Gujarati News

Gujarati News

News of Friday, 31st December 2021

યુકેથી કોલકાતા આવતી તમામ ફ્લાઈટ્સ પર પ્રતિબંધ:પશ્ચિમ બંગાળ સરકારનો મોટો નિર્ણય

વૈશ્વિક સ્તરે તેમજ દેશની અંદર ઓમિક્રોન કેસની વધતી સંખ્યાને ધ્યાનમાં રાખીને નિર્ણય લેવાયો

કોલકતા :પશ્ચિમ બંગાળ સરકારે યુકેથી કોલકાતા એરપોર્ટ પર આવનારી તમામ ફ્લાઈટ્સ સ્થગિત કરવાનો નિર્ણય લીધો છે. રાજ્ય સરકાર દ્વારા જારી કરાયેલા આદેશ અનુસાર 3 જાન્યુઆરીથી યુકેથી કોલકાતા આવતી તમામ ફ્લાઈટ્સ પર પ્રતિબંધ મૂકવામાં આવશે. બંગાળના અધિક મુખ્ય સચિવ બીપી ગોપાલિકા દ્વારા નાગરિક ઉડ્ડયન મંત્રાલયના સચિવ રાજીવ બંસલને લખેલા પત્રમાં તેમણે રાજ્ય સરકારના નિર્ણયની જાણકારી આપી છે.

તેમના પત્રમાં, તેમણે લખ્યું, “હું તમને જણાવવા માંગુ છું કે વૈશ્વિક સ્તરે તેમજ દેશની અંદર ઓમિક્રોન કેસની વધતી સંખ્યાને ધ્યાનમાં રાખીને, રાજ્ય સરકારે અસ્થાયી રૂપે અને આગામી આદેશો સુધી, યુનાઇટેડ કિંગડમથી કોલકાતા આવતી તમામ ફ્લાઇટ ઉપટ પ્રતિબંધ મૂક્યો છે. તેથી અહીંથી રાજ્યમાં ફ્લાઇટ્સને મંજૂરી આપવામાં આવશે નહીં અને જારી કરાયેલ કોઈપણ એનઓસી પાછી ખેંચી લેવામાં આવશે.”

હેલ્થ એક્સપર્ટ્સનું કહેવું છે કે ક્રિસમસ પર ભેગી થયેલી ભારે ભીડને કારણે કોરોના ચેપ ઝડપથી ફેલાઈ ગયો છે. નવા વર્ષમાં આ આંકડો વધુ વધી શકે છે. નોંધનીય છે કે ક્રિસમસ અને નવા વર્ષને ધ્યાનમાં રાખીને બંગાળમાં હાલમાં નાઇટ કર્ફ્યુમાં રાહત આપવામાં આવી છે. આરોગ્ય નિષ્ણાતોએ ચેતવણી આપી છે કે કોરોનાના વધતા સંક્રમણને રોકવા માટે તાત્કાલિક કડક પગલાં લેવાની જરૂર છે.

કોલકાતાને અડીને આવેલો ઉત્તર 24 પરગણા જિલ્લો હાલમાં 145 કેસ સાથે કોરોના ચેપના સંદર્ભમાં બીજા સ્થાને છે જ્યારે હાવડા (79) ત્રીજા સ્થાને છે. તે પછી દક્ષિણ 24 પરગણા (60) અને હુગલી (59) આવે છે. મુર્શિદાબાદ, ઝારગ્રામ, પુરુલિયા, અલીપુરદ્વાર, દક્ષિણ દિનાજપુર અને કાલિમપોંગમાં હજુ પણ કોરોના નિયંત્રણમાં છે.

 પૂર્વ મેદિનીપુર, ઝારગ્રામ, દાર્જિલિંગ, દક્ષિણ દિનાજપુર, હુગલી, માલદા, જલપાઈગુડી, બાંકુરા અને પુરુલિયામાં કોરોનાથી મૃત્યુઆંક અટકી ગયો છે. કોલકાતામાં અત્યાર સુધીમાં 3,04,720 લોકો કોરાનાથી સંક્રમિત થયા છે અને 5,611 લોકોના મોત થયા છે. ઉત્તર 24 પરગણા જિલ્લામાં કોરોનાને કારણે અત્યાર સુધીમાં 5,012 લોકોના મોત થયા છે. બંગાળમાં કોરોનાથી સાજા થનારા લોકોની સંખ્યા વધીને 16,32,956 થઈ ગઈ છે. રિકવરી રેટ 98.32 ટકા છે.

દરમિયાન, કેન્દ્રીય આરોગ્ય સચિવ રાજેશ ભૂષણે રાજ્ય સરકારને પત્ર લખીને તેને રોકવા માટે પગલાં ભરવા જણાવ્યું છે. રાજ્યના આરોગ્ય સચિવ નારાયણ સ્વરૂપ નિગમને સંબોધિત આ પત્રમાં કહેવામાં આવ્યું છે કે કેન્દ્રીય આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયે ગત 21 ડિસેમ્બરે રાજ્યોને રાત્રિ કર્ફ્યુ અને મોટા મેળાવડાને નિયંત્રિત કરવા જેવા નિયંત્રણો લાગુ કરવા સલાહ આપી હતી. પથારીની ક્ષમતા વધારવી અને કોરોના સંબંધિત આરોગ્ય માર્ગદર્શિકાઓનો કડક અમલ કરવો.

(12:20 am IST)