Gujarati News

Gujarati News

News of Monday, 31st August 2020

ઈંદિરાગાંધીના ખાસ પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જી બે વાર વડાપ્રધાન બનતા રહી ગયા

નાના નગરથી રાષ્ટ્રપતિ સુધીને પ્રણવદાની સફળ સફર : પૂર્વ વડાપ્રધાન સ્વ. રાજીવ ગાંધી સાથે વાંકુ પડતાં પોતાનો પક્ષ બનાવ્યો પણ પછી પાછા કોંગ્રેસમાં જોડાઇ ગયા હતા

નવી દિલ્હી, તા. ૩૧ : દેશના પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખરજીનું સોમવારે સાંજે અવસાન થયું હતું. ૮૪ વર્ષના પ્રણવ મુખર્જીની મગજની શસ્ત્રક્રિયા બાદ આ સ્થિતિ નાજુક બની હતી. પૂર્વ રાષ્ટ્રપતિની પુત્રી અને કોંગ્રેસના નેતા શર્મિષ્ઠા મુખર્જી સહિત તેમના પ્રણવ દા સમર્થકો અને પ્રિયજનો તેમના સારા સ્વાસ્થ્ય માટે ભગવાનને પ્રાર્થના કરી રહ્યા હતા. પ્રણવ મુખર્જી પાંચ દાયકાથી વધુ સમય સુધી રાજકારણમાં સક્રિય રહ્યા. ઈન્દિરા ગાંધીની નજીક ગણાતા પ્રણવ મુખર્જી બે વાર વડા પ્રધાન બનતા-બનતા રહી ગયા હતા. દેશના ૧૩ મા રાષ્ટ્રપતિ, પ્રણવ મુખર્જીનો જન્મ ૧૧ ડિસેમ્બર ૧૯૩૫ માં થયો હતો. પશ્ચિમ બંગાળના બીરભૂમ જિલ્લામાં જન્મથી લઈને પ્રણવ મુખર્જીની દેશના પહેલા નાગરિક એટલે કે રાષ્ટ્રપતિ પદ સુધીની સફર અત્યંત રસપ્રદ રહી હતી. 'પ્રણવ દા' તરીકે જાણીતા આ નેતાને દેશના સર્વોચ્ચ સન્માન ભારત રત્નથી નવાજવામાં આવ્યા હતી. નાણા પ્રધાન, વિદેશ પ્રધાન અને દેશના રાષ્ટ્રપતિ પદ ધરાવતા.

             ૮૪ વર્ષીય પ્રણવ દા શિક્ષિત અને સ્વચ્છ છબીના નેતાઓમાં સામેલ છે. આ જ કારણે તેમના સામાજિક યોગદાન માટે કોંગ્રેસ પાર્ટીના નેતા હોવા છતાં, ભારતીય જનતા પાર્ટીની સરકાર દ્વારા તેમને ભારત રત્નથી સન્માનિત કરવામાં આવ્યા હતા. પ્રણવ મુખર્જીના પિતા કિંકર મુખર્જી પણ દેશના સ્વાતંત્ર્ય સેનાનીઓમાંના એક હતા. પ્રણવ મુખર્જીએ સુરી વિદ્યાસાગર કોલેજમાં અભ્યાસ કર્યા પછી રાજકીય વિજ્ઞાન અને ઇતિહાસમાં એમ.એ. ઉપરાંત તેમણે એલએલબીની ડિગ્રી પણ મેળવી હતી. આ પછી, તેમણે ભણાવવાનું શરૃ કર્યું. જોકે, થોડા સમય પછી, તેમણે રાજકારણમાં પોતાની કારકીર્દિ આગળ વધારવાનો નિર્ણય કર્યો. પહેલાં જ તબક્કામાં તેમણે ઈન્દિરા ગાંધી પર પોતાની છાપ છોડી હતી. બેંકોના રાષ્ટ્રીયકરણમાં તેમણે મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી.

              ૧૯૬૯ માં ઈન્દિરા ગાંધીની મદદથી પ્રણવ મુખર્જી કોંગ્રેસના રાજ્યસભાના સભ્ય તરીકે ચૂંટાયા હતા. ટૂંક સમયમાં તેઓ ઇન્દિરા ગાંધી માટે ખૂબ જ ખાસ બન્યા અને ૧૯૭૩ માં કોંગ્રેસ સરકારના પ્રધાન બન્યા. ઇન્દિરા ગાંધીએ પહેલી વાર ૧૯૮૨ માં પ્રણવ મુખર્જીની નાણાં પ્રધાન તરીકે નિમણૂક કરી. ૧૯૮૨ થી ૧૯૮૪ દરમિયાન એક સફળ નાણાં પ્રધાન તરીકે તેમની ઓળખ ઊભી થઈ. ઇન્દિરા ગાંધીના વિશ્વાસપાત્ર સાથી બન્યા. જો કે, ઇન્દિરાના અવસાન પછી પાર્ટી સાથે અણબનાવના કારણે પ્રણવ કોંગ્રેસથી છૂટા પડ્યા અને તેમણે પોતાનો પક્ષ બનાવ્યો. ઈન્દિરા ગાંધીના અવસાન સમયે, પ્રણવ મુખર્જી અને રાજીવ ગાંધી બંને બંગાળ પ્રવાસ પર હતા. આ સમાચાર સાંભળીને બંને ઉતાવળે  દિલ્હી પરત ફર્યા. કહેવાય છે કે તે સમયે રાજીવે પ્રણવને પૂછ્યું હવે કોણ? પ્રણવનો આનો જવાબ હતો - પાર્ટીના સિનિયર મોસ્ટ મંત્રી. જોકે, પાર્ટીના ઘણા નેતાઓ અને રાજીવની નજીકના લોકોને તેમનું સૂચન ગમ્યું નહીં.

