Gujarati News

Gujarati News

News of Monday, 31st May 2021

કેન્દ્ર સરકાર દ્વારા વર્ષ-2021-22 માટે ''જલ જીવન મિશન'' અંતર્ગત રૂ. 3411 કરોડની જંગી ફાળવણી: રૂ.852.65 કરોડ આપી પણ દેવાયા

આ યોજના અંતર્ગત વર્ષ-2022 સુધીમાં રાજ્યના તમામ ઘરોને અને માર્ચ, 2022 પહેલા 10 લાખ ઘરોને ''નળ થી જળ'' પહોંચતું કરી દેવામાં આવશે

નવી દિલ્હી : દેશના પ્રત્યેક ઘરને  ''નળથી જળ'' પહોંચતું કરી દેવાની નિયમિત અને લાંબા ગાળાના અભિયાન અંતર્ગતની ભારત સરકારના જળ મંત્રાલયની '' નેશનલ જલ જીવન મિશન'' હેઠળની યોજનાના ભાગરૂપે  કેન્દ્ર સરકારે વર્ષ-2021-22 માટે ગુજરાત સરકારને રૂ. 3410.61 કરોડની ગ્રાન્ટની ફાળવણી કરી છે. આ પૈકીની રૂ. 852.65 કરોડની રકમ રાજ્ય સરકારને આપી પણ દેવાઈ છે

 . અત્રે ઉલ્લેખનીય છે કે, વર્ષ-2019-20 માટે આ યોજના અંતર્ગત માત્ર  રૂ. 390.31 કરોડની ફાળવણી થઇ હતી, જે વર્ષ-2020-21માં વધારીને રૂ.883.08 કરોડ જેટલી કરી દેવામાં આવી હતી. કેન્દ્રીય જળસંસાધન મંત્રી ગજેન્દ્રસિંહે ગુજરાત માટે ચાલુ વર્ષે આ અભિયાન અંતર્ગતની રકમ આશરે ચાર ગણી વધારી દીધી છે.

