Gujarati News

Gujarati News

News of Monday, 31st August 2020

સુરેશ રૈનાએ હોટલના ખરાબ રૂમના કારણે છોડયું IPL: ધોની સાથે પણ થયો વિવાદ!

CSKના માલિક એન. શ્રીનિવાસને કહ્યું કેઃ રૈનાને હોટલ રૂમમાં બાલ્કની ન હોવાના કારણે છોડયું IPL: તેને સફળતા માથે ચઢી ગઈ

નવી દિલ્હી, તા.૩૧: સુરેશ રૈનાનું આઈપીએલ ૨૦૨૦ના સમગ્ર સીઝનમાંથી બહાર થવાનું કારણ તેનો પારિવારિક મુદ્દો હોવાનું કહેવામાં આવી રહ્યું હતું. માનવામાં આવી રહ્યું હતું કે તેની દીકરી ગ્રેસી, દીકરો રિયો અને પત્ની પ્રિયંકાના સ્વાસ્થ્યની તેને ચિંતા હતી તેથી રૈનાએ સમગ્ર IPL ૨૦૨૦ શરૂ થતા પહેલા જ છોડી દીધું અને તે દુબઈથી દિલ્હી પરત ફર્યો. પરંતુ આ દરમિયાન ચેન્નઈ સુપરકિંગ્સના માલિક એન. શ્રીનિવાસને સુરેશ રૈના મામલે ચોંકાવનારો ખુલાસો કર્યો છે. એન. શ્રીનિવાસને આરોપ લગાવ્યો છે કે સુરેશ રૈના કોઈ પારિવારિક વિવાદના કારણે નહીં પરંતુ મરજી મુજબનો હોટલ રૂમ નહીં કરવાના કારણે IPL છોડીને ગયો છે.

CSKના માલિક શ્રીનિવાસને આઉટલુક સાથે ખાસ વાતચીત કરી છે. આઉટલુકનો દાવો છે કે સુરેશ રૈનાએ મરજી મુજબ હોટલ રૂમ ન મળવાના કારણે આઈપીએલ છોડ્યું છે. દુબઈમાં સુરેશ રૈનાના હોટલ રૂમમાં બાલ્કની નહોતી. જયારે ધોનીના રૂમમાં બાલ્કની હતી. સુરેશ રૈના બિલકુલ ધોની જેવો રુમ પોતાના પરિવાર માટે ઈચ્છતો હતો પરંતુ જયારે આવું ન થયું તો તેણે ગુસ્સામાં આવીને ટીમને છોડી દીધી અને દુબઈથી દિલ્હી આવી ગયો. આઉટલુકના અહેવાલ મુજબ, સુરેશ રૈના અને ધોનીની વચ્ચે પણ વિવાદ થયો અને ત્યારબાદ ટીમના માલિક શ્રીનિવાસને આ મુદ્દા પર કેપ્ટન સાથે ચર્ચા પણ કરી.

સુરેશ રૈના મામલે ટીમ તરફથી કોઈ અધિકૃત નિવેદન સામે નથી આવ્યું પરંતુ રિપોર્ટ મુજબ રૈના દુબઈ પહોંચ્યા બાદથી જ પોતાના હોટલ રૂમથી નિરાશ હતો. રૈના બાયો બબલ અને કવોરન્ટીનના કડક નિયમોને કારણે ધોની જેવો રૂમ ઈચ્છતો હતો. રૈનાને એવો રૂમ જોઈતો હતો જેમાં મોટી બાલ્કની હોય. ધોનીએ સુરૈશ રૈના સાથે વાત કરી પરંતુ તે શાંત ન કરી શકયો અને ત્યારબાદ સ્થિતિ બેકાબૂ થઈ ગઈ.

'રૈનાને સફળતા માથે ચઢી ગઈ છે' શ્રીનિવાસને આઉટલુકથી એકસકલૂસિવ વાતચીતમાં કહ્યું કે, ચેન્નઈ સુપરકિંગ્સ હંમેશા પરિવારની જેમ રહી છે. મારો વિચાર એવો છે કે જો તમે ખુશ ન હોય તો પરત જતા રહો. કોઈને કંઈ બોલવાની જરૂર નથી. કયારેક સફળતા તમારા માથે ચઢી જાય છે.

શ્રીનિવાસને આઉટલુકને કહ્યું કે, મેં ધોની સાથે વાત કરી અને તેણે મને ભરોસો આપ્યો કે ચિંતાની વાત નથી. તેણે ટીમના ખેલાડીઓ સાથે વીડિયો કોલ પર વાતચીત કરી. મારી પાસે એક સારો કેપ્ટન છે. ધોનીને આવી વાતોથી ફરક નથી પડતો. ધોનીના કારણે ટીમના દરેક ખેલાડીને આત્મવિશ્વાસ ઊભો થાય છે.

(10:49 am IST)