Gujarati News

Gujarati News

News of Monday, 31st August 2020

સીબીઆઈ સુશાંતની બહેનો મીતૂ-પ્રિયંકાને પણ બોલાવશે

રિયા ચક્રવર્તીની પૂછપરછનો ત્રીજો દિવસ : રિયા ચક્રવર્તી ઉપરાંત સીબીઆઈની ટીમ શોવિક ચક્રવર્તી, સિદ્ધાર્થ પીઠાની, નીરજ, દીપેશ સાવંત અને સેમ્યુઅલની પૂછપરછ

નવી દિલ્હી,તા.૩૦ : સુશાંત સિંહ રાજપૂતના મોત મામલે તપાસ કરી રહેલી સીબીઆઈની ટીમ આજે ત્રીજા દિવસે પણ રિયા અને તેના ભાઈ શોવિકની પૂછપરછ કરી રહી છે. રિયા અને શોવિક આ માટે ડીઆરડીઓ ગેસ્ટ હાઉસ પહોંચી ગયા છે. પહેલા દિવસે રિયાની ૧૦ કલાક અને બીજા દિવસે ૭ કલાક એમ કુલ ૧૭ કલાક પૂછપરછ થઈ છે. હવે અહેવાલ મળી રહ્યા છે કે, સીબીઆઈ સુશાંતની બહેનો મીતૂ સિંહ અને પ્રિયંકા સિંહના નિવેદન પણ નોંધશે. મળી રહેલી તાજી માહિતી મુજબ, પ્રિયંકા સિંહના પતિ સિદ્ધાર્થનું નિવેદન પણ સીબીઆઈ નોંધશે. ઉલ્લેખનીય છે કે, રિયાનું કહેવું હતું કે સુશાંતની બહેન મીતૂ ૮થી ૧૩ જૂન સુધી તેની સાથે છતાં કોઈએ તેની પૂછપરછ નહોતી કરી. જ્યારે રિયાએ પ્રિયંકા પર મોલેસ્ટેશન જેવો ગંભીર આરોપ મૂક્યો છે. હાલ સીબીઆઈની ટીમ રિયાના માતાપિતાની પૂછપરછ નહીં કરે. માનવામાં આવી રહ્યું છે કે, તેમની ઉંમરને જોતા સીબીઆઈની ટીમ પૂછપરછ માટે તેમના ઘરે જશે.

                  સુશાંત સિંહ રાજપૂતના મોત મામલે ડ્રગ્સનું એંગલ પણ સામે આવ્યું છે ત્યારે નાર્કોટિક્સ કંટ્રોલ બ્યૂરોની ટીમ મુંબઈ આવી ગઈ છે. એવામાં સીબીઆઈ અને એનસીબીની ટીમને એકસાથે મળીને આ કેસ પર કામ કરવું પડશે. રિપોર્ટ્સ મુજબ, રવિવારે સીબીઆઈની ટીમ નાર્કોટિક્સ કંટ્રોલ બ્યૂરોની ટીમ સાથે મુલાકાત કરીને આ કેસ પર ચર્ચા કરી શકે છે. સુશાંતના મોત મામલે તેના હાઉસ મેનેજર સેમ્યુઅલ મિરાન્ડાની પણ લગભગ અઠવાડિયાથી પૂછપરછ થઈ રહી છે. આજે પણ સેમ્યુઅલ ડીઆરડીઓ ગેસ્ટ હાઉસ પહોંચ્યો છે જ્યાં સીબીઆઈ સવાલ-જવાબ કરી રહી છે. સીબીઆઈની પૂછપરછમાં સુશાંતના ફ્લેટમેટ સિદ્ધાર્થ પીઠાનીએ દાવો કર્યો છે, સુશાંત સિંહ રાજપૂતે પોતે તેને હાર્ડ ડ્રાઈવમાંથી ડેટા ડિલીટ કરવાનો કહ્યો હતો. તો સિદ્ધાર્થે એમ પણ કહ્યું છે કે, રિયા ચક્રવર્તી શોપિંગ માટે સુશાંતના કાર્ડનો ઉપયોગ કરતી હતી.

(12:00 am IST)