Gujarati News

Gujarati News

News of Monday, 31st August 2020

લોહી પાતળું કરવાની દવા કોરોનાની સારવારમાં ફાયદેમંદ

લો મોલેકયુલર હેટ વેપરિન LMWHથી ઘણા કોરોનાગ્રસ્ત દર્દીઓ સ્વસ્થ થયાઃ કેટલાક દર્દીઓ પરના અભ્યાસમાં સફળતા મળી હોવાનો પુણેના તબીબનો દાવો

પુણે, તા.૩૧: પુણેના કેટલાક તબીબોએ કોરોનાના હાહાકાર વચ્ચે લોહી પાતળું કરવાની એક દવાને આ મહામારીની સારવાર કરવામાં અસરકારક ગણાવી છે. પુણેના ચિકિત્સકોએ દર્દીઓ પર કરેલા પરિક્ષણના આધારે આ દાવો કર્યો છે કે લો મોલેકયુલર વેટ હેપારિન (LMWH) નામની આ વેકસીન દ્વારા કોરોનાના દર્દીઓના હોસ્પિટલાઈઝેશનનો ગાળો ઘટાડવામાં તેમજ તેમની અસરકારક સારવાર કરવામાં મદદ મળી છે. આ ઉપરાંત કેટલાક કોવિડ ૧૯ના દર્દીઓ આ દવાથી રિકવર પણ થયા છે.

કેટલાક દર્દીઓ પર મળેલા અસરકારક પરિણામ બાદ ડોકટરોએ મીડિયા સાથે વાતચીત કરી હતી. તબીબોએ દાવો કર્યો હતો કે સાર્સ-કોવી-૨ વાયરસને લીધે દર્દીઓના શરીમાં કાઉન્ટર બ્લડ ઈન્ફ્લેમેશન અને બ્લડ કલોટિંગની સમસ્યા ઊભી થવા લાગે છે. આવા દર્દી માટે આ દવા દ્યણી અસરકારક જણાય રહી છે.

પુણેના તબીબ સુભલ દીક્ષિતે દાવો કરતા જણાવ્યું કે ઈટાલીમાં કોરોના સંક્રમિત દર્દીઓના પોસ્ટ મોર્ટમ રિપોર્ટ પરથી સ્પષ્ટ થયું કે કોરોના વાયરસને લીધે દર્દીના શરીરમાં નાના બ્લડ કલોટ્સ બની રહ્યા છે. જેને પગલે ભારતમાં તબીબોએ લોહી પાતળું કરવા માટેની દવાઓનો ઉપયોગ કરવાનું શરૂ કર્યું છે. ગંભીર દર્દીઓ પર આ દવાનો પ્રયોગ કોરોના મહામારીના પ્રારંભથી થઈ રહ્યો છે. દિવસેને દિવસે કેસોમાં થઈ રહેલા વધારાને પગલે આ દવાનો ઉપયોગ પણ અનેક ગણો વધારાયો છે. કેટલાક કેસોમાં આ દવાની અસરકારકતા પ્રભાવિત રહી છે.

ડો. દીક્ષિતે જણાવ્યું કે ફેફસાની નસોમાં બ્લડ કલોટ સર્જાવાથી કોવિડ ૧૯ના દર્દીને શ્વાસ લેવામાં મુશ્કેલી પડે છે. આ ઉપરાંત હૃદય, મગજ અને કિડનીમાં પણ બ્લડ કલોટિંગને લીધે હૃદયરોગનો હુમલો, બ્રેઈન સ્ટ્રોક અને એકયૂટ કિડની ઈન્જરીની તકલીફો પણ ઉપસ્થિત થતી હોય છે. આવામાં લો મોલેકયૂલર વેટ હેપારિન (LMWH)નો ઉપયોગ આ તકલીફોમાંથી રાહત આપવા અસરકારક હોવાનું જણાયું છે. આના પર વધુ સંશોધન ચાલી રહ્યું છે.

(9:50 am IST)