Gujarati News

Gujarati News

News of Monday, 31st August 2020

દિવાળી સુધીમાં કોરોના કંટ્રોલમાં આવી જશે : વર્ષના અંતમાં મળી જશે પહેલી વેકસીન

કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી ડો. હર્ષવર્ધનનો દાવો

નવી દિલ્હી તા. ૩૧ : દેશમાં કોરોના વાયરસના દર્દીઓનો આંકડો રવિવારે વધીને ૩૬ લાખને પાર થઈ ગયો છે. અત્યાર સુધી ૩૬ લાખ ૧૯ હજાર ૧૬૯ લોકો કોવિડ-૧૯ સંક્રમણની ઝપટમાં આવી ચૂકયા છે. મૃતકોની સંખ્યા પણ ૬૫ હજારની નજીક છે. દેશમાં કોરોના વેકસીન પર કામ ચાલી રહ્યું છે પરંતુ હજુ સુધી કેટલાક ફાઇનલ પરિણામ નથી સામે આવ્યા. આ દરમિયાન કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી ડો. હર્ષવર્ધનએ રવિવારે આશા વ્યકત કરી કે દિવાળી સુધીમાં આપણે કોવિડ-૧૯ મહામારીને ઘણે અંશે નિયંત્રણમાં લાવવામાં સફળ થઈ જઈશું. ડો. હર્ષવર્ધને કહ્યું કે, આશા છે કે આગામી થોડાક મહિનામાં સંભવતઃ દિવાળી સુધી આપણે કોરોના વાયરસ સંક્રમણના પ્રસારને ઘણે અંશે નિયંત્રણ કરી લઈશું.

કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રીએ અનંતકુમાર ફાઉન્ડેશન દ્વારા આયોજિત Nation First સેમિનારમાં આ વાતો કહી. ડો. હર્ષવર્ધને કહ્યું કે ડોકટર દેવી પ્રસાદ શેટ્ટી અને ડોકટર સી.એન. મંજૂનાથ જેવા વિશેષજ્ઞ આ વાત પર સંભવતઃ સહમત હશે કે થોડા સમય બાદ કોરોના પણ ભૂતકાળમાં આવેલા અન્ય વાયરસની જેમ માત્ર સ્થાનિક સમસ્યા બનીને રહી જશે.

તેઓએ કહ્યું કે, પરંતુ વાયરસે આપણેને ખાસ પાઠ ભણાવ્યો છે, તેણે આપણને શીખવાડ્યું છે કે હવે કંઈક નવું થશે, જે સામાન્ય હશે અને આપણે સૌને પોતાની જીવનશૈલીને લઈને વધુ સાવધાન અને સજાગ રહેવું પડશે. ડો. હર્ષવર્ધને આ વર્ષના અંત સુધીમાં કોરોના વાયરસની વેકસીન વિકસિત કરી લેવાની આશા પણ વ્યકત કરી.

સંક્રમણને હરાવનારા લોકોની સંખ્યા ૨૭ લાખને પારનોંધનીય છે કે, ભારતમાં કોવિડ-૧૯ સંક્રમણને હરાવનારા લોકોની સંખ્યા ૨૭ લાખને પાર જતી રહી છે. છેલ્લા ૨૪ કલાકમાં ૬૪,૯૩૫ લોકો કોરોનાથી ઠીક થયા છે. કોરોનાના સક્રીય મામલાની તુલનામાં ૩.૫૫ ગણા વધારે લોકો ઠીક થયા છે. દેશમાં કોરોનાનો રિકવરી દર ૭૬.૬૧ ટકા થઈ ગયો છે. બીજી તરફ, મૃત્યુદર ૧.૭૯ ટકા જ રહી ગઈ છે. એવું પણ સામે આવ્યું છે કે સારવાર કરી રહેલા દર્દીની સંખ્યા કુલ સંક્રમિતોની સંખ્યા માત્ર ૨૧.૬૦ ટકા છે.

(9:53 am IST)