Gujarati News

Gujarati News

News of Monday, 31st May 2021

સેન્ટ્રલ વિસ્ટા પ્રોજેકટ નહી અટકે : દિલ્હી હાઇકોર્ટે અરજી ફગાવી

અરજી કરનારને ૧ લાખ રૂપિયાનો દંડ : કોરોનામાં પણ ચાલુ રહેશે પ્રોજેકટનું કામ

નવી દિલ્હી તા. ૩૧ : દિલ્હીમાં ચાલી રહેલા સેન્ટ્રલ વિસ્ટા પ્રોજેકટના નિર્માણ પર પ્રતિબંધ નહીં લાગે. દિલ્હી હાઈકોર્ટે આ પ્રોજેકટને રોકવાની ના કહી દીધી છે. આ ઉપરાંત કોર્ટે અરજી કરનાર વ્યકિત પર ૧ લાખ રૂપિયાનો દંડ લગાવ્યો છે. કાઙ્ખર્ટે અરજી કરનારાના ઈરાદા પર પ્રશ્ન ઉઠાવ્યો છે અને કહ્યું કે, આ પ્રોજેકટને જબરદસ્તીથી રોકવા માટે અરજી કરવામાં આવી હતી.

ઉલ્લેખનીય છે કે દિલ્હીમાં લગાવવામાં આવેલા લોકડાઉન બાદ અરજદારે એમ કહીને અરજી દાખલ કરી હતી કે અત્યારે દિલ્હીમાં કન્સ્ટ્રકશન એકિટવિટીઝ પર સંપૂર્ણ રીતે પ્રતિબંધ છે, તો આ પ્રોજેકટનું કામ કેમ ના રોકવામાં આવ્યું? અરજીમાં કહેવામાં આવ્યું હતુ કે ૫૦૦થી ઉપર મજૂરો ત્યાં કામ કરી રહ્યા છે આના કારણે ત્યાં કોરોના સંક્રમણ ફેલાય તેવો ખતરો છે, પરંતુ આજે જયારે હાઈકોર્ટે પોતાનો નિર્ણય સંભળાવ્યો ત્યારે પહેલાથી જ દિલ્હી સરકાર કન્સ્ટ્રકશન એકિટવિટી પર લાગેલા પ્રતિબંધને હટાવી ચુકી છે.

કોર્ટે કહ્યું કે, લોકોનો રસ આ પ્રોજેકટમાં છે અને આના પર નવેમ્બરમાં કામ પૂર્ણ થવાનો કોન્ટ્રાકટ છે. કોર્ટે કહ્યું કે, આ મહત્વપૂર્ણ પબ્લિક પ્રોજેકટ છે અને આને અલગ કરીને ના જોવામાં આવી શકે. આ એક રાષ્ટ્રીય મહત્વનો પ્રોજેકટ છે. અદાલતે કહ્યું કે, આ પ્રોજેકટની કાયદેસરતા સાબિત થઈ ચુકી છે અને સરકારે નવેમ્બર ૨૦૨૧ સુધી આ કામને પૂર્ણ કરવાનું છે. કોરોના સંક્રમણના પ્રશ્ન પર અદાલતે કહ્યું કે, અત્યારે તમામ કામદારો નિર્માણ સ્થળ પર છે અને તમામ કોવિડ પ્રોટોકોલનું પાલન કરવામાં આવી રહ્યું છે. આથી કોર્ટની પાસે કોઈ કારણ નથી કે તે આર્ટિકલ ૨૨૬ અંતર્ગત મળેલી શકિતઓનો ઉપયોગ કરતા આ પ્રોજેકટ રોકી દે.

સેન્ટ્રલ વિસ્ટા પ્રોજેકટ અંતર્ગત ચાલી રહેલા નિર્માણ કાર્યને રોકવા માટે આન્યા મલ્હોત્રા અને સોહેલ હાશમીએ અરજી દાખલ કરી હતી. અરજદારોએ અરજીમાં પૂછ્યું હતુ કે, 'પ્રોજેકટ કેમ અને કઈ રીતે જરૂરી સેવા છે. મહામારીના આ સમયમાં આ પ્રોજેકટમાં મોટા પ્રમાણમાં જનતા માટે કોઈ સર્વિસ નથી અને ના આ જરૂરી કાર્ય છે.'

(2:56 pm IST)