Gujarati News

Gujarati News

News of Wednesday, 31st May 2023

અમેરિકામાં રાહુલ ગાંધીના કાર્યક્રમમાં લાગ્યા 'ખાલિસ્તાન જિંદાબાદ'ના નારા : ઝંડા ફરકાવ્યા

ત્રાસવાદીઓની ધમકી... હવે પછી મોદીનો વારો

નવી દિલ્હી તા. ૩૧ : કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી અમેરિકાના પ્રવાસે છે. તેઓ  કેલિફોર્નિયામાં ભારતીયોને મળ્યા અને તેમની સાથે વાત કરી. આ દરમિયાન કેટલાક લોકોએ ખાલિસ્તાની ઝંડા પણ લહેરાવ્યા હતા. આ દરમિયાન ખાલિસ્તાનની માંગને લઈને સૂત્રોચ્ચાર પણ કરવામાં આવ્યા હતા.

અમેરિકા સ્થિત ખાલિસ્તાની સંગઠન SFJએ આની જવાબદારી લીધી છે. SFJ ચીફ ગુરપતવંત સિંહ પન્નુએ આ ઘટનાનો વીડિયો જાહેર કર્યો છે. તેમણે કહ્યું કે બધાએ જોયું છે કે ૧૯૮૪ના શીખ રમખાણો અંગે અમે શું કર્યું? રાહુલ ગાંધી અમેરિકામાં જયાં પણ જશે. ખાલિસ્તાન સમર્થક શીખો તમારી સામે ઉભા રહેશે. મોદીનો આગામી નંબર ૨૨ જૂને આવશે.

રાહુલ ગાંધીએ અમેરિકામાં સાન ફ્રાન્સિસ્કોમાં ભારતીય સમુદાયના લોકોને સંબોધિત કર્યા. રાહુલ અહીં સ્ટેનફોર્ડ યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ સાથે પણ વાતચીત કરશે. રાહુલ ગાંધી વોશિંગ્ટન ડીસીમાં સંસદસભ્યો અને થિંક ટેન્ક સાથે બેઠકો બાદ પ્રેસ કોન્ફરન્સને પણ સંબોધિત કરશે.

૫૨ વર્ષીય કોંગ્રેસ નેતા ભારતીય-અમેરિકનોને સંબોધશે અને વોલ સ્ટ્રીટના અધિકારીઓ અને યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ સાથે વાતચીત કરશે તેવી અપેક્ષા છે. તેમની મુલાકાત ૪ જૂને ન્યૂયોર્કમાં જાહેર સભા સાથે સમાપ્ત થશે. આ કાર્યક્રમ ન્યુયોર્કના જેવિટ્સ સેન્ટર ખાતે યોજાશે.

રાહુલે સાન ફ્રાન્સિસ્કોમાં ભારતીય સમુદાયને સંબોધિત કર્યા. આ દરમિયાન તેમણે પીએમ મોદી અને ભાજપ સરકાર પર જોરદાર નિશાન સાધ્યું હતું. રાહુલે કહ્યું, મને લાગે છે કે નવા સંસદ ભવનનું ઉદ્ઘાટન વાસ્તવિક મુદ્દાઓ પરથી ધ્યાન હટાવવા માટે છે. ભાજપ બેરોજગારી, મોંઘવારી, નફરત, શૈક્ષણિક સંસ્થાઓની અછત જેવા મુદ્દાઓ પર ચર્ચા કરવા માંગતી નથી. તેથી જ આ તમામ મુદ્દાઓને આગળ વધારવામાં આવી રહ્યા છે.

રાહુલે આરોપ લગાવ્યો કે તેઓએ (ભાજપ) અમારી ભારત જોડો યાત્રાને રોકવાનો પૂરો પ્રયાસ કર્યો. તેઓએ પોલીસ અને એજન્સીઓનો ઉપયોગ કર્યો. પરંતુ તે તેના તમામ પ્રયાસોમાં નિષ્ફળ ગયો. તમે બધાએ અમને મદદ કરી, તેથી અમારી વિરૃદ્ઘ કંઈ કામ થયું નહીં.

(4:22 pm IST)