Gujarati News

Gujarati News

News of Monday, 31st May 2021

બિહારની દરભંગા મેડિકલ કોલેજમાં છેલ્લા 24 કલાકમાં ચાર બાળકોના મોતથી ફફડાટ

શ્વાસ લેવામાં તકલીફ , ન્યુમોનિયા જેવા લક્ષણો હતા મૃત્યુ પામેલા બાળકનો પરિવાર મધુબની જિલ્લાનો રહેવાસી

પટના : કોરોના સંક્રમણની ત્રીજી લહેરનાં ભય અને તેના બાળકો પર વધુ અસર થવાની સંભાવના વચ્ચે બિહારનાં દરભંગાથી એક ડરાવતો કિસ્સો સામે આવ્યો છે. રાજ્યની દરભંગા મેડિકલ કોલેજ (ડીએમસીએચ) માં છેલ્લા એક દિવસમાં ચાર બાળકોનું મોત નીપજ્યું છે.

   સમાચાર એજન્સી એએનઆઈનાં જણાવ્યા અનુસાર, ડીએમસીએચ આચાર્ય અને સીસીયુ પ્રભારીએ એએનઆઇને કહ્યું, 'તેમને શ્વાસ લેવામાં તકલીફ થઈ, ન્યુમોનિયા જેવા લક્ષણો હતા. તેઓની હાલત ગંભીર હતી. તેમાંથી એકનો કોરોના ટેસ્ટ રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો અને 3 નેગેટિવ આવ્યા હતા.' અહેવાલ મુજબ, કોરોનાથી મૃત્યુ પામેલા બાળકનો પરિવાર મધુબની જિલ્લાનો છે. થોડા દિવસો પહેલા તેમને સારવાર માટે ડીએમસીએચમાં દાખલ કરાયા હતા.

   કોરોના સંકટ વચ્ચે બાળકોનાં મોતથી દરેક ચોંકી ઉઠ્યા છે. જન અધિકાર પાર્ટીનાં અધ્યક્ષ પપ્પુ યાદવે પણ આ મુદ્દે સવાલ ઉઠાવ્યા છે. તેમણે ટ્વીટ કરીને લખ્યું છે કે, કોરોનાથી ડીએમસીએચ દરભંગામાં ચાર બાળકોનું મોત નીપજ્યું હતું. આ પહેલીવાર છે જ્યારે આવા સંખ્યાબંધ બાળકો કોરોનાનો ભોગ બન્યા છે. ત્યાં સ્પષ્ટ સંકેત છે કે ત્રીજી લહેરનો કહેર શરૂ થયો છે. જો કે હાલમાં સરકારો પોતાની પીઠ થપથપાવામાં વ્યસ્ત છે. તેમણે લખ્યું છે કે, નિર્દય પીએમ મનની વાત કરવામાં, તો આરોગ્ય પ્રધાન દોષારોપણનાં રાજકારણમાં વ્યસ્ત છે. પપ્પુ યાદવે પોતાના ટ્વિટમાં ચાર બાળકોનાં મોતનું કારણ કોરોના હોવાનું જણાવ્યું છે, જો કે હોસ્પિટલનાં જણાવ્યા મુજબ માત્ર એક બાળક કોવિડ પોઝિટિવ હતું.

(11:31 am IST)