Gujarati News

Gujarati News

News of Monday, 31st May 2021

દેશ-વિદેશના સહેલાણીઓની પસંદ

પ્રસિધ્ધ તીર્થસ્થળ અને અદ્ભૂત પર્યટન સ્થળો ધરાવતું શહેર વારાણસી-કાશી

સદીઓથી સંસ્કૃતિ, પૌરાણિક કથાઓ, સાહિત્ય અને કલાનું મુખ્ય મથક એટલે બનારસઃ ખૂબસૂરત વર્તમાન તથા રહસ્યમય અતીત : ગંગા નદીના ઘાટ ઉપર બેસવાનો, હોડીની સવારી કરવાનો તથા ગંગા આરતી કરવાનો અલભ્ય અને રોમાંચિત અનુભવઃ હિન્દુ ધર્મ સાથે સંબંધિત પવિત્ર શહેર

રાજકોટ, તા. ૩૧ :  દેશ-વિદેશના સહેલાણીઓને હરવા-ફરવા માટે ભારતમાં અખૂટ સૌંદર્ય અને આકર્ષક સ્થળો ઉપલબ્ધ છે. તેમાં પણ પ્રસિધ્ધ તીર્થસ્થળ અને અદ્ભૂત પર્યટન સ્થળે ધરાવતુ શહેર વારાણસી દેશ-વિદેશના સહેલાણીઓની પસંદગીનું સ્થળ છે. વારાણસીને બનારસ તથા કાશીના નામથી પણ ઓળખવામાં આવે છે. ખુબ સુરત વર્તમાન તથા રહસ્યમય અતીત ધરાવતું તથા સદીઓથી સંસ્કૃતિ, પૌરાણિક કથાઓ, સાહિત્ય અને કલાનું મુખ્ય મથક તરીકે બનારસને ઓળખવામાં આવે છે. હિન્દુ ધર્મ સાથે સંબંધિત સાત પવિત્ર શહેરોમાંનું એક શહેર એટલે વારાણસી અહીં ગંગા નદીના ઘાટ ઉપર બેસવાનો, હોડીની સવારી કરવાનો તથા ગંગા મૈયાની આરતી કરવાનો અલભ્ય અને રોમાંચિત અનુભવ કરી શકાય છે.

આ જગ્યાએ આવવાની ઇચ્છા દેશ-વિદેશના સહેલાણીઓની રહેતી હોય છે. દરેક માણસ જીવનમાં એક વખત અહીં આવવાની ઇચ્છા ધરાવતો હોવાનું સંજય શેફર્ડ કહી રહ્યા છે. કાશી શહેરની સાંકળી ગલીઓ, વિશાળ મંદિરો, ઘાટ તથા લોકપ્રિય સ્થળો મનને પ્રફુલ્લિત કરી દે છે. અહીંના ઘાટ ઉપર ફરતા -ફરતા ઘણા લોકો એવા પણ મળી જાય છે કે તેઓ વારણસી એક વખત આવ્યા હોય અને પછી અહીં જ રહેવા લાગ્યા હોય.

આ જગ્યા ઉપર પાપ, પૂણ્ય, જીવન, મૃત્યુ એમ તમામ બાબત એક તહેવાર જેવી લાગે છે કે જેની ઉજવણી શહેરની ભાગદોડ વચ્ચે પણ દરેક માણસ પોતાની ધુનમાં મસ્ત બનીને સારા-ખરાબ સમયમાં મનાવતા જોવા મળે છે. આ શહેરમાં ઘણા લોકો મુકિત તથા શુધ્ધિકરણ માટે પણ આવે છે અને ગંગા નદીના પવિત્ર જળમાં ડૂબકી લગાવીને ધન્ય બને છે. આ શહેરનો વર્તમાન જેટલો સરસ છે. તેનાથી પણ વધુ રહસ્યમય તેનો અતીત (ભૂતકાળ) છે.

પૌરાણિક કથાઓ અનુસાર ભગવાન શિવ અને પાર્વતીદેવીના લગ્ન થયા ત્યારે વારાણસી શહેર અસ્તિત્વમાં આવ્યંુ હતું. કાળ ક્રમે આર્ય પ્રજાજનો અહીં આવીને વસ્યા અને રેશમ, મલમલ, હાથી દાંત તથા અન્ય વસ્તુઓના વેપારને પ્રોત્સાહન મળ્યું. ગંગા નદીના કિનારે આવેલ આ શહેરમાં જોવાલાયક અને ફરવા લાયક જગ્યાઓની પણ કમી નથી. અહીં ગંગાદીના ઘાટ ઉપર બેસીને આ શહેરનો અહેસાસ કરવાનો જે સંતોષ મળે છે તે અસામાન્ય હોય છે. અહીંની સાંકળી ગલીઓમાંથી પસાર થવાનો તથા અહીંની ચા નો સ્વાદ માણવાનો   આનંદ પણ લેવા જેવો છે.

