Gujarati News

Gujarati News

News of Monday, 31st August 2020

છે ને વિચિત્ર ?

દેશના ૯ ફરવાના સ્થળો ઉપર ભારતીયોને જ 'નો એન્ટ્રી' !

ટુરીસ્ટસ ડેસ્ટીનેશન્સ થકી ભારતમાં જ રહીને કરોડો રૂપિયા કમાવવા છે, છતાં પણ 'ઇન્ડિયન્સ' માટે આટલી સૂગ ? ! કાળા-ગોરાનો ભેદ અકબંધ ? : નોર્બ્યુલિંગકામાં તો ભારતીય જેવા લાગતા હોય તો પણ 'NO INDIAN' પોલિસીનો અમલ : 'બીચવેર'માં સજ્જ ફોરેનર્સ ઉપર ભારતીયો નજર બગાડે છે ?: નોર્થ સેન્ટીનલ આઇલેન્ડ ઉપર તો માત્ર આદિવાસીઓ જ રહે છે : ઇન્ડિયન્સ કે ફોરેનર્સ, બંનેમાંથી કોઇ એલાઉડ નથી. : ભારતીયો સાથે ભેદભાવ (જાતિવાદ ) બદલ બેંગ્લોરની એક હોટલ બંધ કરાવાઇ : વિવિધ પ્રોપર્ટીઝનું મેનેજમેન્ટ -હેન્ડલીંગ ભારતીયો દ્વારા જ થાય છે ! છતાં પણ... ? : ભારતીય સહેલાણીઓએ પણ વિચારવા જેવું

રાજકોટ,તા. ૨૯: વિવિધ વિદેશી આક્રમણો તથા આશરે ૨૦૦ વર્ષો સુધી અંગ્રેજોની ગુલામીની સામે ખુમારીપૂર્વક સતત ઝઝૂમીને ભારતના લોકોને મહામૂલી આઝાદી પ્રાપ્ત થઇ છે. કલ્યાણ રાજ્યના વિચાર સાથે દુનિયાનું સૌથી શ્રેષ્ઠ કહી શકાય તેવું બંધારણ પણ અમલમાં આવ્યું. જેના કારણે ભારતમાં સાચા અર્થમાં લોકશાહીની સ્થાપના થઇ. કાયદાની મર્યાદામાં રહીને ભારતના લોકોને દેશના કોઇ પણ સ્થળે મુકત રીતે હરવા -ફરવાનો મુળભૂત અધિકાર પણ બંધારણમાં આપવામાં આવ્યો છે.

સમગ્ર ભારતનો પ્રવાસન ઉદ્યોગ પણ સતત વધી રહ્યો છે. રજાઓ તથા 'ફ્રી ટાઇમ' ગાળવા માટેનો નવો ટ્રેન્ડ જોવા મળી રહ્યો છે. સહેલાણીઓ નવા-નવા ટુરીસ્ટસ ડેસ્ટીનેશન્સ પસંદ કરી રહ્યા છે. નાની -મોટી રજાઓ, વીકેન્ડ, વેકેશન, સ્પેશ્યલ લીવ, તહેવારો વિગેરેમાં કુટુંબીજનો તથા ગ્રુપ સર્કલ સાથે ફરવા ઉપડી જતા હોય છે.

આ તમામ પરિબળો વચ્ચે એક વિચિત્ર બાબત સામે આવી છે કે જે ફરવાના શોખીનો માટે તથા ભારતના લોકો માટે ખરેખર દુઃખદાયક અને ઘણી વખત તો માન્યમાં ન આવે તેવી છે.

દેશના નવ જેટલા અજાણ્યા ફરવાના સ્થળો એવા છે કે જ્યાં દેશના નાગરિકો અને રહેવાસી હોવા છતાં પણ ભારતીયોને જ પ્રવેશ અપાતો નથી. આશ્ચર્યની વાત તો એ છે કે આ તમામ સ્થળો ભારતીયો દ્વારા જ ચલાવવામાં  (હેન્ડલીંગ થાય છે) આવતા હોવાનું જાણવા મળે છે.