"જલ જીવન મિશન: હર ઘર જલ'' યોજનાનો પ્રારંભ વડાપ્રધાન મોદીજીએ 15 ઓગસ્ટ, 2019ના રોજ કરાવ્યો હતો. જેનો ઉદેશ વર્ષ-2024 સુધીમાં ગ્રામીણ લોકોનું અને ખાસ કરીને મહિલાઓ અને દીકરીઓનું જીવનધોરણ સુધારીને પ્રત્યેક ઘર સુધી પીવાલાયક શુદ્ધ પાણી પહોંચાડવાનો હતો. વર્ષ-2020-21માં ગુજરાતના 10.94 લાખ ગ્રામીણ ઘરો સુધી ''નળથી જળ'' પહોંચતું કરી દેવામાં આવ્યું છે. જયારે વર્ષ 2021-22 સુધીમાં વધુ 10 લાખ ઘરો સુધી નળ મારફતે શુદ્ધ જળ પહોંચાડવાની યોજના છે. રાજ્યમાં 92.22 લાખ ગ્રામીણ આવાસો છે, જે પૈકીના 77.21 લાખ (આશરે 83%) ઘરો સુધી પાઇપથી પાણી પહોંચતું થાય છે.  
ગત વર્ષે,  આ યોજનાની સમીક્ષા બેઠક દરમિયાન કેન્દ્રીય જળસંસાધન મંત્રી ગજેન્દ્ર સિંહ શેખાવતને રાજ્યના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ ‘’જળ જીવન મિશન''ને વેગવંતુ બનાવીને રાષ્ટ્રીય લક્ષ્યાંક પૂર્વે વર્ષ-2022ના અંત સુધીમાં રાજ્યના પ્રત્યેક ગ્રામીણ ઘરોમાં ''નળ થી જળ'' પહોંચાડી દેવાની ખાતરી આપી હતી.
વડાપ્રધાનનરેન્દ્ર મોદીજી ''સબકા સાથ, સબકા વિકાસ ઔર સબકા વિશ્વાસ'' મંત્ર ઉપર ભાર મૂકે છે. આ મંત્રને સાકારિત કરવા માટે ''જલ જીવન મિશન'' ઉત્કૃષ્ટ ઉદાહરણ છે, જે અંતર્ગત દેશના પ્રત્યેક ઘર સુધી શુદ્ધ પેયજળ પહોંચાડવાની નેમ છે. ગુજરાતમાં આશરે 18,000 ગામડાઓ પૈકી 6700 ગામો એવા છે; જ્યાં 100% ઘરોમાં  ''નળથી જળ'' પહોંચી ચૂક્યું છે. વર્ષ-2020-21માં બીજા 5900 ગામોમાં 100% ઘરોને ''હર ઘર જળ'' અંતર્ગત નળ દ્વારા પાણી પૂરું પાડવાની કામગીરી ચાલુ થઇ ગઈ છે. અત્રે નોંધવું જોઈએ કે, રાજ્યના 05 જિલ્લાઓના પ્રત્યેક ગ્રામીણ ઘરોમાં ''નળથી જળ'' ઉપલબ્ધ છે.
'નેશનલ જલ જીવન મિશન'' દ્વારા રાજ્ય સરકાર દ્વારા રજૂ કરવામાં આવેલી વાર્ષિક કાર્યયોજના (Annual Action Plan)ને  મંજૂર કરી દેવામાં આવી છે. વડાપ્રધાન મોદીના ''વિઝન'' મુજબ આ વ્યવસ્થાથી કોઈપણ વંચિત રહી જવું જોઈએ નહિ. પ્રધાનમંત્રીના આ વિઝનને સાકારિત કરવા આ અભિયાન અંતર્ગત રાજ્ય સરકાર પ્રત્યેક ગામને પાઇપ દ્વારા પાણી પૂરું પાડવાની સાથે પ્રત્યેક ઘરને નળ મારફતે જળ પૂરું પડવાને પ્રાથમિકતા આપી રહી છે. આગામી કેટલાક મહિનાઓમાં રાજ્યના 23 જિલ્લાના 12,000થી વધુ ગામોને 100% ઘરોને ''હર ઘર જલ'' આપીને નળથી પાણી પહોંચતું કરવાની કાર્યયોજનાને  પૂર્ણ કરવામાં આવશે.
આ કામગીરીના જ ભાગરૂપે, ''100 દિવસનું અભિયાન'' 2 ઓક્ટોબર 2020ના રોજ વડાપ્રધાન  મોદી દ્વારા શરૂ કરવામા આવ્યું હતું; જેમાં શાળાઓ, આંગણવાડી, આશ્રમશાળાઓમાં નળ દ્વારા પાણી પહોંચાડવાની કામગીરી શરૂ કરવામા આવી હતી. રાજ્ય સરકાર દ્વારા અત્યાર સુધી 29754 ગ્રામ્ય શાળાઓ અને 42279 આંગણવાડી કેન્દ્રોમાં પાણીનું જોડાણ આપવામાં આવ્યું છે. 98.5 ટકા શળાઓ અને 91 ટકા આંગણવાડી કેન્દ્રોમાં હાથ ધોવા માટેની સગવડ પૂરી પાડવામા આવી છે. આ અભિયાન દ્વારા એ સુનિશ્વિત કરવામા આવ્યું છે કે બાળકોને સ્વચ્છ પાણી મળે જેથી તેમનું સ્વાસ્થ્ય સુધરે અને સ્વચ્છતા જળવાઇ રહે.
