Gujarati News

Gujarati News

News of Monday, 31st May 2021

રિકવર થયેલા દર્દીઓમાં એસ્પરઝિલસ ફંગસ અને બેકટેરિયાના ઇન્ફેકશન્સ

એસ્પર ઝિલસ ફંગસ મ્યુકોરમાઇકોસિસ જેવી ઘાતક નથી પણ તેની સારવારમાં ઢીલ મુકાય તો સમસ્યા ખડી થઇ શકે છેઃરાજકોટની સિવીલ હોસ્પિટલમાં એસ્પરઝિલસ ફંગસ માટે સારવાર લઇ રહેલા લગભગ ૧૦૦ જેટલા દર્દીઓ છે

નવી દિલ્હી, તા.૩૧: કોરોનાવાઇરસનો ભરડો સતત મજબુત થઇ રહ્યો છે, બીજી લહેરનો પ્રકોપ લોકોએ વેઠ્યો અને ત્રીજી લહેરની તાણ પણ લોકોને સતાવી રહી છે. આ બધાંની વચ્ચે, બ્લેક, વ્હાઇટ અને યેલો ફંગસની હેરાનગતીના કેસિઝ પણ સામે આવ્યા. મ્યુકોરમાઇકોસિસને ઘણાં રાજયોએ નોટિફાયેબલ ડિસીઝ તરીકે ગણાવ્યો અને મહારાષ્ટ્રની અમુક નિયત હોસ્પિટલમાં તો તેની સારવાર નિઃશૂલ્ક આપવાની જાહેરાત પણ થઇ. જો કે આ બધાંની વચ્ચે ગુજરાતના રાજકોટમાંથી એસ્પરઝિલસ ફંગસના કેસિઝ બહાર આવી રહ્યાં છે. એસ્પરઝિલસ ફંગસના કેસિઝ કોરોનાના દર્દીઓમાં, ખાસ કરીને જેઓ ઓરલ હાઇજીનનું ધ્યાન ન રાખતા હોય તેમાં જોવા મળી રહ્યા છે. દિવ્યભાસ્કરમાં આવેલા એક રિપોર્ટ અનુસાર રાજકોટની સિવીલ હોસ્પિટલમાં એસ્પરઝિલસ ફંગસ માટે સારવાર લઇ રહેલા લગભગ ૧૦૦ જેટલા દર્દીઓ છે. આ પહેલાં એસ્પરઝિલસના કેસિઝ નહોતા થતા તેમ નહોતું પણ કોરોના પછી દર્દીઓમાં એસ્પરઝિલસના કેસ બમણા સામે આવી રહ્યા છે, આ ઉપરાંત એસ્પરઝિલસ ફૂગથી ફેફસાંમાં ફેલાતા પોસ્ટ કોવિડ ઈન્ફેકશનના પ્રમાણમાં પણ બે ગણો વધારો થયો છે. મ્હોંમાં ફેલાતી આ ફંગસ ફેફસાં સુધી પહોંચીને રોગ પ્રતિકારક શકિતને સાવ ક્ષિણ કરી શકે છે. મોઢામાંથી વાસ આવવી, સ્વાદ આવતો બંધ થઇ જાય છે, મોઢામાં લાલ ચાઠાં પડે છે, નાના છાલા પડે છે વગેરે લક્ષણો હોઈ શકે છે. કોરોનાથી રિકવર થનારા લોકોમાં દાંતના દુખાવાની ફરિયાદ પણ જોવા મળતી હોય છે.  એસ્પર ઝિલસ ફંગસ મ્યુકોરમાઇકોસિસ જેવી ઘાતક નથી પણ તેની સારવારમાં ઢીલ મુકાય તો સમસ્યા ખડી થઇ શકે છે. જો કે નસીબજોગે તેની સારવાર મ્યુકોરમાઇકોસિસ કરતાં સસ્તી છે અને તે ટેબ્લેટથી જ મટી જાય છે તેવું ડોકટર્સે નોંધ્યું છે.

વળી માત્ર ફંગસ નહીં પણ જાતભાતના બેકટેરિયાના કેસિઝ પણ ગુજરાતના વિવિધ શહેરોમાં જોવા મળી રહ્યા છે. બેકટેરિયલ ઇન્ફેકશન્સના દ્યણા કેસિઝ ડોકટર્સ સાજા કરી રહ્યાં છે. પ્યુડોમોનાસ, કલેબસિએલા અને એસિનેટોબેકટર જેવા બેકટેરિયાના ઇન્ફેકશનથી હેરાન થતા દર્દીઓ ડોકટર્સ પાસે આવતા રહે છે. પોસ્ટ કોવિડ લંગ ઇન્ફેકશનના કેસિઝમાં જાતભાતની ફંગસ અને બેકટેરિયાના કેસિઝ બહાર આવે છે.

ટાઇમ્સ ઓફ ઇન્ડિયાના રિપોર્ટ અનુસાર સ્વાઇન ફ્લુના પેશન્ટ્સમાં પણ સેકન્ડરી લંગ ઇન્ફેકશનના કેસિઝ જોવા મળતા હતા અને તેવી જ સ્થિતિ કોવિડમાંથી સાજા થયેલા દર્દીઓમાં,સાજા થયાના ૩૦ દિવસ પછી જોવા મળે છે. કોવિડના દર્દીઓનાં ફેફસાં, યુરિન અને લોહીમાં બેકટેરિયા અને ફંગસના કેસિઝ જોવા મળે છે અને દ્યણા કિસ્સામાં તેઓ સારવાર હેઠળ હોય ત્યારે જ આ ઇન્ફેકશન થતાં હોવાનું પણ જોવા મળ્યું છે. ડોકટરોના મતે સ્ટીરોઇડ્ઝના ઉપયોગથી આ લક્ષણો જોવા મળી શકે છે અને સેકન્ડરી ઇન્ફેકશન જાનનું જોખમ બની શકે છે.

(4:40 pm IST)