જો કે, આખરે રાજીવ ગાંધી વડા પ્રધાન બન્યા અને ઇન્દિરા ગાંધીના પ્રધાનમંડળમાં બીજા ક્રમે રહેલા પ્રણવ મુખરજીને પ્રધાન બનાવવામાં આવ્યા ન હતા. દુઃખની વાત એ છે કે પ્રણવ કોંગ્રેસથી છૂટા પડ્યા અને રાષ્ટ્રીય સમાજવાદી કોંગ્રેસ નામની પોતાની પાર્ટી બનાવી. તે ઘણા વર્ષોથી એકલા રહ્યા. રાજીવ ગાંધી સાથેની સમજૂતી બાદ આખરે તેમણે ૧૯૮૯માં તેમની પાર્ટી કોંગ્રેસમાં ભેળવી દીધી.

પ્રણવ મુખરજી ૧૯૯૧ માં પી.વી. નરસિંહરાવની સરકારમાં યોજના આયોગના વડા બન્યા હતા. ૧૯૯૫ માં રાવે પ્રણવ મુખર્જીને દેશના વિદેશ પ્રધાન તરીકે નિયુક્ત કર્યા. રાજીવ ગાંધીની હત્યા પછી કોંગ્રેસના ખરાબ દિવસોમાં પ્રણવ મુખર્જી સોનિયા ગાંધીની નજીક ગયા અને ૧૯૯૮ માં તેમણે સોનિયા ગાંધીને અધ્યક્ષ બનાવવા માટે ભૂમિકા નિભાવી હતી.

૨૦૦૪ ની લોકસભાની ચૂંટણીમાં તેઓ પ્રથમ વખત લોકસભા માટે ચૂંટાયા હતા. વિદેશી મૂળના હોવાના આક્ષેપોથી ઘેરાયેલા સોનિયા ગાંધીએ જાહેરાત કરી હતી કે તેઓ વડા પ્રધાન નહીં બને. આ પછી, તેમણે મનમોહન સિંહને વડા પ્રધાન પદ માટે પસંદ કર્યા, પ્રણવ મુખર્જીને પણ બીજી તક મળી.

૨૦૧૨ માં રાજીનામું આપતા પહેલાં તેમને મનમોહન સિંહની સરકારમાં નંબર -૨ ના નેતાનો દરજ્જો મળ્યો હતો. ૨૦૧૨ માં, કોંગ્રેસે રાષ્ટ્રપતિની ચૂંટણીમાં તેમને મેદાનમાં ઉતાર્યા હતા અને તેઓ ચૂંટણીમાં પી.એ. સંગમાને સરળતાથી પરાજિત કરીને દેશના ૧૩ મા રાષ્ટ્રપતિ બન્યા હતા.

વર્ષ ૨૦૧૭ માં, પ્રણવ મુખર્જીએ વધતી ઉંમર અને આરોગ્યના કારણ આગળ ધરીને રાષ્ટ્રપતિપદના નામાંકન ભર્યું નહતું. જૂન ૨૦૧૮ માં, રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના એક કાર્યક્રમને સંબોધન કરવાને લીધે પ્રણવ મુખર્જી પણ ભારે ચર્ચામાં રહ્યા હતા. ૨૦૧૯ માં ભાજપ સરકારે તેમને ભારત રત્નથી સન્માનિત કર્યા.

(9:15 pm IST)
  • સવારે ૧૦-૧પ કલાકે : સેન્સેકસ રપ૦ પોઇન્ટ વધીને ૩૯૭૧૮ : નીફટી ૭૧ પોઇન્ટ વધીને ૧૧૭૧૯ : ડોલર સામે રૂપિયો ૭૩.ર૬ ઉપર ટ્રેડ કરે છે access_time 11:13 am IST

  • દેશમાં વધતો કોરોનાનો કહેર : રાત્રે 12 વાગ્યા સુધીમાં નવા 68,766 પોઝિટિવ કેસ સાથે કુલ કેસનો આંકડો 36,87,939 થયો : 7,84,539 એક્ટીવ કેસ : વધુ 64,435 દર્દીઓ સાજા થતા કુલ 28,37,377 લોકો રિકવર થયા : વધુ 818 લોકોના મોત સાથે મૃત્યુઆંક 65,435 થયો access_time 12:38 am IST

  • રાજસ્થાનના કેટલાક ભાગમાં આજે ભારે વરસાદઃ ગાજવીજ : જાણીતા વેધર વોચર કેન્ની જણાવે છે કે રાજસ્થાન ઉપરાંત તામિલનાડુ- રાયલસીમામાં સાર્વત્રિક ગાજવીજ- વરસાદ આજે જોવા મળશેઃ દેશના પૂર્વોતર સિકકીમ, અરૂણાચલ, મેઘાલય, પ.બંગાળના ભાગોમાં હળવાથી મધ્યમ ગાજવીજ વરસાદની સંભાવના દર્શાવી છેઃ સૌ-કચ્છ, રાજસ્થાન, ગુજરાત, ઓડિશા, તામિલનાડુ, આંધ્ર, કેરળ, કર્ણાટકના ભાગોમાં પણ વરસાદ- ગાજવીજની સંભાવના access_time 3:38 pm IST