Gujarati News

Gujarati News

News of Friday, 31st December 2021

વિશ્વભરમાં કોરોનાનો અજગરી ભરડોઃ સતત ત્રીજા દિવસે ૧૦ લાખથી વધુ કેસઃ મૃત્યુઆંક ડરાવનારો

યુરોપમાં બ્રિટન, ફ્રાન્સ, સ્પેનમાં સતત બીજા દિવસે કોરોનાના કેસ એક લાખથી ઉપર નોંધાયા :દુનિયામાં કોરોના વિરોધી રસીકરણ અભિયાન શરૂ કરાયાના એક વર્ષ કરતાં વધુ સમય પછી પણ આ મહામારી સામે દુનિયા હજુ ઘૂંટણીયે છે

નવી દિલ્હી,તા. ૩૧: દુનિયામાં ફરી એક વખત કોરોના મહામારીએ વિનાશ વેરવાનું શરૂ કરી દીધું છે. કોરોના વાઈરસના નવા વેરિઅન્ટ ઓમિક્રોનના કારણે દુનિયાભરના દેશોમાં વિશેષરૂપે અમેરિકા અને યુરોપમાં કોરોનાના કેસમાં વિક્રમી ઊછાળો આવ્યો છે. અમેરિકામાં એક દિવસમાં કોરોનાના ૪.૬૫ લાખ કેસ નોંધાયા છે અને વધુ ૧,૭૭૭નાં મોત નીપજયાં હતા. બીજીબાજુ યુરોપમાં બ્રિટન, ફ્રાન્સ, સ્પેનમાં સતત બીજા દિવસે કોરોનાના કેસ એક લાખથી ઉપર નોંધાયા છે. આમ દુનિયામાં સતત બીજા દિવસે ૨૪ કલાકમાં કોરોનાના ૧૦ લાખથી વધુ કેસ નોંધાયા છે જયારે વધુ ૬,૦૦૦થી વધારે કોરોના દર્દીનાં મોત નીપજયાં

દુનિયામાં કોરોના વિરોધી રસીકરણ અભિયાન શરૂ કરાયાના એક વર્ષ કરતાં વધુ સમય પછી પણ આ મહામારી સામે દુનિયા હજુ ઘૂંટણીયે છે. મોટાભાગના દેશોમાં કોરોનાના કેસ સતત વધી રહ્યા છે. કોરોનાના કારણે ફરી એક વખત દુનિયાના વિકસિત દેશોમાં પણ સ્વાસ્થ્ય સેવાઓનો અભાવ જોવા મળી રહ્યો છે. વિશ્વ આરોગ્ય સંસ્થા (હૂ)એ ચેતવણી આપી હતી કે ડેલ્ટા પ્રકોપ દરમિયાન જ ઓમિક્રોનના વધુ સંક્રામક કેસ દુનિયામાં કોરોનાની સુનામી લાવી રહ્યા છે.

હૂના અધ્યક્ષ ટેડ્રોસ ગેબ્રેયેસસે જણાવ્યું હતું કે, ગયા સપ્તાહની સરખામણીમાં આ સપ્તાહે કોરોનાના નવા કેસમાં ૧૧ ટકાનો ઊછાળો આવ્યો છે. ૨૦થી ૨૬ ડિસેમ્બર વચ્ચે અંદાજે ૫૦ લાખ નવા કેસ નોંધાયા હતા, જેમાં અડધાથી વધુ કેસ યુરોપમાં નોંધાયા હતા. જોકે, હવે અમેરિકામાં પણ કોરોનાના વિક્રમી કેસ નોંધાઈ રહ્યા છે.

દુનિયામાં કોરોના મહામારી પર નજર રાખી રહેલી વર્લ્ડઓમીટર વેબસાઈટ દ્વારા એકત્ર કરાયેલા આંકડા મુજબ અમેરિકામાં એક દિવસમાં કોરોનાના નવા ૪,૬૫,૬૭૦ કેસ નોંધાયા હતા અને વધુ ૧,૭૭૭નાં મોત નીપજયાં હતા. આ સાથે અમેરિકામાં કોરોનાના કુલ કેસ ૫,૪૬,૫૬,૮૬૬ થયા હતા જયારે મૃત્યુઆંક ૮,૪૪,૨૭૨ થયો હતો.

અમેરિકામાં અત્યંત ઝડપથી ફેલાતા ઓમિક્રોનના કારણે ક્રિસમસ અને નવા વર્ષની ઊજવણીઓ ફિક્કી થઈ ગઈ હતી. અમેરિકાના ટોચના ડો. એન્થોની ફૌસીએ દેશવાસીઓને નવા વર્ષની ઊજવણી કરવા સામે ચેતવણી આપી હતી. તેમણે ઉમેર્યું કે, અમેરિકામાં જાન્યુઆરીના અંત સુધીમાં કોરોનાની પીક આવશે.

બ્રિટનમાં પણ સતત બીજા દિવસે કોરોનાના નવા કેસ વિક્રમી સ્તરે નોંધાયા છે. બ્રિટનના વડાપ્રધાન બોરિસ જોન્સને લોકોને સાવધાનીપૂર્વક નવા વર્ષની ઊજવણી કરવા અપીલ કરી છે. હજુ પણ હોસ્પિટલોમાં અનેક હેલ્થ વોરિયર્સને બૂસ્ટર ડોઝ મૂકાયા નથી, જે ચિંતાજનક બાબત છે. બ્રિટનમાં કોરોનાના કુલ કેસ ૧,૨૫,૫૯,૯૨૬ નોંધાયા હતા જયારે મૃત્યુઆંક ૧,૪૮,૦૮૯ થયો હતો.

ફ્રાન્સની રાજધાની પેરિસમાં પણ કેસ વધતા માસ્ક પહેરવું ફરજિયાત બનાવી દેવાયું છે અને માસ્ક નહીં પહેરનારને ૧૩૫ યુરોનો દંડ કરાયો છે. રશિયામાં કોરોનાના નવા ૨૧,૦૭૩ કેસ નોંધાયા છે અને વધુ ૯૨૬નાં મોત નીપજયાં છે. આ સાથે રશિયામાં કુલ કેસ ૧,૦૪,૭૯,૩૪૪ થયા છે જયારે મૃત્યુઆંક ૩,૦૭,૯૪૮ થયો છે.

સાઉદી અરબમાં પણ કોરોનાના કેસ વધતા વિક્રમી સપાટીએ પહોંચ્યા છે. પરિણામે સરકારે મુસ્લિમો માટે પવિત્ર મક્કા મસ્જિદમાં સોશિયલ ડિસ્ટન્સના નિયંત્રણો લાગુ કર્યા છે. બીજીબાજુ ચીનમાં પણ કેસ વધતાં ૧.૩ કરોડની વસતી ધરાવતા શિઆનમાં આકરું લોકડાઉન લાગુ કરી દીધું છે. પરિણામે શહેરીજનો માટે ભૂખમરાની સ્થિતિ સર્જાઈ છે.

(10:11 am IST)