અહીં મુકિતબોધ વધુ છે જે આપણને કયારેક ખાલી તો કયારેક સંપૂર્ણપણે મુકત કરી દે છે. દુનિયામાં આ એ જ સ્થળ છે કે જયાં ખૂબ સંતુલિત રીતે જીવન અને મૃત્યુના વિષય ઉપર ચિંતન-મનન પણ કરી શકાય છે.

કાશી વિશ્વનાથ મંદિર, આલમગીર મસ્જીદ, અસ્સીઘાટ, દશાશ્વમેઘ ઘાટ, મણિકર્ણિકા ઘાટ, તુલસી માનસા મંદિર, દુર્ગા મંદિર,  રામનગર કિલ્લો અને સંગ્રહાલય, ચુનારનો કિલ્લો, વારાણસી સારનાથ મંદિર, બનારસ સિલ્ક એમ્પોરીયમ, ગોડોવાલિયા માર્કેટ વિગેરે કાશીના એવા સ્થળો છે કે જેની મુલાકાત અચૂક લેવા જેવી છે. આ સ્થળો ઉપરાંત વારાણસી નદીની બીજી તરફ જંતર - મંતર (વૈધશાળા) આવેલ છે. શાસ્ત્રીય નૃત્ય, સંગીત તથા ધર્મ અને વિજ્ઞાન શિક્ષણનું કેન્દ્ર બનારસ હિન્દુ યુનિવર્સિટીના પરિસરમાં જ નવું વિશ્વ્નાથ મંદિર આવેલ છે કે જેના નિર્માણમાં ૧૯૩૧ થી ૧૯૬૬ સુધીનો ૩પ વર્ષ જેટલો સમય લાગ્યો હતો. ભારતના હાલના વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદી પણ ગત લોકસભાની ચૂંટણીમાં વારાણસી બેઠક ઉપરથી પ્રચંડ બહુમતી સાથે ચૂંટાયા હતાં. ટંૂકમાં ભારતમાં હરવા-ફરવા ઇચ્છતા દેશ - વિદેશના સહેલાણીઓ માટે વારાણસી (બનારસ-કાશી) ફરવા આવવું એ એક અનેરો લ્હાવો ગણી શકાય. 

વારાણસી પહોંચવું કઇ રીતે ? રહેવું કયાં ?

દેશના મુખ્ય શહેરોથી કાશી (વારાણસી) જવા માટે મોટાભાગે ફલાઇટ, ટ્રેઇન તથા બસ સરળતાથી મળી રહે છે. અમદાવાદથી પણ ફલાઇટ, ટ્રેઇન તથા બસ દ્વારા વારાણસી જઇ શકાય છે. ગુગલ ઉપર સર્ચ કરીને તથા જે તે એરલાઇન્સ કે ઇન્ડિયન રેલ્વેની વેબસાઇટ ઉપર જઇને પણ બુકીંગ કરાવી શકાય છે. ઉપરાંત વારાણસી જવા માટે કે ત્યાં રહેવાની વ્યવસ્થા કરવા માટે ટ્રાવેલ એજન્ટસનો સંપર્ક પણ કરી શકાય છે. અમદાવાદથી વારાણસી અંદાજે ૧૪૧૪ કિલો મીટર જેટલું થાય છે.

વારાણસી (બનારસ-કાશી) તથા તેની આજુબાજુ રહેવા માટે અલગ-અલગ સ્ટાન્ડર્ડ તથા ફેસિલિટી મુજબ હોટલ-ગેસ્ટ હાઉસ મળી જાય છે. અહીં ૪૦૦ રૂપિયાથી માંડીને ૬ હજાર સુધીના ટેરીફવાળી હોટલ - ગેસ્ટ હાઉસ વ્યવસ્થા મળી રહેતી હોય છે. સીઝન મુજબ ઘણી જગ્યાએ ડીસ્કાઉન્ટ પણ ચાલતું હોય છે. ગુગલ ઉપર પણ સર્ચ કરી શકાય છે. ઓનલાઇન બુકીંગ પણ શકય છે. accommodation in varanasi

(2:54 pm IST)