Gujarati News

Gujarati News

News of Monday, 31st May 2021

ભાગેડુ મેહુલ ચોકસીને પાછો લાવવા ભારત સરકાર દ્વારા કરોડોનો ખર્ચકરાશે : ચાર્ટર પ્લેનનું ચુકવશે અધ્ધધ ભાડું

ભારતે કતાર એરવેઝનું બોમ્બાર્ડિયર ગ્લોબલ 5000 જેટ પ્લેન ભાડે રાખ્યું: ચાર્ટર પ્લેનનું એકતરફનું ભાડું રૂ. 1.35 કરોડથી રૂ. 1.43 કરોડ થઈ શકે: 5.11 લાખ ફ્લાઇંગ ચાર્જ : હેન્ડલિંગ ચાર્જ અને છેલ્લે દૈનિક હોલ્ટિંગ અથવા પાર્કિંગ ચાર્જ પણ ચૂકવવાનો રહેશે

નવી દિલ્હી : હિરા કારોબારી અને પીએનબી કૌભાંડના આરોપીની ધરપકડ બાદ ભારત લાવવા માટે કવાયત તેજ થઈ ગઈ છે. પરંતુ મળતી માહિતી પ્રમાણે તેને ભારત લાવવો તેટલો સરળ નહીં રહે. તેના માટે લાંબી પ્રોસેસ કરવી પડશે અને કરોડો રૂપિયાનો ખર્ચો પણ થશે. નોંધનિય છે કે, મેહુલ ચોકસી હાલમાં ભારતની નાગરિકતા ધરાવતો નથી. તો બીજી તરફ એન્ટિગુઆના પ્રધાનમંત્રીએ જાહેરાત કરી દીધી છે કે મેહુલ ચોકસીને ભારત લઈ જવા માટે પ્લેન મોકલી દેવામાં આવ્યું છે. ભારત સરકાર મેહુલ ચોકસીને એન્ટિગુઆથી પરત લાવવા ચાર્ટર ફ્લાઇટ માટે કરોડો રૂપિયા ખર્ચાશે.

મેહુલ માટે ભારતે કતાર એરવેઝનું બોમ્બાર્ડિયર ગ્લોબલ 5000 જેટ પ્લેન ભાડે રાખ્યું છે.

ચાર્ટર કંપનીઓ કહે છે કે ચાર્ટર પ્લેનને એક કલાક ઉડાડવા માટે આશરે રૂ. 8.46 લાખનો ખર્ચ થાય છે. ભારત અને એન્ટિગુઆ વચ્ચેની ફ્લાઇટને આશરે 16થી 17 કલાકનો સમય લાગે છે તેને જોતાં ચાર્ટર પ્લેનનું એકતરફનું ભાડું રૂ. 1.35 કરોડથી રૂ. 1.43 કરોડ થઈ શકે છે.

તો બીજી તરફ ચાર્ટર એરક્રાફ્ટની રિટર્ન ટ્રિપની વાત કરીએ તો પછી તેનો ખર્ચ રૂ. 2.7 કરોડથી રૂ. 2.8 કરોડ સુધી પહોંચી શકે છે. તેમાં ગુડ્ઝ એન્ડ સર્વિસ ટેક્સનો ઉમેરો કરીએ તો આ ખર્ચ વધી જાય છે. આ ઉપરાંત એરક્રાફ્ટને ભાડે રાખતી એજન્સીએ વિમાન જેટલા દેશ પરથી ઊડશે તેટલા દેશ દીઠ સાત હજાર ડોલર અથવા રૂ. 5.11 લાખ ફ્લાઇંગ ચાર્જ તરીકે ચૂકવવા પડશે. આ વિમાને મેડ્રિડમાં ઈંધણ ભરવા માટે ઊભા રહેવું પડશે. આ સ્ટોપ માટે પણ નાણાં ચૂકવવા પડશે, તેને કારણે ચાર્ટર પ્લેનના ખર્ચમાં વધારો થશે કેમ કે તે એરપોર્ટ પરના હેન્ડલિંગ ચાર્જનો પણ ચુકવણીમાં ઉમેરો થશે. છેલ્લે દૈનિક હોલ્ટિંગ અથવા પાર્કિંગ ચાર્જ પણ ચૂકવવાનો રહેશે કે જે રોજના રૂ. એક લાખની આસપાસ હોય છે.

વેબસાઇટ અનુસાર જોઈએ સામાન્ય રીતે દોહા અને ન્યૂયોર્કમાં બે મોટા સ્ટોપ સાથે દિલ્હીથી એન્ટિગુઆ વચ્ચે વિમાન બાવન કલાક અને 27 મિનિટે પહોંચે છે. જો કે તેમાં બન્ને સ્ટોપ 12થી 17 કલાકના હોય છે જ્યારે જ્યારે બેથી સાડા ત્રણ કલાકના બે સ્ટોપ સાથેનું અમેરિકન એરલાઇન્સનું ઝડપી પ્લેન પણ 25 કલાક અને 21 મિનિટે પહોંચે છે. જ્યારે પ્રાઇવેટ એરક્રાફ્ટ ચાર્ટર ઓપરેટરો કહે છે કે ભારતમાં કોઈ વિદેશી ખાનગી જેટ વિમાનને ઉતરાણ કરવા અને ત્યાંથી ઊડવા માટેની મંજૂરી આપવામાં સરેરાશ ચારથી પાંચ દિવસનો સમય લે છે.

ચાર્ટર ઓપરેટરો અનુસાર બોમ્બાર્ડિયર ગ્લોબલ 5000 જેટ પ્લેનને ગલ્ફ કેરિયર કતાર એરવેય્ઝના એક યુનિટ કતાર એક્ઝિક્યુટિવ પાસેથી સીધુ સરકાર દ્વારા ભાડે રાખવામાં આવ્યું નથી પરંતુ એક એજન્સી મારફત ભાડે કરાયું છે. આ એરક્રાફ્ટમાં મહત્તમ 13 પેસેન્જર બેસી શકે છે અને તેની મહત્તમ રેન્જ 9,260 કિલોમીટરની છે.

(12:21 am IST)