Gujarati News

Gujarati News

News of Monday, 31st August 2020

હવે બસ દ્વારા જાવ લંડન

૧૫ લાખ રૂપિયા ભાડુ, ૭૦ દિવસ લાગશે, યુપીમાં પ્રયાગરાજ થી મળશે ટીકીટ

પ્રયાગરાજ,તા.૩૧  :  દેશમાં ટુંક સમયમાં બસ દ્વારા લંડનની મુસાફરી શરૂ કરાશે. સાંભળવામાં ભલે આશ્ચર્ય લાગે પણ આ સત્ય છે. આગામી વર્ષ દિલ્હીથી લંડનની બસ સેવા શરૂ થઇ જશે. આ બસ સેવા પ્રયાગરાજના રસ્તેથી ચાલશે. આ યોજના પર કામ ચાલી રહ્યું છે. ઉલ્લેખનીય છે કે લંડન સુધી બસની સફર પ્રયાગરાજ વાળાઓ માટે નવી વાત નથી. આ પહેલા પણ પ્રયાગરાજમાં રહેતા લોકો આ બસ સુવિધા માણી ચુકયા છે. ત્યારે કોલકતા થી લંડન વચ્ચે સિડનીની એક કંપની આલ્બર્ટ ટુર એન્ડ ટ્રાવેલ્સે ૧૯૫૦માં ડાયરેકટ બસ સેવા શરૂ કરી હતી. જે ૧૯૭૩ સુધી ચાલી હતી. હવે તે ફરીથી શરૂ કરાઇ રહી છે, જે વિશ્વની સૌથી લાંબી બસયાત્રા હશે.

આ બસમાં સફર કરનાર મુસાફરોએ ૧૫ લાખ જેટલું ભાડું ચુકવવું પડશે, જો કે બસની આ ટ્રીપની ખાસ વાત એ છે કે તેમાં સંપૂર્ણ ટ્રીપ તો બુક થઇ જ શકશે ઉપરાંત દક્ષિણ પૂર્વ એશિયા ૧૧ રાત-૧૨ દિવસ, ચીન ૧૫ રાત -૧૬ દિવસ, મધ્ય એશિયા ૧૫ રાત-૧૬દિવસ અને યુરોપ ૧૫ રાત-૧૬ દિવસમાં થી કોઇ એકની પસંદગી કરી શકાશે.

એક ટ્રીપમાં ફકત ૨૦ પ્રવાસીઓ જ લંડનની યાત્રા કરી શકશે. ફુલ ટ્રીપ કરનાર મુસાફરોને પ્રાથમિકતા અપાશે. એક મુસાફરનું ભાડું ૧૫ લાખ ભારતીય રૂપિયા નક્કી કરવામાં આવ્યું છે. જેમાં ભોજન, તત્કાલ વીઝા, મેડીકલ સવલતો વગેરેનો ઉલ્લેખ નથી.

૧૮ દેશોમાંથી પસાર થશે

વિશ્વની સૌથી લાંબી આ મુસાફરી મે-૨૦૨૧ થી શરૂ થવાની છે. આ બસ ૧૮ દેશોમાંથી પસાર થશે. આ મુસાફરી ૪ તબક્કામાં પુરી થશે. પહેલા તબક્કામાં બસ ભારત, મ્યાનમાર અને થાઇલેન્ડનો પ્રવાસ કરશે. બીજા તબક્કામાં પ્રવાસીઓને ગોબીનું રણ, ચીનની વિશાળ દિવાલ અને સીલ્કી રૂટની યાત્રા કરાવાશે. ત્રીજા તબક્કામાં બસ  પર્યટકોને રશિયા, ઉજબેકિસ્તાન અને અંતિમ તબક્કામાં બસ યુરોપના પોલેન્ડ, લેરીવીયા, જર્મની, બેલ્જીયમ, ફ્રાંસ સહિતના ઘણાં દેશોમાં થઇને લંડન પહોંચશે. જણાવી દઇએ કે તેનું સંચાલન યુપીના આગ્રા, કાનપુર, પ્રયાગરાજ અને વારણસી થઇને કરવામાં આવશે.

(12:59 pm IST)