Gujarati News

Gujarati News

News of Monday, 31st May 2021

ચીનમાં ફરીથી કોરોનાનો કહેર : ગુઆંગઝાઓ શહેરમાં એક જ દિવસમાં 27 નવા કેસ મળતા 519 ફ્લાઈટો રદ્દ

27 કેસ પૈકી 20 કેસ લોકલ ટ્રાન્સમિશનના : અહીંથી બહાર જવા કે આવવા પર રોક લગાવી દેવાઈ : તમામ લોકોને કોરોના ટેસ્ટ કરાવવાનું કહેવાયું: શહેરમાં સેંકડો ટેસ્ટિંગ સેન્ટર ઉભા કરાયા

બીજિંગ: ચીનમાં ફરીથી કોરોના વાઈરસનું સંક્રમણ ફેલાઈ રહ્યું છે. અહીંના ગુઆંગઝાઓ શહેરમાં એક જ દિવસમાં 27 નવા કેસ મળતા સરકાર એલર્ટ બની છે, નવા કેસ પૈકી માત્ર 7 દર્દીઓ જ એવા હતા જે અન્ય દેશોમાંથી ટ્રાવેલ કરીને આવ્યા હતા. જ્યારે અન્ય 20 કેસ લોકલ ટ્રાન્સમિશનના છે. જે બાદ સરકારે સખ્તી વધારી દીધી છે. અહીં તમામ લોકોને કોરોના ટેસ્ટ કરાવવાનું કહેવાયું છે આ સાથે જ શહેરમાં સેંકડો ટેસ્ટિંગ સેન્ટર ઉભા કરી દેવાયા છે

મીડિયા રિપોર્ટ મુજબ, ગુઆંગઝાઓમાં 30મીં મેના રોજ 18 કેસ નોંધાયા હતા. જે બાદ 31મીં મેના રોજ આંકડો વધીને 27 થઈ ગયો. જે બાદ નેશનલ હેલ્થ ઓથોરિટી તાત્કાલીક એક્ટિવ થઈ ગઈ અને શહેરમાં બેરિકેડિંગ કરી દેવામાં આવ્ય. હવે અહીંથી બહાર જવા કે આવવા પર રોક લગાવી દેવામાં આવી છે.

સોમવારે અહીં આવતી અને અહીંથી જતી 519 ફ્લાઈટો રદ્દ કરી દેવામાં આવી છે. જે કુલ ફ્લાઈટ્સના 37 ટકા છે. અહીનું બેઈયાન ઈન્ટરનેશનલ એરપોર્ટ ચીનનું સૌથી વ્યસ્ત એરપોર્ટ મનાય છે. ગત વર્ષે અહીંથી લગભગ 43 લાખ લોકોએ ટ્રાવેલ કર્યું હતું.

 

હવે સરકારે સ્પષ્ટ કરી દીધુ છે કે, હવે જે પણ પેસેન્જર શહેરની બહાર જશે, તેમણે કોવિડ નેગેટિવ રિપોર્ટ દેખાડવાનો રહેશે. શહેરના 5 વિસ્તારોમાં લોકોને ઘરોમાં રહેવાનું કહેવામાં આવ્યું છે. તમામ માર્કેટ અને પબ્લિક પ્લેસ બંધ કરી દેવામાં આવ્યાં છે.

વહીવટી તંત્રનું કહેવું છે કે, અહીં કેટલાક દર્દીઓમાં ભારતમાં મળી આવેલો સ્ટ્રેઈન પણ જોવા મળ્યો છે. ચીનમાં 30મીં મે સુધી કુલ 91,099 કોરોનાના કેસ સામે આવ્યા હતા. જ્યારે અત્યાર સુધીમાં 4,636 લોકો મોતને ભેટ્યા છે.

(9:42 pm IST)