Gujarati News

Gujarati News

News of Monday, 31st May 2021

યુએઈમાં IPLની મેચોમાં પ્રેક્ષકોને પ્રવેશ આપવાની વકી

આઈપીએલની બાકીની મેચોને લઈને સારા સમાચાર : આઇપીએલ ૨૦૨૧ની બાકીની મેચોની તૈયારી માટે બીસીસીઆઇ અધિકારીઓની ટીમ દુબઇ પહોંચી ગઇ

નવી દિલ્હી, તા. ૩૧ : યુએઇમાં યોજાનારી ઇન્ડિયન પ્રીમિયર લીગની ૧૪મી સિઝનની બાકીની મેચો માટે દર્શકોને સ્ટેડિયમમાં એન્ટ્રી મળી શકે છે. અહેવાલ અનુસાર, યુએઇ સરકારના નિયમો પ્રમાણે સ્પોર્ટિંગ ઇવેન્ટ્સમાં તે દર્શકોને મેચ જોવાની પરવાનગી હશે, જે કોવિડ-૧૯ની વેક્સિન લઇ ચૂક્યાં છે.

આઇપીએલ ૨૦૨૧ની બાકીની મેચોની તૈયારી માટે બીસીસીઆઇ અધિકારીઓની ટીમ દુબઇ પહોંચી ગઇ છે. બીસીસીઆઇએ શનિવારે એસજીએમમાં જણાવ્યું હતું કે, આઇપીએલની બાકીની ૩૧ મેચ સપ્ટેમ્બર-ઓક્ટોબર વચ્ચે યુએઇમાં રમાશે.

ક્રિકબઝના અહેવાલ અનુસાર, યુએઇ સરકારના નિયમો પ્રમાણે મેદાનમાં ૫૦ ટકા દર્શકોને આઇપીએલ ૨૦૨૧ની બાકી મેચોમાં એન્ટ્રી મળી શકે છે. આની માટે શરત છે કે, તે પ્રશંસકોને સ્ટેડિયમમાં પ્રવેશ મળશે જે કોરોનાની વેક્સિન લગાવી ચૂક્યાં છે. યુએઇમાં મોટાભાગના લોકોને વેક્સિન લાગી ચૂકી છે. બીસીસીઆઇ અને યુએઇ સરકાર માટે દર્શકોને મંજૂરી આપવી કોઇ મોટી ચિંતાની વાત નથી, જો સ્થાનિક સરકાર ઇવેન્ટ માટે કોઇ ખાસ નિયમ બનાવે તો.

બીસીસીઆઇ પ્રેસિડેન્ટ સૌરવ ગાંગુલી, જય શાહ, વાઇસ પ્રેસિડેન્ટ રાજીવ શુક્લા, અરુણ ધૂમલ દુબઇ પહોંચ્યા છે. બીસીસીઆઇ ટીમ તૈયારીઓને લઇને યુએઇ સરકાર અને અમીરાત ક્રિકેટ બોર્ડ સાથે વાત કરશે.

(7:51 pm IST)