Gujarati News

Gujarati News

News of Monday, 31st May 2021

આયુર્વેદની તાકાત અંગ્રેજી ઈન્જેક્શનમાં નથી:બાબા રામદેવે અક્ષય કુમારનો વીડિયો શેર કરીને એલોપેથી પર કર્યો પ્રહાર

વિડીઓમાં અક્ષયકુમારે કહ્યું--છેલ્લા 25 વર્ષોથી હું આયુર્વેદને ફૉલો કરતો આવ્યો છું. જેમ તમે તમારી કારની સર્વિસ કરાવો છે,

નવી દિલ્હી: એલોપેથી વિરુદ્ધ આયુર્વેદ પર ચાલી રહેલા વિવાદને યોગ ગુરુ બાબા રામદેવ  શાંત પાડવાના મૂડમાં નથી. હવે તેમણે બોલિવૂડ અભિનેતા અક્ષય કુમારનો  એક વીડિયો શેર કરીને એલોપેથી પર નિશાન સાધ્યું છે. ayurveda vs allopathy

બાબા રામદેવે અક્ષય કુમારના બે વીડિયો શેર કરીને તેમની જ વાતને કેપ્શનમાં લખી છે. બાબા રામદેવે  લખ્યું છે કે, તમે ખુદ તમારી બૉડીના બ્રાન્ડ એમ્બેસેડર બનો. આવો દુનિયાને દેખાડી દઈએ કે, આપણા હિન્દુસ્તાની યોગ અને આયુર્વેદમાં જે તાકાત છે, તે કોઈ અંગ્રેજીના કેમિકલ ઈન્જેક્શનમાં નથી. અગાઉ આમિર ખાનના શૉ સત્યમેવ જયતેની પણ એક ક્લિપ શેર કરીને બાબા રામદેવે એલોપેથી પર સવાલ ઉઠાવ્યા હતા.

બાબા રામદેવ તરફથી શેર કરવામાં આવેલા વીડિયોમાં અક્ષય કુમાર કહે છે કે, મારા વિશે ખૂબ જ ઓછા લોકો જાણે છે કે, છેલ્લા 25 વર્ષોથી હું આયુર્વેદને ફૉલો કરતો આવ્યો છું. જેમ તમે તમારી કારની સર્વિસ કરાવો છે, તેમ મે 14 દિવસ સુધી મારી બૉડીની સર્વિસ કરાવી છે. કુદરતે આપણને ખૂબ જ કિંમતી ખજાનો આયુર્વેદનો આપ્યો છે, પરંતુ આપણે તેની કદર નથી કરી રહ્યાં.

આપણે અંગ્રેજી દવાઓ ખાઈ રહ્યાં છીએ અને સ્ટેરોઈડના ઈન્જેક્શનો લઈ રહ્યાં છીએ. સ્પામાં જઈને મસાજ કરાવીને સારુ સ્વાસ્થ્ય શોધી રહ્યાં છીએ. ખાસ વાત એ છે કે, આપણે વિદેશી પદ્ધતિઓ અપનાવી રહ્યાં છીએ, પરંતુ ત્યાંના લોકો અહીં આયુર્વેદમાં સારવાર શોધી રહ્યાં છે.

 

અભિનેતા વધુમાં કહે છે કે, હું એલોપેથી વિશે કશું જ કહેવા નથી માંગતો, પરંતુ આપણે આયુર્વેદ, નેચરોપેથી જેવી ચીજોને કેમ ભૂલી રહ્યાં છીએ? એવી કોઈ બીમારી નથી, જેની સારવાર આયુર્વેદમાં ના હોય. આ માટે હું શરત લગાવવા માટે પણ તૈયાર છું.

આપણી સરકારમાં આયુષના નામે મંત્રાલય છે, જે સારવારની વૈકલ્પિક પદ્ધતિને પ્રોત્સાહિત કરે છે. અક્ષય કુમાર કહે છે કે, આપણી હાલત દીવા તળે અંધારા જેવી છે. તે કહે છે કે, હું જે આશ્રમમાં થોડા દિવસો વીતાવીને આવ્યો છે, તેમાં હું એકમાત્ર ભારતીય હતો. હું આ વાત કોઈ આયુર્વેદ કંપનીના બ્રાન્ડ એમ્બેસેડર તરીકે નહીં, પરંતુ પોતાના શરીરના બ્રાન્ડ એમ્બેસેડર તરીકે બોલી રહ્યો છું. તેને અપનાવીને જુઓ, મારી ગેરન્ટી છે કે, તમે દરરોજ સવારે હસાતા ચહેરા સાથે ઉઠશો.

 અત્રે ઉલ્લેખનીય છે કે, થોડા દિવસો પહેલા બાબા રામદેવનો એક વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો. જેમાં તેઓ એલોપેથીને સ્ટૂપિડ સાયન્સ કહી રહ્યાં છે અને વૅક્સિન લીધા બાદ પણ અનેક ડોક્ટરોના મોતની વાત જણાવી રહ્યાં છે. તેમના આ નિવેદન પર ઈન્ડિયન મેડિકલ એસોસિએશને વિરોધ વ્યક્ત કરતાં માફીની માંગ કરી હતી.

જે બાદ બાબા રામદેવે હેલ્થ મિનિસ્ટર ડૉ હર્ષવર્ધનની દખલ બાદ પોતાનું નિવેદન પરત ખેંચી લીધુ હતું, પરંતુ આ સાથે જ તેમણે એલોપેથી પર 25 પ્રશ્નો પૂછ્યા હતા. જે બાદ વિવાદ વધારે વકર્યો હતો, બસ ત્યારથી જ બન્ને પક્ષો વચ્ચે વાકયુદ્ધ ચાલી રહ્યું છે.

(7:27 pm IST)