સો મણનો એક સવાલ પણ થાય છે કે ટુરીસ્ટસ ડેસ્ટીનેશન્સનું મેનેજમેન્ટ કે તેના માલિકો ભારતમાં જ રહીને લાખો-કરોડો રૂપિયા કમાતા હોય છે, છતાં પણ ઇન્ડિયન્સ માટે આટલી સૂગ કેમ છે ? જે તે સ્થળો ઉપર માત્ર ફોરેનર્સને જ એન્ટ્રી આપવામાં આવે છે ત્યારે હજુ પણ કાળા-ગોરાનો ભેદ (જાતિવાદ) અકબંધ હોવાની પ્રતિતિ થઇ રહી છે. અને એ પણ ભારતમાં જ અને ભારતીયો માટે જ ?!

ભારતીયો માટે જે ફરવાના સ્થળોએ 'નો એન્ટ્રી' છે અથવા તો ટેકટફુલી કોઇ બ્હાનું દર્શાવીને ઇન્ડિયન્સને પ્રવેશ નથી અપાતો તેવા ચર્ચાતા સ્થળો ઉપર એક નજર કરીએ તો ...

રેડ લોલીપોપ હોસ્ટેલ

ઇન્ટરનેશનલ સ્ટાન્ડર્ડ ધરાવતી આ હોટલ તમિલનાડુ રાજ્યના ચેન્નઇ (મદ્રાસ) ખાતે મંદાવેલી વિસ્તારમાં આવેલી છે. પ્રખ્યાત મરીના બીચથી એક હજાર ફુટ જેટલુ વોકેબલ ડીસ્ટન્સ છે.

આ હોટલની 'NO INDIAN' પોલિસી ખૂબ જ આશ્ચર્યજનક છે. માત્ર પાસપોર્ટ ઉપર જ એન્ટ્રી મળે છે. ફોરેન પાસપોર્ટ ધરાવનાર જ અહીં રહી શકે છે. જે ભારતીય પાસે ફોરેન પાસપોર્ટ હોય તેને કદાચ એલાઉ કરવામાં આવી શકે છે. પરંતુ ઇન્ડિયન પાસપોર્ટ હોલ્ડરને હોટલમાં એકોમોડેશન અપાતુ નથી તેવી ચર્ચા છે.

નોર્બુલિંગકા (NORBULINGKA) કાફે

હિમાચલ પ્રદેશના ધરમશાલામાં આવેલ એક સુંદર ઇન્ડિયન રેસ્ટોરન્ટ -કાફે છે. દિલ ખુશ થઇ જાય તેવા બિલ્ડીંગ્સ, ગાર્ડન્સ અને મઠ (મોનાસ્ટ્રી) નો અદ્ભુત નઝારો જોવા મળે છે. અહીં તિબેટીયન સંસ્કૃતિને પણ જાણવાનો મોકો મળે છે.

આટલું સુંદર હોવા છતાં પણ અહીં ગોરા-કાળાનો ભેદ (જાતિવાદ) જોવા મળે છે. ભારતીયોને એન્ટ્રી નથી, માત્ર ફોરેનર્સ આવી શકે છે. ઘણી વખત તો ભારતીય ન હોય, પરંતુ ભારતીય જેવા લાગતા હોય તો પણ તેઓને પ્રતિબંધ રૂપે એન્ટ્રી આપવામાં આવતી નથી.

