન મળી શકશે.

 

(10:58 am IST)