Gujarati News

Gujarati News

News of Monday, 31st May 2021

ક્રિકેટ વર્લ્ડ કપમાં થશે મોટા ફેરફાર : 14 ટીમો ભાગ લેશે :રાઉન્ડ રોબિનને બદલે સુપર સિક્સર ફોર્મેટ લાગુ કરાશે

સુપર સિક્સ મોડેલમાં 14 ટીમોને બે ગૃપોમાં વહેંચાશે :બંને ગૃપોમાં એક ટીમ 6-6 મેચ રમે :બંને પૂલની ટોચની 3 ટીમો સુપરસિક્સ રાઉન્ડમાં પહોંચે

નવી દિલ્હી : ક્રિકેટ વર્લ્ડ કપમાં આઈસીસી મોટો ફેરફાર કરવા જઈ રહ્યું છે. સમાચાર મુજબ આ ટુર્નામેન્ટમાં ફરી એકવાર 14 ટીમો ભાગ લેશે અને રાઉન્ડ રોબિનને બદલે સુપર સિક્સર ફોર્મેટના આધારે વર્લ્ડ કપ રમાડવામાં આવશે. આઈસીસી 2027 વર્લ્ડ કપમાં આ ફોર્મેટનો અમલ કરશે. ઉલ્લેખનીય છે કે 2003ના વર્લ્ડ કપમાં સુપર સિક્સર ફોર્મેટનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. 2019ના વર્લ્ડ કપમાં આઇસીસીએ રાઉન્ડ રોબિન ફોર્મેટ અપનાવ્યું હતું જેમાં 10 ટીમોએ ભાગ લીધો હતો અને એક ટીમે 9 મેચ રમી હતી.

એક રિપોર્ટ પ્રમાણે આઈસીસીની બેઠકમાં 2015, 2019 અને 2003 સુપર સિક્સ મોડેલોની ચર્ચા કરવામાં આવી હતી.

બેઠકમાં બહાર આવ્યું હતું કે 10 ટીમના મોડેલને સૌથી વધુ અને 2015ના મોડેલને સૌથી ઓછો ફાયદો થયો છે. એ જ રીતે સુપર સિક્સર મોડેલ બંને વચ્ચે રહ્યું. આ અહેવાલ મુજબ ઇંગ્લેન્ડ વર્લ્ડ કપમાં 10 ટીમો સુધી જ સીમિત રાખવાના પક્ષમાં નહોતું.

 સુપર સિક્સ મોડેલમાં 14 ટીમોને બે ગૃપોમાં વહેંચવામાં આવે છે. બંને ગૃપોમાં એક ટીમ 6-6 મેચ રમે છે. બંને પૂલની ટોચની 3 ટીમો સુપરસિક્સ રાઉન્ડમાં પહોંચે છે. જે ટીમ પહેલા રાઉન્ડમાં વધુ મેચ જીતે છે તેને સુપર સિક્સ રાઉન્ડમાં ફાયદો મળે છે, કારણ કે વધુ મેચ જીતવાને કારણે તેમના પોઇન્ટ્સ આગળના રાઉન્ડમાં પણ ગણવામાં આવે છે. સુપર સિક્સ સ્ટેજમાં એક ટીમ બીજી પાંચ ટીમો સાથે રમે છે અને તે પછી પોઇન્ટ્સના આધારે ટોચની 4 ટીમો સેમિફાઇનલમાં પહોંચે છે. સુપર સિક્સ ફોર્મેટમાં વર્લ્ડ કપમાં કુલ 54 મેચ યોજાશે, જ્યારે 2019માં ફક્ત 48 મેચનું આયોજન કરવામાં આવ્યું હતું.

 અત્રે ઉલ્લેખનીય છે કે વર્ષ 2003 વર્લ્ડ કપમાં ભારતીય ટીમનું પ્રદર્શન શ્રેષ્ઠ હતું. ટીમ ઈન્ડિયા ફાઇનલમાં પહોંચી હતી.

(11:43 pm IST)