Gujarati News

Gujarati News

News of Saturday, 31st July 2021

ભારત અને ચીન વચ્ચે 12માં તબક્કાની કમાન્ડર સ્તરની બેઠક શરૂ :હોટ સ્પ્રિંગ્સ -ગોગરા વિસ્તાર અંગે વાતચીત

પૂર્વ લદ્દાખમાં ઘર્ષણના તમામે તમામ સ્થળોએથી જ્યા સુધી સૈન્ય જવાનોને પરત નહી લેવાય ત્યા સુધી તંગદિલીમાં ઘટાડો નહી થાય :સૈન્ય વડા જનરલ એમ એમ નરવાણે

નવી દિલ્હી : પૂર્વ લદાખમાં ચીનની સાથે સર્જાયેલ સરહદ વિવાદ વચ્ચે શનિવારે બન્ને દેશ વચ્ચે 12માં તબક્કાની સૈન્ય વાર્તા શરૂ થઈ ગઈ છે. આ બેઠક વાસ્તવિક નિયંત્રણ રેખા (LAC) પાસે ચીનના મોલ્દો ક્ષેત્રમાં યોજાશે. ભારતીય સૈન્યના સૂત્રોએ જણાવ્યુ કે, ભારત અને ચીન વચ્ચે હોટ સ્પ્રિગ્સ-ગોગરા વિસ્તારમાંથી સૈન્ય પરત બોલાવવા સંદર્ભે ચર્ચા થવાની સંભાવના છે. ભારત છેલ્લા કેટલાક સમયથી વાસ્તવિક નિયંત્રણ રેખા (LAC) ઉપર એપ્રિલ 2020ની સ્થિતિ રાખવા ઉપર ભાર આપી રહ્યું છે.

આ મહિને વિદેશ પ્રધાન એસ જયશંકરે દુશાબેમાં શાંધાઈ સહયોગ સંગઠન (SCO)ના એક સંમેલનમાં આશરે એક કલાક કરાયેલી બેઠકમાં ચીનના વિદેશ પ્રધાન વાંગ યી સાથે વાતચીતમાં જણાવ્યુ હતુ કે,વાસ્તવિક નિયંત્રણ રેખા ઉપર એક તરફી ફેરફાર ભારતને મંજૂર નથી અને પૂર્વ લદ્દાખમાં શાંતિની સ્થિતિ બાદ જ બન્ને દેશ વચ્ચેના સંબધમાં સુધારો થઈ શકશે.

ચીને ગલવાન ખીણ પ્રદેશ અને પૈગોગ ત્સોમાંથી તેમના સૈનિકોને પાછા હટાવી લીધા છે. પરંતુ પૂર્વ લદ્દાખમાં હોટ સ્પ્રિંગ્સ, ગોગરા અને ડેપસાંગ જેવા ઘર્ષણ વાળા સ્થળોએથી સૈન્યને પાછુ હટાવવાની પ્રક્રિયા હજુ સુધી પૂરી નથી થઈ. બન્ને પક્ષોએ સૈન્ય અને રાજનિતિક સ્તરે થયેલી વાતચીત બાદ પૈગોગ તળાવના ઉતર અને દક્ષિણ ક્ષેત્રમાં સૈનિકોને હટાવવાની પ્રક્રિયા પૂરી કરી લેવાઈ છે.

 સૈન્ય વડા જનરલ એમ એમ નરવાણેએ મે મહિનામાં ચીનને સ્પષ્ટ સંદેશ આપતા કહ્યુ હતુ કે પૂર્વ લદ્દાખમાં ઘર્ષણના તમામે તમામ સ્થળોએથી જ્યા સુધી સૈન્ય જવાનોને પરત નહી લેવાય ત્યા સુધી તંગદિલીમાં ઘટાડો નહી થાય. ભારતીય સૈન્ય તમામ સ્થિતિને પહોચી વળવા તૈયાર છે. તાજેતરમાં જ એવી વિગતો સામે આવી હતી કે, ચીનના સૈન્યે પૂર્વ લદ્દાખમાં કેટલાક સ્થળોએ વાસ્તવિક નિયંત્રણ રેખા પાર કરી હતી. જો કે સૈન્યે આ વાતને રદીયો આપ્યો હતો.

પાછલા વર્ષે 5 મેએ બન્ને દેશના સૈન્ય જવાનો વચ્ચે સર્જાયેલા ઘર્ષણ બાદ સૈન્યસ્તરની વાતચીતના 11 તબક્કા યોજાયા હતા. જેનો મૂળ હેતુ ઘર્ષણના કારણોનુ નિરાકરણ લાવવા સૈન્ય જવાનોને પાછા હટાવવા અને તંગદિલી દૂર કરવાનો છે. પૈગોગ તળાવ ખાતે બન્ને દેશના સૈન્ય જવાનો વચ્ચે ઘર્ષણ થયુ હતુ, ત્યાર બાદ બન્ને દેશ દ્વારા સૈન્યને અનેક મોરચે શસ્ત્રો સાથે સરહદ પર ખડકી દીધા હતા.

પાછલા 40 વર્ષમાં 15 જૂન 2020ના રોજ ગલવાન ખીણ પ્રદેશમાં થયેલા ઘર્ષણમાં ભારતના વીર સૈન્ય જવાનોએ ચીનના કેટલાક સૈન્ય જવાનોને મારીને શહીદ થયા હતા. આ ઘર્ષણના આઠ મહિના પછી ચીને સ્વીકાર્યુ હતુ કે, તેમના સૈન્ય જવાનો પણ ભારતીય સૈન્ય જવાનોના હાથે માર્યા ગયા છે.

(11:34 am IST)