Gujarati News

Gujarati News

News of Monday, 31st May 2021

કોરોના થાક્‍યો ! નવા કેસ - મોતમાં ધરખમ ઘટાડો

છેલ્લા ૨૪ કલાકમાં ૧,૫૨,૭૩૪ નવા કેસ : ૩૧૨૮ના મોત : દેશમાં કુલ કેસ ૨,૮૦,૪૭,૫૩૪, કુલ મૃત્‍યુઆંક ૩,૨૯,૧૦૦ તથા કુલ એકટીવ કેસ ૨૦,૨૬,૦૯૨

નવી દિલ્‍હી તા. ૩૧ : ભારતમાં કોરોના વાયરસ ની બીજી લહેરનો પ્રકોપ ધીરે ધીરે ઓછો થઈ રહ્યો છે. નવા કેસમાં ભારે ઘટાડો થયો છે આ સાથે મોતનો આંકડો પણ ઘટ્‍યો છે. છેલ્લા ૨૪ કલાકમાં દેશભરમાંથી કોરોનાના નવા ૧.૫૨ લાખથી વધુ નવા કેસ સામે આવ્‍યા છે. જયારે ૩૧૦૦થી વધુ લોકોના મોત થયા છે. આ અગાઉ રવિવારે બહાર પડેલા આંકડા મુજબ ૨૪ કલાકમાં ૧.૬૫ લાખ નવા કેસ નોંધાયા હતા જયારે ૩૪૬૦ દર્દીના મોત થયા હતા.

કેન્‍દ્રીય આરોગ્‍ય મંત્રાલયે આજે સવારે જાહેર કરેલા આંકડા મુજબ છેલ્લા ૨૪ કલાકમાં દેશભરમાંથી કોરોનાના નવા ૧,૫૨,૭૩૪ દર્દીઓ નોંધાયા છે. આ સાથે કુલ કોરોના સંક્રમિતોનો આંકડો હવે ૨,૮૦,૪૭,૫૩૪ પર પહોંચ્‍યો છે. દેશમાં એક દિવસમાં કોરોનાથી ૩૧૨૮ દર્દીના મોત થયા છે. કુલ મૃત્‍યુઆંક ૩,૨૯,૧૦૦ થયો છે. જો કે હવે દેશમાં એક્‍ટિવ કેસમાં સતત ઘટાડો થઈ રહ્યો છે. ૨૪ કલાકમાં ૨,૩૮,૦૨૨ દર્દીઓ રિકવર થયા. આ સાથે કુલ સાજા થયેલા લોકોની સંખ્‍યા ૨,૫૬,૯૨,૩૪૨ થઈ છે. હાલ ૨૦,૨૬,૦૯૨ દર્દીઓ સારવાર હેઠળ છે. રસીકરણ અભિયાન હેઠળ અત્‍યાર સુધીમાં દેશમાં કુલ ૨૧,૩૧,૫૪,૧૨૯ રસીના ડોઝ અપાયા છે.

સતત ૧૮માં દિવસે કોરોના વાયરસના નવા કેસ કરતા રિકવર થનારા લોકોની સંખ્‍યા વધુ છે. આ સાથે જ કોવિડ-૧૯થી રિકવરી રેટ ૯૦ ટકાથી વધુ થયો છે. હાલ કોરોનાથી રિકવરી રેટ ૯૧.૬૦%  છે.  જયારે દેશમાં કોરોનાથી મૃત્‍યુદર ૧.૧૬ ટકા છે. એક્‍ટિવ કેસ પણ ઘટીને ૮ ટકાથી ઓછા થયા છે. એક્‍ટિવ કેસ મામલે દુનિયામાં ભારત બીજા સ્‍થાને છે. કુલ સંક્રમિતોની સંખ્‍યાના મામલે પણ ભારત ૧૦માં નંબરે છે. જયારે મોત મામલે ભારત ત્રીજા નંબરે છે. દુનિયામાં અમેરિકા અને ભારત બાદ સૌથી વધુ કોરોનાથી મૃત્‍યુ ભારતમાં થયા છે.

ઈન્‍ડિયન કાઉન્‍સિલ ઓફ મેડિકલ રિસર્ચના જણાવ્‍યાં મુજબ રવિવારે દેશભરમાંથી કોરોનાના કુલ ૧૬,૮૩,૧૩૫ ટેસ્‍ટ કરાયા હતા. આ સાથે અત્‍યાર સુધીમાં કરાયેલા કોરોના ટેસ્‍ટનો આંકડો ૩૪,૪૮,૬૬,૮૮૩ પર પહોંચી ગયો છે.

 

(10:59 am IST)