Gujarati News

Gujarati News

News of Friday, 31st December 2021

૨૪ કલાકમાં ૯ આતંકીઓનો ખાત્મોઃ એક જવાન શહીદ

શ્રીનગરના પંથા ચોક વિસ્તારમાં આતંકવાદીઓ અને સુરક્ષા દળો વચ્ચે અથડામણ થઈ હતીઃ મોડી રાત્રે સુરક્ષા દળોએ એન્કાઉન્ટરમાં ૩ આતંકીઓને ઠાર માર્યા હતા

શ્રીનગર,તા. ૩૧: જમ્મુ-કાશ્મીરના શ્રીનગરમાં ગઇ કાલે રાત્રે સુરક્ષાદળો અને આતંકવાદીઓ વચ્ચે અથડામણ થઈ હતી. જે દરમિયાન ત્રણ આતંકીઓના મોતના સમાચાર છે. બીજી બાજુ આ એન્કાઉન્ટર દરમિયાન ચાર જવાન પણ ઘાયલ થયા હતા. પોલીસે આ માહિતી આપી છે. ખાસ વાત એ છે કે સુરક્ષાદળો અને પોલીસની કાર્યવાહીમાં છેલ્લા ૨૪ કલાકમાં ૯ આતંકવાદીઓ માર્યા ગયા છે. અગાઉ દક્ષિણ કાશ્મીરના બે જિલ્લામાં પણ ૬ આતંકવાદીઓનું ઢીમ ઢાળી દેવામાં આવ્યું હતું.

ગઇ કાલે શ્રીનગરમાં આતંકવાદીઓ વિરુદ્ઘ સુરક્ષા દળોનું ઓપરેશન પૂર્ણ થઈ ગયું છે. આ દરમિયાન ૩ આતંકીઓ માર્યા ગયા છે. મીડિયા અહેવાલો અનુસાર, પોલીસે જણાવ્યું હતું કે, 'પ્રારંભિક ગોળીબારમાં ત્રણ પોલીસકર્મીઓ અને CRPFનો એક જવાન ઘાયલ થયા હતા, જેમને બાદમાં હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.'ઉલ્લેખનીય છે કે, ગત રોજ દક્ષિણ કાશ્મીરમાં બે એન્કાઉન્ટરમાં બે પાકિસ્તાની નાગરિકો સહિત છ આતંકવાદીઓ માર્યા ગયા હતા. જેમાં સેનાનો એક જવાન શહીદ થયો હતો. અધિકારીઓએ ગઇ કાલે આ માહિતી આપતાં જણાવ્યું હતું કે, માર્યા ગયેલા આતંકવાદીઓમાં જૈશ-એ-મોહમ્મદના બે આતંકવાદીઓનો પણ સમાવેશ થાય છે જેઓ ૧૩ ડિસેમ્બરે શ્રીનગરની બહાર પોલીસ બસ પર હુમલો કરવામાં સામેલ હતા.

અધિકારીઓએ જણાવ્યું હતું કે બુધવારે રાત્રે જમ્મુ અને કાશ્મીરના અનંતનાગ જિલ્લામાં સુરક્ષા દળો અને આતંકવાદીઓ વચ્ચેની અથડામણમાં એક પાકિસ્તાની નાગરિક સહિત જૈશ-એ-મોહમ્મદના ત્રણ આતંકવાદીઓ માર્યા ગયા હતા. તે જ સમયે, બુધવારે સાંજે કુલગામ જિલ્લામાં એક એન્કાઉન્ટરમાં ત્રણ અન્ય આતંકવાદીઓ માર્યા ગયા હતા. તેમણે કહ્યું કે અનંતનાગ ઓપરેશન દરમિયાન બે જવાન અને એક પોલીસકર્મી દ્યાયલ થયા છે.

જીઓસીએ કહ્યું કે ઓપરેશન દરમિયાન જવાન જસબીર સિંહ પણ શહીદ થયા છે. નોવગામમાં, ખૂબ જ ગીચ વિસ્તારમાં ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું, જયારે નાગરિકોને સુરક્ષિત રીતે બહાર કાઢ્યા હતા, ત્યારે સેનાના બે જવાનો અને જમ્મુ અને કાશ્મીર પોલીસના એક કર્મચારી દીપક શર્માને ગોળી વાગી હતી. એક જવાન શહીદ થયો છે, જયારે અન્ય બેની હાલત સ્થિર છે.

આઈજી કાશ્મીર વિજય કુમારે કહ્યું કે ડિસેમ્બર મહિનામાં અત્યાર સુધીમાં પાંચ પાકિસ્તાનીઓ સહિત ૨૪ આતંકવાદીઓ માર્યા ગયા છે. માર્યા ગયેલા આતંકવાદીઓ પાસેથી બે યુએસ નિર્મિત M-4 કાર્બાઈન, ૧૫ AK-47, બે ડઝન પિસ્તોલ, ગ્રેનેડ અને IED મળી આવ્યા છે. પાકિસ્તાન અહીં અશાંતિ ફેલાવવા માંગે છે. સુરક્ષા દળોએ આ વર્ષે જૈશના નંબર વન અને નંબર ટુને મોટો ફટકો આપ્યો છે.

(10:10 am IST)