Gujarati News

Gujarati News

News of Monday, 31st May 2021

રોજ એક કરોડ લોકોને આપવામાં આવશે વેકિસન

જુલાઈના બીજા કે ત્રીજા અઠવાડિયાથી તેના પર કામ શરૂ કરવામાં આવશે તે માટે વેકિસનના ૩૦ થી ૩૨ કરોડ ડોઝની ઉપલબ્ધતા સુનિશ્ચિત કરશે સરકાર

નવી દિલ્હી, તા.૩૧: દેશમાં કોરોના સંક્રમણને પહોંચી વળવા માટે સરકાર વેકિસનેશન અભિયાનને ઝડપી બનાવવાના બને તેટલા પ્રયત્નો કરી રહી છે. ભારતમાં હાલ બે રસીઓ લોકોને આપવામાં આવે છે કોવિશીલ્ડ અને કોવેકિસન. આ ઉપરાંત જૂનના બીજા અઠવાડિયા બાદ રશિયાની સ્પૂતનીક-વી રસી પણ ભારતમાં આપવામાં આવશે જે સિંગલ ડોઝ રસી છે. આ ઉપરાંત ભારતમાં વિદેશ રસીઓ જેવી કે ફાઈઝર અને જોનસન એન્ડ જોનસનની રસી પણ આપવામાં આવશે છે.

ભારતમાં ૧૬ જૂને શરૂ થયેલા વેકિસનેશન બાદ લોકોને આપવામાં આવેલા કુલ ડોઝમાં લગભગ ૯૦ ટકા લોકોને કોવિશીલ્ડ વેકિસનનો ડોઝ આપવામાં આવ્યો છે. ભારતમાં ભારત બાયોટેક દ્વારા બનાવવામાં આવેલી કોવેકસીનનો પણ ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયના એક ઉચ્ચ સૂત્રએ જણાવ્યું છે કે સરકાર દરરોજ હવે ૧ કરોડ લોકોને વેકિસન આપવાની યોજના બનાવી રહી છે.

આ યોજના હેઠળ વેકિસનના ૩૦ થી ૩૨ કરોડ ડોઝની ઉપલબ્ધતા સુનિશ્ચિત કરવાનો પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે. યોજના અનુસાર કોવિશીલ્ડ અને કોવેકિસનના ૨૫ કરોડ ડોઝ દર મહિને ઉપલબ્ધ કરાવવાની વાત કરવામાં આવી રહી છે. આ ઉપરાંત ૫ થી ૭ કરોડ બીજી વેકિસનની ઉપબ્લધ કરાવવામાં આવશે. જેમાં Biological E, સીરમની Novavax, Genova mRNA, Zydus Cadilla DNA વેકિસન, સ્પૂતનિક વીનો પણ સમાવેશ થાય છે.

આવનાર સમયમાં કોવિશીલ્ડનો સિંગલ ડોઝ જ રાખવા અંગે ચર્ચા ચાલી રહી છે. એવું સંશોધન કરવામાં આવી રહ્યું છે કે શું સિંગલ ડોઝ જ વાયરસ સામે લડવામાં પ્રભાવીત છે?

જોનસન એન્ડ જોનસન, સ્પૂતનિક લાઈટ અને કોવિશિલ્ડ એક જ પ્રકારના પ્રોસેસથી બની છે. જોનસન એન્ડ જોનસન અને સ્પૂતનિક લાઈટ સિંગલ ડોઝ વેકિસન જ છે.

(4:42 pm IST)