Gujarati News

Gujarati News

News of Monday, 31st August 2020

દેશનો જીડીપી ચાર દાયકાના તળીયે : એપ્રિલથી જૂન ક્વાર્ટરમાં 23,9 ટકાનો ઘટાડો

લોકડાઉનની અર્થતંત્ર પર વિપરીત અસર : અગ્રણી એશિયાઈ દેશોમાં પણ ભારતનો વૃદ્ધિદર સૌથી ખરાબ

નવી દિલ્હીઃ ભારતનો જીડીપી (ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડક્ટ) એપ્રિલથી જુનના ક્વાર્ટરમાં 23.9 ટકા ઘટ્યો હોવાનું સત્તાવાર આંકડા દર્શાવે છે, જે ચાર દાયકાનું તળિયુ દર્શાવે છે. કોરોના વાઇરસના લીધે લોકડાઉન  લાદવામાં આવતા કારોબારો અને આજીવિકા પર અસર થઈ હતી. સરકાર દ્વારા આપવામાં આવેલા 21 લાખ કરોડના રાજકોષીય સપોર્ટ પછી પણ આ સ્થિતિ છે. ભારતીય અર્થતંત્રએ 1996થી તેની સ્થિતિ અંગે ત્રિમાસિક આંકડા જારી કરવાનું જારી કર્યુ ત્યારથી આ નોંધાયેલો સૌથી ખરાબમાં ખરાબ વૃદ્ધિદર છે, જે માઇનસમાં ગયો છે. અગ્રણી એશિયાઈ દેશોમાં પણ ભારતનો વૃદ્ધિદર સૌથી ખરાબ છે.

આના પરથી સ્પષ્ટપણે કોરોના વાઇરસ અને તેને ડામવા માટે લેવામાં આવેલા પગલાની અર્થતંત્ર અને ધંધાકીય પ્રવૃત્તિ પર પડેલી અસર દેખાઈ આવે છે. ભારતીય અર્થતંત્રએ લોકડાઉન પૂર્વેના ક્વાર્ટરમાં 3.1 ટકાની વૃદ્ધિ નોંધાવી હતી તેનાથી વિપરીત સ્થિતિ એપ્રિલથી જુનના ક્વાર્ટરમાં નોંધાવી હતી.

આ આંકડા પરથી ભારત અત્યંત તીવ્ર મંદીમાં હોવાનું કહી શકાય, હવે જો એપ્રિલથી જુન બાદ જુલાઈથી સપ્ટેમ્બરનો ક્વાર્ટર પણ આ રીતે જાય તો ભારત પોતે મહામંદીમાં ગરકાવ થઈ ગયું હોવાનું કહી શકાય. સળંગ બે ક્વાર્ટર સુધી જીડીપી આટલા નોંધપાત્ર પ્રમાણમાં ઘટે તેના પછી તે મંદીમાં હોવાનું કહી શકાય.

 

સરકારે કોરોનાને નાથવા માટે લોકડાઉન જારી કર્યુ તેના લીધે કરોડો લોકોએ નોકરીઓ ગુમાવી અને મોટાભાગના વર્કફોર્સે ઘરે રહીને કામ કરવાનું આવતા અર્થતંત્રને મોટો ફટકો પડ્યો છે. ન્યૂઝ એજન્સી બ્લૂમબર્ગના અર્થશાસ્ત્રીઓના પોલમાં જુન ક્વાર્ટરમાં આર્થિક સંકોચન 15થી 25.9 ટકાની રેન્જમાં રહેવાની અને વચગાળાના અંદાજ મુજબ તે 19.2 ટકા રહેવાની આશા હતી.

કોરોના વાઇરસ હાલમાં વિશ્વમાં બીજા કોઈ સ્થળના બદલે ભારતમાં સૌથી વધારે ઝડપથી ફેલાઈ રહ્યો છે. ભારતમાં છેલ્લા બે સપ્તાહમાં દૈનિક કેસો અમેરિકા અને બ્રાઝિલને વટાવી ગયા છે. ભારતમાં હાલમાં 36 લાખ પરના કેસો છે અને 63,498 મોત થયા છે.

અર્થતંત્રને ટેકો આપવા માટે રિઝર્વ બેન્ક ચાવીરૂપ વ્યાજદરમાં અત્યાર સુધીમાં 115 બેસિસ પોઇન્ટ (1.15 ટકા)નો ઘટાડો કરી ચૂકી છે. પણ હવે ફુગાવાના મોરચે વણસેલી સ્થિતિના લીધે રિઝર્વ બેન્કે ફુગાવાને ડામવાના બબદલે દેશના આર્થિક આરોગ્ય પર ધ્યાન કેન્દ્રિત કરવાની ફરજ પડી છે. આ સિવાય સરકાર દ્વારા આપવામાં આવેલા 21 લાખ કરોડના પેકેજની પણ તેના પર અસર પડી નથી.

રોગચાળા પહેલા વડાપ્રધાન મોદીના અર્થંતંત્રએ ભારતીય અર્થતંત્રને 2024 સુધીમાં 2.8 ટ્રિલિયન ડોલરના ઇકોનોમીમાંથી પાંચ ટ્રિલિયન ડોલરનું ઇકોનોમી બનાવવાનો લક્ષ્યાંક મૂક્યો હતો, જે હાંસલ કરવો મુશ્કેલ લાગે છે.

(8:07 pm IST)