Gujarati News

Gujarati News

News of Friday, 31st December 2021

નકલખોરીમાં ચીનની વધુ એક કરતબ : હવે નકલી માનવીઓ પણ બનાવે છે ? : એલન મસ્કના હમશકલનો વીડિયો વાઈરલ

બની શકે કે હું થોડો ચીની હોઉં : ટેસ્લાના સ્થાપક એલન મસ્કે પણ વીડિયો અંગે આપી પ્રતિક્રિયા

નવી દિલ્હી :તાજેતરમાં સોશિયલ મીડિયા પર એક વીડિયો ઝડપથી વાઈરલ થઇ રહ્યો છે.તે વાઈરલ વીડિયોમાં જોવા મળતી વ્યક્તિ ટેસ્લા કંપનીના સ્થાપક એલન મસ્ક જેવો જ ચહેરો ધરાવે છે. વીડિયો અંગે કેટલાક લોકો સવાલ ઉઠાવી રહ્યા છે તો કેટલાક લોકોનું કહેવું છે કે વીડિયો ઓરિજિનલ છે. હવે એલન મસ્કે પણ વીડિયો જોઇને પ્રતિક્રિયા આપી છે. એલન મસ્કે વીડિયોના જવાબમાં ટ્વિટ કરીને જણાવ્યું છે કે,' બની શકે કે હું થોડો ચાઇનીઝ હોઉં.' ચીનના ટિકટોક વર્ઝન દોયિન પર સૌ પ્રથમ આ વીડિયો પોસ્ટ થયો હતો.

વીડિયોમાં જોઇ શકાતું હતું કે આબેહૂબ એલન મસ્ક જેવી જ દેખાતી વ્યક્તિ કાળી કાર પાસે ઊભી છે. લોકો વીડિયોમાં દેખાતી વ્યક્તિને યી લોંગ મસ્ક કહેવા લાગ્યા હતા. તે વીડિયો ટ્વિટર સહિતના સોશિયલ મીડિયા મંચ પર વાઈરલ થઇ ગયો. તે વીડિયો જોયા પછી ટેસ્લાના સીઇઓએ પણ કહ્યું કે, બની શકે કે તેઓ થોડા ચીની હોય.

એક ટ્વિટર યૂઝરે વીડિયો જોયા પછી લખ્યું હતું કે ચીન તમામ વસ્તુનું પોતાનું આગવું વર્ઝન ધરાવે છે. કેટલાક યૂઝર્સે વીડિયો સામે સવાલ ઉઠાવતાં કહ્યું કે ડીપ ફેક વીડિયો છે. ડીપ ફેક એક એવી ટેકનોલોજી છે કે જેમાં એઆઇનો ઉપયોગ કરીને યૂઝર એડિટેડ વીડિયો બનાવી શકે છે. એટલી બારીકાઇથી તે તૈયાર કરવામાં આવે છે કે તે પછી જોવા મળતી વ્યક્તિ રિયલ જેવી જ આબેહૂબ લાગે છે. તેથી જ ડીપફેક અને ઓથેન્ટિક વીડિયો વચ્ચેનો ભેદ પારખવો મુશ્કેલ બની રહે છે. ચીનના સ્થાનિક પ્રકાશન ગ્લોબલ ટાઇમ્સે પણ કહ્યું છે કે એઆઇ ટેકનોલોજીનો ઉપયોગ કરીને આ ચીની વ્યક્તિનો વીડિયો તૈયાર કરવામાં આવ્યો છે.

(12:00 am IST)