Gujarati News

Gujarati News

News of Wednesday, 31st May 2023

ઉત્તર કોરિયામાં ઉપગ્રહ સ્‍થાપિત કરવાનો પ્રયાસ નિષ્‍ફળ : સેટેલાઇટ દરિયામાં તૂટી પડયું

જો કે સેટેલાઇટ લોન્‍ચ કરવાનો બીજો પ્રયાસ કરાશે

નવી દિલ્‍હી,તા.૩૧ : ઉત્તર કોરિયાએ પોતાના એક નિવેદનમાં કહ્યું છે કે એક દુર્ઘટનાને કારણે અવકાશમાં પ્રથમ ઉપગ્રહ સ્‍થાપિત કરવાનો તેનો પ્રયાસ નિષ્‍ફળ ગયો છે. આ જાસૂસી સેટેલાઈટ દરિયામાં તૂટી પડ્‍યો છે. ઉત્તર કોરિયાના રોકેટ પ્રક્ષેપણને કારણે જાપાને ઓકિનાવા દ્વીપના રહેવાસીઓને ચેતવણી આપવી પડી હતી. જોકે, બાદમાં જાપાને કહ્યું કે તેના પ્રદેશને નુકસાન થવાનો કોઈ ખતરો નથી.

 ઉત્તર કોરિયાએ કહ્યું હતું કે તે અમેરિકી સૈન્‍ય ગતિવિધિઓ પર નજર રાખવા માટે ૧૧ જૂન પહેલા એક સેટેલાઇટ લોન્‍ચ કરશે. આ પ્રયાસની નિષ્‍ફળતા બાદ ઉત્તર કોરિયાએ કહ્યું છે કે તે ટૂંક સમયમાં સેટેલાઇટ લોન્‍ચ કરવાનો બીજો પ્રયાસ કરશે.

દરમિયાન, જાપાનના વડા પ્રધાન ફયુમિયો કિશિદાએ કહ્યું કે ઉત્તર કોરિયાએ બેલેસ્‍ટિક મિસાઈલ લોન્‍ચ કરી હોય એવું લાગે છે. તેમણે કહ્યું કે જાપાન સરકાર ડેટાનું વિશ્‍લેષણ કરી રહી છે. તેમણે ઉમેર્યું કે આ પ્રક્ષેપણને કારણે જાપાનના વિસ્‍તારમાં કોઈ નુકસાનના સમાચાર નથી. આ પહેલા જાપાને કહ્યું હતું કે તે તેના ક્ષેત્રને ખતરો હોય તેવી કોઈપણ વસ્‍તુને તોડી પાડવા માટે જાપાન સજ્જ છે.

બીજી તરફ દક્ષિણ કોરિયાની રાજધાની સિયોલમાં બુધવારે સવારે અરાજકતાનો માહોલ સર્જાયો હતો. અહીં હવાઈ હુમલાની ચેતવણી આપવા માટે સાયરન વગાડવામાં આવી હતી અને લોકોને ઈમરજન્‍સી ર્વોનિંગ મેસેજ મોકલવામાં આવ્‍યા હતા. લોકોને જગ્‍યા ખાલી કરવા માટે તૈયાર રહેવા જણાવાયું હતું. જોકે, ૨૦ મિનિટ બાદ ફરીથી મોકલવામાં આવેલા ઈમરજન્‍સી મેસેજમાં પહેલો મેસેજ ભૂલથી મોકલવામાં આવ્‍યો હોવાનું કહેવામાં આવ્‍યું હતું.

કોરિયન દ્વીપસમૂહમાં ઉત્તર કોરિયા અને દક્ષિણ કોરિયા વચ્‍ચે છેલ્લાં ૭૦ વર્ષથી તણાવ ચાલી રહ્યો છે. ર્વોનિંગ એલાર્મની ખોટી રિંગિંગ આ ર્વોનિંગ સિસ્‍ટમમાં લોકોનો વિશ્વાસ તોડે તેવી શકયતા ઉભી થઈ છે.

બુધવારે ઉત્તર કોરિયાના સેટેલાઇટ પ્રક્ષેપણના પ્રયાસ પહેલા અમેરિકાએ કહ્યું હતું કે ઉત્તર કોરિયા બેલેસ્‍ટિક મિસાઇલ લોન્‍ચ કરશે તો તે સંયુક્‍ત રાષ્‍ટ્ર સુરક્ષા પરિષદના અનેક -સ્‍તાવોનું ઉલ્લંઘન કરશે.

(5:16 pm IST)