લક્ષદ્વીપમાં આવેલ ટાપુઓ (A)અગાતી (B) બંગારામ (c) કડામત

લક્ષદ્વિપ એ ભારતનો સૌથી નાનો કેન્દ્રશાસિત પ્રદેશ છે. અહીં કોરલથી બનેલા વિવિધ ટાપુઓ અને રીફ જોવા મળે છે. બ્યુટી ઓફ આઇલેન્ડસ, બ્લુ શેલો વોટર વિગેરેને કારણે એકદમ રમણિય લાગે છે. અગાતી, બંગારામ તથા કડામત સહિતના ટાપુઓ પ્રાચીન સમયમાં જવાળામુખીથી બનેલા હોવાનું કહેવાય છે. અહીં પણ અમુક રીસોર્ટમાં માત્ર ફોરેનર્સ જ વિઝીટ લઇ શકે છે.

ગોવા ખાતેનો અંજુના બીચ

દેશ-વિદેશના સહેલાણીઓ માટે હરહંમેશ આકર્ષણનું કેન્દ્ર એવું એવરગ્રીન ડેસ્ટીનેશન ગોવા ખરા અર્થમાં અમેઝીંગ છે. ગોવાના બીચ વિશ્વ વિખ્યાત છે. પરંતુ અમુક બીચ ઉપર માત્ર ફોરેનર્સને જ એન્ટ્રી મળતી હોવાનું જાણવા મળે છે.

નોર્થ ગોવામાં પણજીથી ૧૮ કિ.મી.ના અંતરે અંજુના બીચ આવેલ છે. 'એક દેુજે કે લીયે' મુવી ફેઇમ બીચ ખાતે અહીં મોટે ભાગે ફોરેનર્સ જ એલાઉડ છે. અહીં ભાગ્યે જ કોઇ ઇન્ડિયન જોવા મળે છે. જો કે અહીં ભારતીયો માટે લીગલ રીસ્ટ્રીકશન્સ નથી. એવી પણ ચર્ચા છે કે બીચના કે રીસોર્ટસના ઓનર્સ દ્વારા 'બીચવેર' પહેરેલા ફોરેનર્સને ભારતીયોની નજરથી બચાવવાનો ખેલ છે.

પુડુચેરીઝ -ફોરેનર્સ ઓન્લી બીચીસ

પોંડીચેરી (પુડુચેરી) ખાતે આવેલ આવા અમુક બીચીસ ઉપર પણ ગોવા જેવી જ સ્થિતી છે. અહીં બીચ ઉપર હોટલ-રેસ્ટોરન્ટસમાં ભારતીયોને પ્રવેશતા રોકવા માટે વચ્ચે દોરી કે બેરીકેડ રાખવામાં આવે છે. 'INDIANS ARE NOT ALLOWED' લખેલા બોર્ડ પણ જોવા મળી શકે છે.

ઘણી વખત તો ઇન્ડિયન્સને હોટલ - રેસ્ટોરન્ટસના પાછળના દરવાજા ઉપરથી એન્ટ્રી આપવામાં આવતી હોવાનું સંભળાઇ રહ્યું છે. અહીંનું ેમેનેજમેન્ટ પર્સનલ બીચ-હોટલ-રેસ્ટોરન્ટસ વિગેરે ફોરેનર્સ માટે રીઝર્વ રાખે છે.આ સંદર્ભે તેઓ ફોરેનના ગેસ્ટસને ન ગમતા બનાવથી બચાવવાનો દાવો કરે છે.અહીં ફ્રેન્ચ વસાહત ટાઇપની બાંધણી જોવા મળે છે. મહર્ષિ અરવિંદનો આશ્રમ પણ છે.

રશીયન કોલોની

તમિલનાડુના દક્ષિણ ભાગમાં આવેલ તિરૂનેલવેલી જીલ્લામાં કુદનકુલામ ન્યુકલીયર પાવર પ્લાન્ટ (પ્રોજેકટ) પાસે રશીયન કોલોની આવેલ છે. આ કોલોની માત્ર રશીયન નાગરિકો માટે જ છે કે જેઓ પાવર પ્રોજેકટમાં કામ કરી રહ્યા છે.

