Gujarati News

Gujarati News

News of Monday, 31st May 2021

વૃધ્ધ અને ઘટતી જતી વસ્તીથી ચીન ગભરાયુ

હવે ચીનમાં ત્રણ બાળકની નીતિને મંજૂરી

બીજિંગ તા. ૩૧ : વૃદ્ઘ થઈ રહેલી વસ્તી અને વસ્તી વૃદ્ઘિની ધીમી ગતિથી ચિંતિત ચીને એક મોટો અને મહત્વનો નિર્ણય લીધો છે. હવે ચીન સરકારે કુટુંબ નિયોજનના નિયમોમાં ઢીલ આપવાની જાહેરાત કરી છે. લેવામાં આવેલા નિર્ણય પ્રમાણે હવે ચીનમાં દંપતિ ત્રણ બાળકો પેદા કરી શકશે. પહેલા ચીનમાં ફકત ૨ બાળકો પેદા કરવાની પરવાનગી હતી. તાજેતરમાં જ ચીનની જનસંખ્યાના આંકડાઓ સામે આવ્યા હતા, જેમાં સામે આવ્યું હતુ કે ચીનમાં વસ્તીનો મોટો ભાગ વૃદ્ઘ થઈ રહ્યો છે. આવામાં ભવિષ્યની ચિંતાઓને જોતા ચીને આ પગલું ઊઠાવવું પડ્યું.

ચીની મીડિયા પ્રમાણે નવી પોલિસીને ચીની રાષ્ટ્રપતિ શી જિનપિંગની મંજૂરી મળી ગઈ છે. એટલે કે દાયકાઓથી ચાલી આવી રહેલી ટૂ-ચાઇલ્ડ પોલિસીને ચીને હવે ખત્મ કરી દીધી છે. ચીને તાજેતરમાં જ પોતાની જનસંખ્યાના આંકડાઓ જાહેર કર્યા હતા. તેના પ્રમાણે ગત દાયકામાં ચીનમાં બાળકો પેદા થવાની ગતિની સરેરાશ સૌથી ઓછી હતી. આનું મુખ્ય કારણ ચીનની ટૂ-ચાઇલ્ડ પોલિસી ગણાવવામાં આવી.

આંકડાઓ પ્રમાણે ૨૦૧૦થી ૨૦૨૦ની વચ્ચે ચીનમાં જનસંખ્યા વધવાની ગતિ ૦.૫૩ ટકા હતી, જયારે વર્ષ ૨૦૦૦થી ૨૦૧૦ની વચ્ચે આ ઝડપ ૦.૫૭ ટકા પર હતી. એટલે કે ગત ૨ દાયકાઓમાં ચીનમાં જનસંખ્યા વધવાની ઝડપ ઓછી થઈ ગઈ છે. એટલું જ નહીં આંકડાઓ પ્રમાણે વર્ષ ૨૦૨૦માં ચીનમાં ફકત ૧૨ મિલિયન બાળકો પેદા થયા, જયારે ૨૦૧૬માં આ આંકડો ૧૮ મિલિયન હતો. એટલે કે વર્ષ ચીનમાં ૧૯૬૦ બાદ બાળકો પેદા થવાની સંખ્યા પણ સૌથી નીચા સ્તરે પહોંચી.

(4:38 pm IST)