Gujarati News

Gujarati News

News of Monday, 31st August 2020

શ્રદ્ઘાળુઓ પોસ્ટ મારફતે વૈષ્ણોદેવીનો પ્રસાદ મેળવી શકશે

જે લોકો કોરોના મહામારીને કારણે વૈષ્ણોદેવીની યાત્રાએ જઈ નથી શકતા તેમને પણ ઘરબેઠા પ્રસાદનો લાભ મળશે

જમ્મુ, તા.૩૧: હવે, દેશભરના શ્રદ્ઘાળુઓ વૈષ્ણોદેવીનો પ્રસાદ પાઙ્ખસ્ટ મારફતે મેળવી શકશે, એમ શ્રી માતા વૈષ્ણોદેવી શ્રાઈન બોર્ડ દ્વારા બહાર પાડવામાં આવેલા નિવેદનમાં જણાવવામાં આવ્યું હતું.

દેશભરના શ્રદ્ઘાળુઓને પ્રસાદ ઝડપથી મોકલી શકાય તે માટે શ્રી માતા વૈષ્ણોદેવી શ્રાઈન બોર્ડે પોસ્ટ ખાતા સાથે કરાર કર્યા છે, એમ તેમણે કહ્યું હતું.

શ્રાઈન બોર્ડના સીઈઓ રમેશકુમાર અને પોસ્ટલ સેવાના ડિરેકટર (જમ્મુ-કાશ્મીર-વડુમથક) ગૌરવ શ્રીવાસ્તવે આ કરાર પર સહી કરી હોવાનું તેમણે કહ્યું હતું.

આ સુવિધાને કારણે જે લોકો કોરોના મહામારીને કારણે વૈષ્ણોદેવીની યાત્રાએ જઈ નથી શકતા તેમને પણ ઘરબેઠા પ્રસાદનો લાભ મળશે, એમ તેમણે કહ્યું હતું.

ન નફો ન નુકસાનના ધોરણે બોર્ડે પ્રસાદને ત્રણ શ્રેણીમાં વર્ગીકૃત કર્યો છે. લોકો સત્તાવાર વેબસાઈટ પરથી તેમ જ ૯૯૦૬૦ ૧૯૪૭૫ મોબાઈલ નંબર પર ફોન કરીને પણ પ્રસાદનો ઓર્ડર આપી શકશે. અગાઉ શ્રાઈન બોર્ડે શ્રદ્ઘાળુઓને ભવનસ્થિત યજ્ઞશાળા ખાતે પૂજા અને હવન કરવાની સુવિધા આપવાનો પ્રસ્તાવ મૂકયો હતો.

કોરોના વાઈરસની મહામારીને કારણે લગભગ પાંચ મહિના જેટલો સમય બંધ રાખવામાં આવ્યા બાદ ત્રિકુટા પર્વત પર આવેલું માતા વૈષ્ણોદેવીનું મંદિર દર્શનાર્થીઓ માટે ૧૬ ઓગસ્ટથી ફરી શરૂ કરવામાં આવ્યું હતું.

દરમિયાન, વૈષ્ણોદેવી યાત્રા દિવસોદિવસ વેગ પકડી રહી હોવાનું બોર્ડે કહ્યું હતું.

યાત્રાળુઓ માટે હેલિકોપ્ટર, બેટરી સંચાલિત વાહનો, ભવન અને ભૈરવનાથ વચ્ચે રોપ વે સહિતની સેવાઓ શરૂ કરવામાં આવી હોવાનું બોર્ડે કહ્યું હતું.

(9:49 am IST)