Gujarati News

Gujarati News

News of Monday, 31st August 2020

સુશાંતને કેરિયર સમાપ્‍ત કરવાની એક સ્‍ટારે આપી હતી ધમકીઃ વિવેક અગ્નિહોત્રીએ કર્યો દાવો

નવી દિલ્હીઃ સુશાંત સિંહ રાજપૂત કેસમાં દરરોજ નવા-નવા દાવાઓ સામે આવી રહ્યાં છે. હવે ફિલ્મમેકર વિવેક અગ્નિહોત્રી સામે આવ્યા છે અને તેમણે કહ્યુ કે, રિયા ચક્રવર્તી માત્ર ચહેરો છે અને મુંબઈ પોલીસ તથા મહારાષ્ટ્ર સરકાર આ કેસમાં કેટલાક ખુબ પાવરફુલ લોકોને બચાવવાનું કામ કરી રહી છે. વિવેક અગ્નિહોત્રીએ આ આરોપ પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર એક પોસ્ટ શેર કરીને લગાવ્યા છે.

એક સ્ટારે આપી હતી સુશાંતનું કરિયર પૂરુ કરવાની ધમકી

વિવેક અગ્નિહોત્રીએ પોતાની શેર કરેલી પોસ્ટમાં એક જૂની ઘટના વિશે વાત કરતા દાવો કર્યો છે કે એક સ્ટારે સુશાંત સિંહ રાજપૂતના કરિયરને સમાપ્ત કરવાની ધમકી આપી હતી. પરંતુ વિવેકે આ સ્ટારના નામનો ઉલ્લેખ કર્યો નથી. તેમણે પોતાના ટ્વીટમાં લખ્યું, 'એકવાર એક ફાર્મ હાઉસમાં સુશાંત સિંહ રાજપૂતને એક એક્ટર સાથે બોલાચાલી થઈ, જેને એક સ્ટારે લોન્ચ કર્યો હતો. ત્યારબાદ તે સ્ટારે ગુસ્સામાં સુશાંતનું કરિયર પૂરુ કરવાની ધમકી આપી હતી, જેમ તેણે બીજા લોકોનું કરી દીધું. રિયા માત્ર એક મહોરું છે. મુંબઈ પોલીસ અને મહારાષ્ટ્ર સરકાર કેટલાક ખાસ પાવરફુલ લોકોને બચાવી રહી છે.'

વિવાકનો દાવો- બોલીવુડમાં ડ્રગ માફિયા

મહત્વનું છે કે આ પહેલા વિવેક અગ્નિહોત્રી બોલીવુડમાં વધતા ડ્રગ્સના ચલણ અને ડ્રગ્સ માફિયા પર પણ બોલ્યા હતા. તેમણે કહ્યું હતું કે, છેલ્લા 10 વર્ષમાં બોલીવુડમાં ડ્રગ્સનું ચલણ સામાન્ય થઈ ગયું છે. તેમણે કહ્યું કે, ડ્રગ્સની સાથે બોલીવુડમાં અન્ય ઘણા પ્રકારની કુટેવો ઘર  કરી ગઈ છે અને તેથી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ખોટા અને ગેરકાયદેસર કામ થાય છે. વિવેકની જેમ કંગના રનોતે પણ બોલીવુડમાં ડ્રગ માફિયા વિશે ખુલીને પોતાની વાત રાખી હતી.

(5:42 pm IST)