Gujarati News

Gujarati News

News of Monday, 31st May 2021

પરિક્ષા પ્રક્રિયા જીવન માટે જોખમી હોવાની અરજી

બારમા ધોરણની પરિક્ષા રદ કરાવવા ૫૨૧ વિદ્યાર્થીઓ સુપ્રીમમાં

નવી દિલ્હી, તા.૩૧: યુથ બાર એસોસીએશન દ્વારા ૫૨૧ વિદ્યાર્થીઓએ સુપ્રિમ કોર્ટ સમક્ષ એક અરજી કરી છે જેમાં તેમણે ૧૨માં ધોરણની પરિક્ષા રદ કરવાની વિનંતી કરી છે. વિદ્યાર્થીઓનું કહેવુ છે કે આ પ્રક્રિયા બંધારણ હેઠળ મળેલા રાઇટ ટુ લાઇફ એન્ડ પર્સનલ લીબર્ટીના અધિકારનું ઉલ્લંઘન છે. તેમાં રાઇટ ટુ હેલ્થનો અધિકાર પણ સામેલ છે.

એડવોકેટ તન્વી દુબે દ્વારા કરાયેલ અરજીમાં કહેવાયુ છે કે સરકારે કોરોના જોખમને ધ્યાનમાં રાખીને જ ૧૪ એપ્રિલ ૨૦૨૧ના રોજ ૧૦મીની પરીક્ષા રદ કરાવવાનો નિર્ણય કર્યો હતો. અરજીમાં કહેવાયુ છે કે ૧૨મીની પરીક્ષા યોજવાનું બંધારણના અનુચ્છેદ ૧૪નો પણ સરાસર ભોગ છે, કેમ કે કોરોનાનો ખતરો હજુ પણ છે. એડવોકેટનું કહેવું છે કે સરકારને જો ૧૦મા ધોરણના વિદ્યાર્થીઓની ચિંતા હોય તો ૧૨માં ધોરણના વિદ્યાર્થીઓ બાબતે આટલો દુર્ભાવ કેમ? ઓફલાઇન પરીક્ષા યોજવાથી તેમની તંદૂરસ્તીને પણ જોખમ થશે.

સુપ્રીમ કોર્ટની વેકેશન બેંચ આજે આ કેસની સુનાવણી કરશે. અરજીમાં કેટલાક અબબારોના સમાચારો દર્શાવીને કહયુ છે કેન્દ્ર અને રાજયોએ આપસમાં ચર્ચા કરીને નિર્ણય લીધો છે કે સીબીએસઇ અને આઇસીએસઇ બોર્ડની પરિક્ષા ૧૫ જુલાઇ અને ૨૬ ઓગસ્ટે યોજવામાં આવશે. વિદ્યાર્થીઓનું કહેવું છે કે આ નિર્ણય પરેશાન કરનારો છે. હાલના સમયમાં કોરોનાનું જોખમ સતત ઝળુંબી રહયુ છે.

અરજીમાં કહેવાયુ છે કે આ નિર્ણય લેતી વખતે એ નથી જોવાયું કે કોરોના સંક્રમિત વિદ્યાર્થીઓ કેવી રીતે પરીક્ષા આપશે. કેમ કે તેમને તો પરીક્ષામાં બેસવા જ નહી દેવાય, અત્યાર સુધી ૧૮ વર્ષથી ઓછી ઉંમર માટે કોઇ રસી જ નથી આવી, ત્રીજી લહેરનું જોખમ માથે ઉભુ છે, ત્યારે આ નિર્ણય એકદમ બાલિશ છે. વિદ્યાર્થીઓનું કહેવું છે કે મહામારીના આ સમયમાં ઘણી શાળાઓને કોવિડ કેર સેન્ટરની સાથે રસીકરણ કેન્દ્રમાં ફેરવી દેવાઇ છે. આ જગ્યાઓએ પરીક્ષા યોજવાથી વિદ્યાર્થીઓ પર ગંભીર જોખમ ઉભુ થઇ શકે છે.

(1:14 pm IST)