Gujarati News

Gujarati News

News of Monday, 31st August 2020

રશિયાના વિમાનોએ યુએસના ન્યુક્લિયર બોંબરને ઘેરી લીધું

રશિયા અને નાટો વચ્ચે તણાવ વધુ વકર્યો : નાટોના સભ્ય અમેરિકાના બોમ્બર વિમાનો બ્લેક સી પરથી પસાર થતા રશિયાના વિમાનોએ તેમને ઘેરી લીધા

બ્રિટન, તા.૩૦ : રશિયાના સુખોઈ-૨૭ ફાઈટર પ્લેનોએ શુક્રવારે પૂર્વ યુરોપની પાસે બ્લેક સીની ઉપર અમેરિકાના ન્યુક્લિયર બોમ્બર પ્લેન બી-૫૨ને ખતરનાક રીતે ઘેરી લીધું. તેનાથી નાટો દેશોમાં ખળભળાટ મચી ગયો. અમેરિકાના આ ન્યુક્લિયર બોમ્બર પ્લેન બ્રિટનથી ટેકઓફ થયા હતા. આ પહેલા નાટોના સભ્ય અમેરિકાએ રશિયા સાથે વધતા તણાવને જોતા બ્રિટનમાં પોતાના  ૬બી-૫૨ પરમાણુ બોમ્બરને તૈનાત કર્યા હતા. તેમાંથી જ એક પરમાણુ બોમ્બર પૂર્વ યુરોપ અને બ્લેક સી પરથી પસાર થયું હતું. આ દરમિયાન રશિયાના સુખોઈ-૨૭ પ્લેનોએ અમેરિકાના વિમાનોને ખતરનાક રીતે ઘેરી લીધા. વિડીયોમાં જોવા મળી રહ્યું છે કે, રશિયાના વિમાન અમેરિકાના વિમાની ઘણી નજીક આવી ગયા હતા. તે પછી અમેરિકાના વિમાન બરાબર સામેથી નીકળી ગયા. અન્ય એક વિડીયો ક્લિપમાં જોવા મળી રહ્યું છે કે, રશિયાના વિમાન અમેરિકાના બોમ્બરની નોઝ સુધી આવી ગયા હતા.

               રશિયાના વિમાન ક્રીમિયાથી ટેકઓફ થયા હતા. રશિયાએ નાટોના કોઈપણ હુમલાનો જવાબ આપવા માટે ક્રીમિયામાં મોટા પ્રમાણમાં ફાઈટર પ્લેનો તૈનાત કરી રાખ્યા છે. અહીં પર તૈનાત રશિયાના વિમાનોને બ્લેક સી ઉપર નજર રાખવાની જવાબદારી પણ સોંપાઈ છે. ઉલ્લેખનીય છે કે, બેલારુસમાં જનતાના વિદ્રોહ વચ્ચે નાટો અને રશિયાની વચ્ચે તણાવ વધતો જઈ રહ્યો છે. રશિયાએ બેલારુસના પ્રેસિડન્ટ એલેક્ઝાન્ડર લુકાશેક્નોનું સમર્થન કર્યું છે, તો નાટો દેશ તેમનો વિરોધ કરી રહ્યા છે. લગભગ ૨૬ વર્ષથી સત્તા પર રહેલા બેલારુસના પ્રેસિડન્ટે આરોપ લગાવ્યો છે કે નાટો તેમના દેશમાં ભાગલા પડાવવા ઈચ્છે છે અને તેમને સત્તા પરથી હટાવવા ઈચ્છે છે.

             નાટો અને રશિયામાં વધતા તણાવની વચ્ચે અમેરિકાએ પોતાના ૬બી-૫૨ બોમ્બર વિમાન મોકલ્યા છે. આ વિમાનમાં લગભગ ૧૨૦ મિસાઈલો છે અન તેમાંથી કેટલાક પરમાણુ હથિયારોથી સજ્જ છે. અમેરિકાની વાયુસેનાએ એક સ્ટેટમેન્ટમાં કહ્યું કે, છ બી-૫૨ બોમ્બર ઉત્તર ડકોટાના મિનોટ એર ફોર્સ બેઝથી નીકળી ૨૨ ઓગસ્ટે બ્રિટનના ફેયરફોર્ડ એરપોર્ટ પર પહોંચ્યા છે. અમેરિકાએ કહ્યું કે, આ બોમ્બર વિમાનો યુરોપ અને આફ્રીકામાં ફ્લાઈટ ટ્રેનિંગ અભિયાનમાં ભાગ લેશે. અમેરિકાએ કહ્યું કે, વર્ષ ૨૦૧૮થી જ આ બોમ્બર ત્યાં આવતા રહ્યા છે અને તેનો હેતુ નાટો સહયોગીઓ અને અન્ય ક્ષેત્રીય ભાગીદારીઓની સાથે પોતાનો પરિચર કરાવવાનો છે. યુએસ એરફોર્સે કહ્યું કે, આ બોમ્બર મિશનની તૈયારીને વધારશે અને જરૂરી ટ્રેનિંગ પૂરી આપડશે. સાથે જ સમગ્ર વિશ્વમાં કોઈપણ આવનારા સંકટ અને પડકારોનો જવાબ આપશે.

(12:00 am IST)