લોક્ભાગીદારીતા સાધીને વિકાસ કરવામા ગુજરાત હંમેશા અગ્રેસર રહ્યું છે અને આ પ્રવૃત્તિ હેઠળ જ ''પાણી સમિતિ''ની સ્થાપના કરીને ગ્રામ્યસ્તરે પીવાના પાણીનું સંચાલન કરવામા આવ્યું છે. જેની શરૂઆત વર્ષ-2002માં વોટર એન્ડ સેનિટાઇઝેશન ઓર્ગેનાઇઝેશન (વાસ્મો)ની સ્થાપના સાથે થઇ હતી. 17,225 ગામડાઓમાં 10-15 સ્થાનિકો મળીને લોક્ભાગીદારીતાથી ''પાણી સમિતિ'' બનાવે છે અને તેની યોજના, અમલીકરણ અને જાળવણીની કામગીરી કરે છે. અત્યાર સુધી 17,107 ગામડાઓમાં 5 વર્ષીય એક્શન પ્લાન તૈયાર કરવામા આવ્યો છે;  જે 15-માં નાણાપંચના સમયગાળા  સાથે સાયુજ્ય સાધીને પાણીની સુરક્ષા અને સ્વચ્છતા સુનિશ્વિત કરશે. આ કામગીરીમાં સ્થાનિક લોકો મુખ્ય ભાગ ભજવે છે. અને તેઓ ગામડાની જરૂરિયાત પ્રમાણે પાણીના સ્ત્રોત શોધી પ્લાન બનાવે છે, જ્યારે પબ્લિક હેલ્થ એન્જિનિઅર તેમને ટેક્નિકલ સહયોગ પૂરો પાડે છે.
રાજ્ય સરકારે બિનસરકારી સંસ્થાઓ (એનજીઓ)/સીબીઓ અને સ્વૈચ્છિક સંસ્થાઓ સાથે ભાગીદારી કરી અમલીકરણ સહયોગ એજન્સી (ઇમ્પ્લિમેન્ટેશન સપોર્ટ એજન્સી :આઇએસએ) બનવી છે જે ગ્રામ્ય લેવલે સ્થાનિકો સાથે મળીને કામ કરે છે. અત્યારે આ પ્રકારની 21 એજન્સી કાર્યરત છે અને આવનારા દિવસોમાં 25 એજન્સી ઉમેરવામાં આવશે. આ ટીમની સાથે વાસ્મોની 400 ટીમ સંકલનમાં કામ કરે છે જેઓ કમ્યુનિટીને ગ્રામ્ય કક્ષાએ એક્શન પ્લાન, ગ્રે વોટર મેનેજમેન્ટ, સ્ત્રોતનું સશક્તિકરણ, અમલીકરણ અને સંચાલન વગેરેમાં મદદ કરે છે. આ વર્ષે ક્ષમતા વિકસિત કરવા અને તાલીમ માટે રાજ્ય સરકારે તૈયારી કરી છે. એવું નક્કી કરવામા આવ્યું છે કે પાણી સમિતિ, પબ્લિક હેલ્થ એન્જિનિઅર , આઇએસએ વગેરેના 8 હજારથી વધુ લોકોને તાલીમબદ્ધ કરવામા આવે જેથી પાણીને લગતી સ્કિમ સુચારૂ રીતે અમલી બને અને ઘર ઘર સુધી પાણીના કનેક્શન પહોંચે. તેના દ્વારા રાજ્યમાં દરેક પરિવારને પાણીની સુરક્ષા લાંબા સમય સુધી મળી રહે તે સુનિશ્વિત કરી શકાશે.
રાજ્ય દ્વારા મહત્વાકાંક્ષી જિલ્લાઓ અને સંસદ આદર્શ ગ્રામ યોજના (એસએજીવાય)ના ગામોમાં નળના પાણીના જોડાણો પૂરા પાડવામાં વેગ મળ્યો છે. ગુજરાતમાં કુલ 86 જળ-પરીક્ષણ પ્રયોગશાળાઓ છે જેમાંથી આઠને એનએબીએલ દ્વારા માન્યતા પ્રાપ્ત છે. ગ્રામીણ ઘરોને પૂરા પાડવામાં આવતા નળના પાણીની કામગીરીની દેખરેખને મજબૂત બનાવવા માટે, ગુજરાતે 20 ગામોમાં સ્માર્ટ વોટર મોનિટરિંગ હાથ ધર્યું છે. દાહોદ જિલ્લામાં ચાર પાઇલટ પ્રોજેક્ટસની શરૂઆત થઈ ચુકી છે. રાજ્ય સરકાર આ વર્ષે આઇઓટી આધારિત સ્માર્ટ વોટર સપ્લાય મોનિટરિંગ માટે 500 થી વધુ ગામડા આવરી લેવાની યોજના ધરાવે છે.
''જલ જીવન મિશન'' ની જાહેરાત વડાપ્રધાન મોદીએ 15 ઓગસ્ટ, 2019ના રોજ લાલ કિલ્લા ખાતેથી કરી હતી. જે અંતર્ગત રાજ્ય સરકારો અને કેન્દ્ર સાશિત પ્રદેશો સાથે ભાગીદારી સાધીને વર્ષ-2021 સુધીમાં દેશના પ્રત્યેક ગ્રામીણ ઘર સુધી ''નળથી જળ'' પહોંચતું કરવાની નેમ વ્યક્ત કરવામાં આવી હતી. આ નવી શરૂઆતને કારણે ગ્રામીણ ક્ષેત્રોમાં રોજગારીની નવી તકો ઉત્પન્ન થશે અને ગ્રામીણ અર્થતંત્રને વેગ મળશે. આ માટે ગ્રામીણ વિસ્તારોમાં પીવાના પાણીનો પુરવઠો પાડવા માટે રૂ.1 લાખ કરોડના રોકાણનું ચાલુ વર્ષે આયોજન છે. જે પૈકી રૂ.50,000 કરોડનું બજેટ વર્ષ-2021-22માં ''જલ જીવન મિશન'' હેઠળ જયારે રૂ.26,940 કરોડની ફાળવણી 15-માં નાણાપંચ અંતર્ગત ''પંચાયતી રાજની સંસ્થાઓમાં સેનીટેશન'' ના ભંડોળ સાથે ભાગીદારીથી ફાળવવામાં આવશે

(7:23 pm IST)