અમુક લોકોના કહેવા પ્રમાણે અહીં માત્ર રશીયન સિટીઝન્સ જ પાવર પ્રોજેકટ ઉપર કામ કરે છે. ઇન્ડિયન્સને પરમીશન નથી. અહીં ઘર-મકાન ઉપરાંત હોટલ -રેસ્ટોરન્ટ, કલબ હાઉસ સહિતની એમિનિટીઝ હોવાનું જાણવા મળે છે.

નોર્થ સેન્ટીનલ આઇલેન્ડ

સાઉથ આંદામાન આઇલેન્ડમાં આવેલ નોર્થ સેન્ટીનલ વેન્ડુર શહેરથી ૩૬ કિ.મી. જેટલા અંતરે આવેલ છે. અહીં ઇન્ડિયન્સ તથા ફોરેનર્સ, એમ બંને માટે પ્રતિબંધ છે. આ ટાપુ ઉપર માત્ર સેન્ટીનિલિઝ આદિવાસીઓ જ રહે છે. જે કોઇને પ્રવેશવાની મંજુરી નથી આપતા.

ફ્રી કસોલ કાફે

હિમાચલ પ્રદેશના કુલુ જિલ્લામાં કસોલ વિલેજમાં આ કાફે આવેલ છે. વિઝીટર્સ માટેની લોકપ્રિય એવી આ જગ્યાએ ભારતીયોને પ્રવેશ આપવામાં આવતો નથી. આશરે બે વર્ષ પહેલા એક ઇન્ડિયન લેડી અને તેના બિટીશર્સ ફ્રેન્ડનેે ભારતીય નારી હોવાને કારણે (વંશીયતાને કારણે) પ્રવેશ આપવામાં નહોતો આવ્યો. આવું સોશ્યલ નેટવર્કીંગ સાઇટ ઉપર બંનેએ પોસ્ટ કર્યું હતું. ભારતમાં વંશીય ભેદભાવ પણ અપરાધ ગણાઇ શકે છે.

યુનો -ઇન -હોટલ, બેંગ્લોર

નિપોન ઇન્ફ્રાસ્ટ્રકચરના સહયોગ સાથે ઇ.સ. ૨૦૧૨માં યુનો-ઇન-હોટલ આકાર પામી હતી. બેંગ્લોરમાં જાપાનના કલાયન્ટસ વધતા માંડતા આ હોટલ બનાવવામાં આવી.

ભારતીયો સાથે ભેદભાવના કારણે આ હોટલ ઘણી વખત ન્યુઝમાં પણ ચમકી છે. ભારતીયો તથા અન્ય વિદેશી નાગરિકોને તેના રેસ્ટોરન્ટમાં એન્ટરટેઇન કરવામાં આવતા ન હતા. એક સમાચાર મુજબ જાતિવાદ -ભેદભાવ બદલ આ હોટલને ગ્રેટર બેંગ્લોર સિટી કોર્પોરેશન દ્વારા હવે બંધ પણ કરાવવામાં આવી છે.

 છે ને વિચાર માંગી લે તેવી બાબત ? ભારતનું 'ટ્રાવેલ માર્કેટ' દર વર્ષે સતત વધી  રહ્યું છે અને ભારતના લોકો પણ દેશમાં વિવિધ જગ્યાઓએ ફરવા જવા હંમેશા આતુર હોય છે , ત્યારે ભારતમાં જ આવેલ વિવિધ સ્થળોએ ફરવા કે પછી ફુડ લેવા માટે ભારતીયોને જ મનાઇ કરવામાં આવે છે. ભારતીય સહેલાણીઓએ પણ આ બાબત સંદર્ભે ચોક્કસપણે વિચારવું જ રહ્યું.

(ઉપરોકત તમામ સ્થળોએ સંજોગોવસાત્ નિયમોમાં ફેરફાર હોઇ શકે છે. લેટેસ્ટ ઇન્ફર્મેશન સાથે અપડેટ રહેવું હિતાવહ છે.)

(2:43 pm IST)