Gujarati News

Gujarati News

News of Monday, 31st August 2020

લશ્‍કર-એ-તૈયબાના ૩ મદદગારો ઝડપાઈ ગયા : ખતરનાક પ્‍લાન નેસ્‍ત નાબુદ કરવામાં આવ્‍યો

જમ્‍મુ : સુરક્ષા દળોએ એવો દાવો કર્યો છે કે જમ્‍મુના રિયાસી જિલ્લામાં આવેલલશ્‍કર-એ-તૈયબાના ત્રણ આતંકીઓને દબોચી લેવામાં આવેલ છે અનેલશ્‍કર-એ-તોયબાના એક મોટા અને ખતરનાક પ્‍લાનને નાબુદ કરી દેવામાં આવ્‍યો છે. વાસ્‍તવમાં પોલિસ અને લશ્‍કરની સંયુક્‍ત ટુકડીએ લશ્‍કર-એ-તૈયબાના ૩ મદદગારોને ઝડપી લીધા હતા તેની પાસેથી સનસનાટીભરી વિગતો મળી છે.

પોલીસને મળેલી વિગતો મુજબ આ ત્રણેય મદદગારોને લાંબા સમયથી અંડરગ્રાઉન્‍ડ સૂચનાઓ મળી રહી હતી. પોલીસે ખાસ ઓપરેશન ચલાવી રિયાસી જિલ્લાના માહોર વિસ્‍તારમાં છુપાયેલા આ ત્રણે આતંકી મદદગારો ને ઝડપી લીધા હતા અને તેની પાસેથી હથિયારો અને લશ્‍કરે તૈયબા સંબંધિત દસ્‍તાવેજો કબ્‍જે કરવામાં આવ્‍યા છે.

પકડાયેલા અંડરગ્રાઉન્‍ડની ઓળખ પોલીસે જાહેર કરી નથી પરંતુ સૂત્રો દ્વારા જાણવા મળે છે કે છેલ્લા ઘણા દિવસોથી આ ત્રણેય પોલીસ અને સુરક્ષા કર્મચારીઓ સંબંધિત અનેક મહત્ત્વપૂર્ણ વિગતો પાકિસ્‍તાનમાં રહેલા લશ્‍કર એ તૈયબાના સંગઠનના વડાઓને પહોંચાડી રહ્યા હતા. મળતી વિગતો મુજબ આ મદદગારોએ સરહદ ઉપર આવેલા વિસ્‍તારોમાં રહેલ લશ્‍કરી છાવણીઓની તસવીરો ખેંચી પોતાના એકાઉન્‍ટથી પાકિસ્‍તાન મોકલી છે. પોલીસ ત્રણની પુછપરછ કરી રહી છે.

એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે આ ત્રણેય પાસેથી લશ્‍કર-એ-તૈયબા સંબંધિત અનેક મહત્‍વપૂર્ણ વિગતો મળી છે. પોલીસે કહ્યું કે આતંકીઓના આ મદદગારો સોશિયલ મીડિયા દ્વારા પોતાના માલિકોના સંપર્કમાં હતા અને આતંકી હુમલાની સાજીસ રચવામાં આવી હતી. પકડાયેલા આતંકીઓના મદદગારોમાં એક શિક્ષક પણ છે જે છેલ્લા પાંચ વર્ષથી આ વિસ્‍તારમાં સક્રિય છે. સાથે જ પૂર્વ આતંકીઓના પરિવારોને પણ મદદ કરી રહેલ હતા.

(6:27 pm IST)