Gujarati News

Gujarati News

News of Monday, 31st August 2020

ભારતીય રાજનિતિમાં ફેસબુક વિવાદનો મધુપુડો છંછેડાતો જ રહે છે : ભાજપે અંખીદાસનું APP અને TMC વચ્ચેનું કનેકશન છતુ કર્યુ

સોશ્યલ મીડિયા પર ફેસબુકના વર્ચસ્વ અને કામગીરી પર ઉઠતા અનેક સવાલો વચ્ચે ભાજપ હવે ફેરવી તોળે છે

નવી દિલ્હી: ભારતીય રાજનીતિ (Indian Politics) માં વિશ્વની સૌથી મોટી સોશિયલ મીડિયા કંપની (Social Media Platform) ફેસબુક (Facebook)નો પ્રભાવ અને તેની પોલિસીને લઈને ઉઠી રહેલા સવાલો વચ્ચે વધુ એક ચોંકાવનારો ઘટસ્ફોટ થયો છે. મીડિયા રિપોર્ટ્સમાં ફેસબુક પર પક્ષપાત કરવાનો આરોપ લગાવવામાં આવ્યો છે.

અમેરિકન અખબાર “વૉલ સ્ટ્રીટ જર્નલ” (Wall Street Journal)ના એક રિપોર્ટ મુજબ, ફેસબુકના સીનિયર અધિકારીએ કોંગ્રેસની હાર પર કટાક્ષ કરતાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Modi)ની પ્રસંશા કરી હતી.

રિપોર્ટ પ્રમાણે, ફેસબુકની સીનિયર અધિકારી અંખી દાસે (Ankhi Das) કોંગ્રેસની કારમી હાર પર વ્યંગ કરતા લખ્યું હતું કે, 30 વર્ષથી જમીનીસ્તર પર કામ બાદ ભારતને સ્ટેટ સોશિયલિઝમથી મુક્તિ મળી છે. બીજી તરફ તેમણે ભવ્ય વિજય મેળવવા માટે નરેન્દ્ર મોદીને સ્ટ્રોન્ગમેન ગણાવ્યા હતા. 2012 થી 2014ની વચ્ચે દાસે આવી અનેક પોસ્ટ અને મેસેજ કર્યાં હતા.

ભાજપનો પલટવાર
અમેરિકન અખબાર વૉલ સ્ટ્રીટ જર્નલના ખુલાસા બાદ ફરીથી એક વખત રાજકીય આરોપ-પ્રત્યારોપ શરૂ થઈ ગયા છે. ભાજપના IT સેલ ઈન્ચાર્જ અમિત માલવીયએ ટ્વીટ કરીને અંખી દાસ સાથે આમ આદમી પાર્ટી (AAP) અને તૃણમૂલ કોંગ્રેસ (TMC)ના કનેક્શનનો ઉલ્લેખ કર્યો છે. વૉલ સ્ટ્રીટ જનરલને આડેહાથ લેતા અમિતે લખ્યું છે કે, ત્યાંના દિગ્ગજો આપ અને TMC સાથે અંખી દાસની સહાનૂભૂતિને કેટલી યાદ કરી રહ્યાં છે? અને BJP સાથે ફેસબુકના પક્ષપાતી વલણના ડંકા વગાડી રહ્યાં છે.

અંખી દાસ ઓક્ટોબર 2011થી ફેસબુક માટે કામ કરી રહી છે. તે ભારતમાં ફેસબુકની પબ્લિક પૉલિસીની હેડ છે. દાસની પોસ્ટ અંગે ફેસબુકનું કહેવું છે કે, તેમણે કોઈ પક્ષપાત નથી દાખવ્યો.

આ મામલે ફેસબુકના પ્રવક્તા એન્ડી સ્ટોનનું કહેવું છે કે, અંખી દાસની પોસ્ટનો ખોટો અર્થ કરવામાં આવ્યો છે. કંપનીની તરફથી એ પણ કહેવામાં આવ્યું છે કે, ફેસબુક મુસ્લિમ વિરોધી કટ્ટરતાની વિરુદ્ધ છે.

જણાવી દઈએ કે, 14 ઓગસ્ટે વૉલ સ્ટ્રીટ જનરલમાં એક રિપોર્ટ છપાયો હતો. જેમાં આરોપ લગાવવામાં આવ્યો હતો કે, ફેસબુકે ભારતમાં સત્તાધારી પાર્ટી ભાજપ સામે પોતાના હથિયાર હેઠા મૂકી દીધા છે. ફેસબુક ભાજપ પ્રત્યો કુણૂ વલણ દાખવી રહ્યું છે. ફેસબુકે પોતાના પ્લેટફોર્મ પરથી ભાજપ નેતાઓના નફરત ફેલાવતા ભડકાઉ ભાષણોની પોસ્ટને હટાવવા માટે કોઈ પગલા નથી લીધા. ભાજપના સભ્યો વિરુદ્ધ કાર્યવાહી કરવાથી ભારતમાં કંપનીના હિતને નુક્સાન થઈ શકે છે.

આ રિપોર્ટમાં તેલંગાણા ભાજપના ધારાસભ્ય ટી રાજા સિંહની પોસ્ટનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો. જેમાં અલ્પસંખ્યકો વિરુદ્ધ ભડકાઉ ટિપ્પણી કરવામાં આવી હતી. વૉલ સ્ટ્રીટ જર્નલે રાજાની પોસ્ટનો આધાર આપતા લખ્યું કે, ભારતમાં ફેસબુકની પોલિસી ડિરેક્ટર અંખી દાસે ટી રાજાની ભડકાઉ પોસ્ટને હટાવવાનો વિરોધ કર્યો હતો. આ વિરોધ એટલા માટે કરવામાં આવ્યો, જેથી કંપનીના ભાજપ સાથે સબંધો ખરાબ ના થાય.

(9:38 pm IST)