Gujarati News

Gujarati News

News of Monday, 31st May 2021

ઈશ્વર કર્મપ્રધાન નહીં પરંતુ કરૂણાપ્રધાન છેઃ પૂ. મોરારીબાપુ

મધ્યપ્રદેશમાં આયોજીત 'માનસ ભરત ચરિત્ર' ઓનલાઈન શ્રીરામકથાનો ત્રીજો દિવસ

રાજકોટ, તા. ૩૧ :. 'ઈશ્વર કર્મ પ્રધાન નહીં પરંતુ કરૂણા પ્રધાન છે' તેમ પૂ. મોરારીબાપુએ મધ્યપ્રદેશના મંદાકિની નદીના કિનારે ચિત્રકુટ ખાતે આયોજીત 'માનસ ભરત ચરિત્ર' શ્રીરામકથાના ત્રીજા દિવસે કહ્યું હતું.

પૂ. મોરારીબાપુએ ગઈકાલે બીજા દિવસે કહ્યું કે, આ ભરત ચરિત્ર કે કોઈ ચરિત્રનું ગાયન નહીં પણ માનસની મંદાકિનીના તટ પર જ યજ્ઞ કરી રહ્યા છીએ. બાપુએ એ પણ જણાવ્યું કે ઘણી જ પ્રકારના ઉત્પાતના શમન માટે ભરતચરિત્રનું ગાન ફાયદાકારક છે. જેમ કે ઉલ્કાપાત, વજ્રપાત, ગર્ભપાત, સાવધાન ! આ કોઈ શિખામણ નહીં માત્ર સંવાદ કરૂ છું, એટલે કહું છું ચંચુપાત. જવાબદાર વ્યકિત કંઈક ગલત બાત કરે એ પણ એક ઉત્પાત છે. જેના એક એક શબ્દ પર હજારોની શ્રધ્ધા જોડાયેલી હોય એવી વ્યકિત અભિમાનમાં કંઈક કંઈ ખોટુ બોલી દે એ પણ ઉત્પાત છે, એ જ રીતે જળપ્રપાત જેમ કે નાયગ્રા ધોધ અથવા તો એવા વિશાળ ધોધ અને શસ્ત્રપાત એ પણ ઉત્પાત છે. મનનું વારંવાર ચંચળ થઈ જવું એને રામચરિતમાનસમાં પિપલપાત કહ્યું છે. પીપળનું પાન અન્ય પાંદડાઓની તુલનામાં સતત કંપન કરતું હોય છે એ પણ એક ઉત્પાત છે, તો આવા ઉત્પાતના માટે શમન માટે કોઈક ધારાની પાસે બેસીને ભરતચરિત્રનું ગાન કરો. ચિત્રકુટ ગુણાતીત છે આ ભૂમિ નહીં પણ ભૂમિકા છે.

પૂ. મોરારીબાપુએ વધુમાં કહ્યું કે, બીજાના દોષ સિદ્ધ કરવામાં રહે, બીજાને નાના સાબિત કરનારથી નાનું કોઈ જ નથી. તીર્થોમાં નામનું મહત્વ વિશેષ છે. કોઈ મંગલમય નદીના તટ પર અથવા વધુ ઉંચાઈ ન હોય અને આસાનીથી ચડી શકીએ એવી પર્વતની ચોટી પર અથવા કોઈ ગિરિગુહામાં, ગૌશાળામાં, અન્નક્ષેત્રમાં કે ગુરૂ સ્થાન પર બેસીને નામ સુમિરણ કરીએ એનો મહિમા વિશેષ હોય છે.

(4:49 pm IST)