Gujarati News

Gujarati News

News of Monday, 31st May 2021

સરકારની સખ્તી બાદ ટ્વીટરે નમતું જોખ્યું, નવા IT નિયમોનું પાલન કરવા તૈયાર

ભારતમાં એક સ્થાનિક અધિકારીની નિમણુંક કરાઇઃ સ્થાનિક ફરીયાદોનું નિવારણ કરશે

નવી દિલ્હી, તા.૩૧ :   કેન્દ્ર સરકાર સાથે લાંબી માથાકૂટ બાદ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્વીટરે આખરે નવા આઇટી નિયમો લાગૂ કરવાનો નિર્ણય લીધો છે. ટ્વીટર તરફથી સોમવારે દિલ્હી હાઈકોર્ટમાં આ જાણકારી આપવામાં આવી છે. ટ્વીટરે હાઈકોર્ટને જણાવ્યું કે, તેણે નવા આઈટી રુલ્સ, ૨૦૨૧ને લાગૂ કરી લીધા છે અને ભારતમાં એક સ્થાનિક અધિકારીની નિમણૂંક પણ ૨૮મીં મેથી કરી દેવામાં આવી છે. જે સ્થાનિક ફરિયાદોનું નિવારણ કરશે.

હાઈકોર્ટમાં જ્યારે ટ્વીટરે કહ્યું કે, અમે કેન્દ્ર સરકારના કાયદા સ્વીકારી લીધા છે, ત્યારે સરકારનું કહેવું છે કે, હજુ સુધી એવું નથી થયું. કેન્દ્ર સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલા નવા ડિજિટલ નિયમોનું પાલન ના કરવા પર સોશિયલ મીડિયા નેટવર્ક ટ્વીટર વિરુદ્ધ દિલ્હી હાઈકોર્ટમાં ગત સપ્તાહે અરજી દાખલ કરવામાં આવી હતી. જેમાં ટ્વીટરને તાત્કાલીક અસરથી સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલા નિયમોનું પાલન કરવાનો આદેશ આપવાની માંગ કરવામાં આવી હતી.

વકીલ અમિત આચાર્યએ અરજીમાં કહ્યું હતું કે, કેન્દ્ર સરકારે આ વર્ષે ૨૫ ફેબ્રુઆરીએ નવા ઈન્ફોર્મેશન ટેક્નોલૉજી નિયમો જાહેર કરતા ટ્વીટર સહિત તમામ સોશિયલ મીડિયા નેટવર્ક સાઈટોને ૩ મહિનાની અંદર તેના પર અમલ કરવાનો આદેશ આપ્યો હતો. ૨૫મીં મેના રોજ આ સમય સમાપ્ત થયા બાદ પણ ટ્વીટરે હજુ સુધી પોતાના પ્લેટફોર્મ પર ટ્વીટ વિશે ફરિયાદોના નિવારણ માટે સ્થાનિક ફરિયાદ નિવારણ અધિકારીની નિંમણૂંક નહતી કરી.

IT એકટ, ૨૦૨૧ને કેન્દ્ર સરકારે ૨૫ ફેબ્રુઆરી, ૨૦૨૧ના જાહેર કર્યો હતો. જે અંતર્ગત સોશિયલ મીડિયા નેટવર્કને એ વાતનું ધ્યાન રાખવું પડશે કે, કોઈ મેસેજ સૌથી પહેલા કોણે મોકલ્યો? આ સાથે જ કોઈ પોસ્ટ, મેસેજ વિશે ફરિયાદોના નિવારણ માટે સ્થાનિક અધિકારીની નિમણૂંક કરવાનું કહ્યું છે.

(3:34 pm IST)