Gujarati News

Gujarati News

News of Monday, 31st August 2020

રાજકોટમાં છેલ્લા બે દિ'થી કોરોનાના કેસમાં વધારોઃ બપોર સુધીમાં વધુ ૪૪ રિપોર્ટ પોઝિટિવ

ગઇકાલે સૌથી વધુ ૮૩ કેસ નોંધાયાઃ શહેરનો કુલ આંક ૩૧૮૩: ગઇકાલે ૨૭ દર્દીઓએ કોરોના સામે જંગ જીતતા કુલ ડિસ્ચાર્જ ૧૬૦૭ થયા

રાજકોટ,તા.૩૧: શહેરમાં કોરોના સંક્રમણ અટકાવવાં તંત્ર વાહકો, નાગરિકે તમામ મોરચે, એડી ચોટીનું જોર લગાવીને પ્રયાસો કરી રહ્યા છે. છતાં કોરોના કેસ ઓછા થવાનું નામ નથી લેતા છેલ્લા બે દિવસથી કોરોનાનાં આંકમાં વધારો થતો જોવા મળી રહ્યો છે ત્યારે આજ દિન સુધીનાં એક જ દિવસમાં સૌથી વધુ રેકોર્ડ બ્રેક શનીવારે ૭૮ તથા ગઇકાલે રવિવારે ૮૩ કેસ નોંધાયા હતા. આજે પણ બપોરે ૧૨ વાગ્યા સુધીમાં ૪૪પોઝીટીવ કેસ મળી આવતાં તમામની સારવારની વ્યવસ્થા તથા પોઝીટીવ વ્યકિતનાં કોન્ટેકટમાં આવેલ લોકોને કોરન્ટાઇન કરવા સહીતની કાર્યવાહી હાથ ધરાઇ હતી. ગઇકાલે એક દિવસમાં સૌથી વધુ ૭૮ કેસ નોંધાતા લોકોમાં ભારે ફફડાટ ફેલાયો છે.

આ અંગે મ્યુ.કોર્પોરેશનની સતાવાર માહિતીમાં જણાવ્યા મુજબ આજે બપોરે ૧૨ વાગ્યા સુધીમાં   કુલ ૪૪ નવા કેસ સાથે શહેરમાં અત્યાર સુધીમાં કુલ ૩૧૮૩ પોઝીટીવ કેસ નોંધાઇ ચુકયા છે. અને તે પૈકી ૧૬૦૭ લોકો સાજા થઇને હોસ્પિટલમાંથી ડીસ્ચાર્જ થતા ૫૧.૧૯ ટકા રિકવરી રેટ થયો છે.

ગઇકાલે કુલ ૧૪૧૧ સેમ્પલ લેવાયા હતા.જેમાં ૮૩ કેસ નોંધાતા પોઝિટિવ રેટ ૫.૮૮ ટકા થયો  હતો. જયારે ૨૭ દર્દીઓને સાજા થયા હતા.

 છેલ્લા  છ  મહિનામાં એટલે કે માર્ચ થી આજ દિન સુધીમાં ૬૨,૮૯૯  ટેસ્ટ કરવામાં આવ્યા છે. જેમાંથી ૩૧૮૩ સંક્રમીત થતા પોઝિટિવ રેટ ૪.૯૯ ટકા થયો છે.

(1:42 pm IST)