Gujarati News

Gujarati News

News of Monday, 31st May 2021

વેક્સિનેશનના આદેશમાં સલૂન વર્કરને બદલે સેક્સ વર્કર લખાયું

મ.પ્ર. સરકારના આદેશમાં ભૂલ થતાં મોટો વિવાદ : આ અંગે જાણ થતા સ્વાસ્થ્ય વિભાગે તે એક ટાઈપો એરનો ખુલાસો કર્યો, બાદમાં એક સંશોધિત હુકમ જારી કરાયો

ભોપાલ, તા. ૩૧ : મધ્ય પ્રદેશ સ્વાસ્થ્ય વિભાગ દ્વારા રવિવારે એક આદેશ બહાર પાડવામાં આવ્યો હતો જેને લઈને પ્રશાસન ટીકાનો ભોગ બન્યું હતું. આદેશમાં સેક્સ વર્કર્સને હાઈ રિસ્ક કેટેગરીમાં રાખીને વેક્સિનેશન માટે ઓન સ્પોટ રજિસ્ટ્રેશનનો નિર્દેશ આપવામાં આવ્યો હતો. સેક્સ વર્કર્સને વેક્સિનેશનમાં પ્રાથમિકતા અપાતા ભારે વિવાદ થયો હતો. ત્યાર બાદ આદેશને સુધારીને સલૂન વર્કર કરી દેવામાં આવ્યું હતું.

હકીકતે સ્વાસ્થ્ય વિભાગે રવિવારે નિર્દેશ આપ્યો હતો કે ૧૦૦ ટકા ઓનસાઈટ રજિસસ્ટ્રેશન આધારીત સત્ર આયોજિત કરીને હાઈ રિસ્ક કેટેગરી જેમ કે ઉચિત દુકાનોના વિક્રેતા, ગેસ સિલિન્ડર સપ્લાયમાં લાગેલા લોકો, પેટ્રોલ પંપનો સ્ટાફ, ઘરોમાં કામ કરતી મહિલાઓ, કરિયાણાની દુકાનના વેપારીઓ, શાકભાજીના વિક્રેતાઓ, હાથલારીવાળાો, દૂધવાળાઓ, વાહન ચાલકો, મજૂરો, મોલ, હોટલ, રેસ્ટોરાનો સ્ટાફ, શિક્ષક, કેમિસ્ટ, બેક્નર્સ, સિક્યોરિટી ગાર્ડનું વેક્સિનેશન સુનિશ્ચિત કરવામાં આવે.

આદેશમાં સૌથી અંતમાં સેક્સ વર્કર લખ્યું હતું જેથી પત્ર સોશિયલ મીડિયામાં વાયરલ થવા લાગ્યો હતો. અંગે જાણ થતા સ્વાસ્થ્ય વિભાગે તે એક ટાઈપો એરર હોવાનો ખુલાસો કર્યો હતો અને સલૂન વર્કરની જગ્યાએ સેક્સ વર્કર લખાઈ ગયું હોવાનું જણાવ્યું હતું. ત્યારબાદ એક સંશોધિત આદેશ બહાર પાડવામાં આવ્યો હતો જેમાં સેક્સ વર્કરની જગ્યાએ હેર સલૂન વર્કર લખવામાં આવ્યું હતું.

આદેશની કોપી વાયરલ થયા બાદ મધ્ય પ્રદેશ કોંગ્રેસે સરકાર પર નિશાન સાધીને ટ્વીટ કર્યું હતું. તેમણે ટ્વીટમાં લખ્યું હતું કે, મધ્ય પ્રદેશમાં સેક્સ વર્કર્સને પહેલા વેક્સિન. ક્યાંક ભાજપના નેતાઓની વિશેષ માંગ પર તો નથીને? પ્રાથમિકતા નક્કી કરો પરંતુ લજ્જા બની રહે, આમ પણ હવે જનતા ભાજપના નેતાઓના નીચે ઉતરી રહેલા ચારિત્ર્યથી સારી રીતે પરિચિત છે.

(7:46 pm IST)